Tue Oct 06 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જિંદગી કી યહી રીત હે... હાર કે બાદ હી જીત હે...

2026-10-01 07:35:00
Author: Shweta Joshi Antani
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જિંદગી કી યહી રીત હે... હાર કે બાદ હી જીત હે...

શ્વેતા જોષી અંતાણી


મેદાનમાં લાઉડસ્પીકર પરથી અવાજ ગુંજ્યો, ‘બસ્સો મીટરની દોડમાં ભાગ લેનારી છોકરીઓ સ્ટાર્ટિંગ લાઇન પર આવી જાય.’ એકાએક આખું વાતાવરણ બદલાઈ ગયું. થોડી ક્ષણ પહેલાં સુધી આવી રહેલો મજાક-મસ્તીનો અવાજ ધીમો પડી ગયો. પ્રેક્ષકો પોતાની બેઠકો પર ટટ્ટાર બેસી ગયા. સૌની નજર હવે સ્ટાર્ટિંગ લાઇન તરફ હતી. બધી છોકરી પોતાની જગ્યા લેવા લાગી, પણ મિહિકા ત્યાં જ ઊભી રહી ગઈ. એના મનમાં અચાનક ખાલીપો અનુભવાયો. એ ભય હતો... હારવાનો ભય.


‘આજે હું હારી ગઈ તો?’ વિચાર આવતાં જ એના પગ નબળા પડી ગયા. મિહિકા શાળાની શ્રેષ્ઠ દોડવીર હતી. છેલ્લાં બે વર્ષથી એ સતત મેડલ જીતી રહેલી. શિક્ષકોને એની પાસેથી મોટી આશા હતી. મિત્રો એને પહેલેથી વિજેતા માની લેતા. એનાં માતા-પિતાને પણ એની દરેક જીત પર ગર્વ થતો, પણ આજે...  એના મનમાં પહેલી વાર જીત કરતાં હારનો વિચાર વધારે મોટો બની ગયો હતો. 


એવું નહોતું કે એ ભૂતકાળમાં હારી નહોતી. હારવું કંઈ અસામાન્ય નહોતું. એ જાણતી હતી કે દરેક રેસ જીતી શકાય નહીં. છતાં આજે જો એ હારી જાય તો? એના ગળામાં જાણે કંઈક અટવાઈ ગયું. સ્પોર્ટ્સ ટીચરે દૂરથી એની તરફ જોયું. મિહિકાએ ઊંડો શ્ર્વાાસ લીધો અને પોતાની લેનમાં જઈને ઊભી રહી. બીજી છોકરીઓ છેલ્લી ઘડીએ પોતાના શૂઝની દોરી તપાસતી હતી, હેરબૅન્ડ સરખાં કરતી હતી અને એકબીજાના આત્મવિશ્વાસને આંકવાનો ક્યાસ કાઢવા જોયાં કરતી ત્યારે મિહિકા નીચી મૂંડીએ નિરાશ ઊભી હતી.


એણે આંખો બંધ કરી. જાતને ટપારી. ‘કશું વિચારવું નથી.’ ‘માત્ર દોડવાનું છે.’ "On your marks...' બધી છોકરીઓ સ્ટાર્ટિંગ પોઝિશનમાં આવી ગઈ. મિહિકાના ધબકારા એટલા ઝડપથી વધી ગયા કે જાણે આખું મેદાન એના હૃદયના ધબકારા સાંભળી રહ્યું હોય. પછી પિસ્તોલનો અવાજ થયો. ‘બેંગ!’ મિહિકા વીજળીની જેમ દોડી. એના પગ લાંબાં ડગલાં ભરતા હતા. હાથ અને પગ વચ્ચે અદ્ભુત તાલમેલ હતો. પ્રથમ બેન્ડ સુધી પહોંચતાં એ ચોથી ક્રમે હતી. એણે ઓવરટેક કર્યું. હવે એ ત્રીજા ક્રમે હતી. 


બીજી છોકરીએ પોતાની ગતિ વધારી, પરંતુ શરૂઆતમાં વધારે ઝડપ લગાવી દેવાના કારણે થોડા સમય પછી એ થાકી ગઈ. મિહિકાએ તક ઝડપી. એ પણ પાછળ રહી નહીં. થોડા જ પળોમાં એ બીજા ક્રમે આવી ગઈ. હવે માત્ર એક છોકરી આગળ હતી. એ સૌથી મજબૂત દોડવીર હતી. બંન્ને વચ્ચે હજુ ઘણું અંતર હતું. મિહિકાના પગ ભારે થવા લાગ્યા. શ્વાસ ધમણની જેમ ચાલતો હતો, પણ મનમાં માત્ર બે શબ્દો ગુંજી રહ્યા હતા, ‘તું કરી શકે છે...’ એણે દાંત ભીંસ્યા. પોતાની બધી શક્તિ એકઠી કરી. અંતર ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. અને પછી... મિહિકા અચાનક આગળ નીકળી ગઈ. હવે એ પ્રથમ ક્રમે હતી. એના ચહેરા પર આનંદ છવાઈ ગયો. માત્ર થોડા મીટર બાકી હતા અને ત્યારે જ એનો પગ અચાનક લપસ્યો. સંતુલન બગડ્યું. 


પ્રેક્ષકોના મોંએથી એકસાથે ચીસ નીકળી. મિહિકા જમીન પર પછડાઈ. બાકીની દોડવીરો આગળ નીકળી ગઈ. મેદાનમાં એક ક્ષણ માટે અજીબ શાંતિ છવાઈ ગઈ. મિહિકા જમીન પર પડી હતી. એની આંખોમાં આંસુ ધસી આવેલાં. એને લાગ્યું કે બસ હવે બધું ખતમ. પગ જાણે લંગડાય ગયા હોય એવો એને ભાસ થયોને એ જ ક્ષણે નાની બહેન ઈશાની મનમાં ઝબકી ઊઠી. બાળપણમાં થયેલા પોલિયોના કારણે ઈશાનીના એક પગમાં કાયમી અસર રહી ગયેલી. 


ચાલતી વખતે એ થોડું લંગડાતી. ઈશાનીને લોકોની દયા બિલકુલ ગમતી નહોતી. મિહિકા જ્યારે પણ મેડલ જીતીને ઘરે આવતી ત્યારે કહેતી, ’આ મેડલ તારા માટે છે. હું દોડું છું, કારણ કે તું દોડી શકતી નથી.’ ઈશાની હંમેશાં હસીને કહેતી, ‘મારે તારા મેડલ નથી જોઈતાં.’ બસ, તું આમ જ જીતતી રહેજે. હારીશ નહી...’ પણ આજે મિહિકા જમીન પર પડી હતી અને ઈશાનીના ચહેરા પર વેદના છવાઈ ગયેલી.


એ જોઈ મિહિકા ધીમે ધીમે ઊભી થઈ. ઘૂંટણ પર ઈજા હતી. શરીર દુખતું હતું. જીતવાની તક હાથમાંથી સરકી ગઈ હતી, પણ એણે દોડવાનું બંધ ના કર્યું. એક ડગલું... પછી બીજું... એ ધીમે ધીમે ફિનિશિંગ લાઇન તરફ આગળ વધવા લાગી. પ્રેક્ષકો તાળીઓ પાડવા લાગ્યા. આખું મેદાન જાણે એની સાથે દોડી રહ્યું હોય એમ


‘મિહિકા!’
‘તું કરી શકે છે!’
‘ચાલ!’ એના કાનમાં માત્ર એક જ અવાજ ગુંજતો હતો. ‘મિહિકા... મિહિકા...’ અને આખરે એ ફિનિશિંગ લાઇન પાર કરી. કદાચ સૌથી છેલ્લે. તેમ છતાં મેદાનમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઊઠ્યો. ઈશાનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. એને પહેલી વાર સમજાયું કે જીત માત્ર મેડલ મેળવવાનું નામ નથી. મિહિકાએ પોતાની બહેન માટે દોડવાનું શરૂ કર્યું હતું, પરંતુ આજે એ પોતાની જાત માટે દોડી હતી. ભલે  એ દિવસે મેડલ કોઈ બીજાએ જીત્યો, પણ સંતોષ મિહિકાને ભાગે આવેલો.


એ દિવસે મિહિકા રેસ હારી, પણ જીવનનો અગત્યનો પાઠ શીખી ગયેલી. એક નવી સમજણ એનામાં પ્રવેશેલી કે જીવનની સૌથી મોટી જીત ત્યારે જ મળે છે, જ્યારે માણસ પડ્યા પછી ફરી ઊભો થતાં શીખી જાય.