Mon Oct 05 2026

Logo

જવાહર ચાવડાના સરકાર સામે આકરા પ્રહારો: યુવાનો માટે શરૂ કર્યું 'રોજગાર સહાયતા અભિયાન'

2026-10-02 22:50:30
Author: Mayur Patel
જવાહર ચાવડાના સરકાર સામે આકરા પ્રહારો: યુવાનો માટે શરૂ કર્યું 'રોજગાર સહાયતા અભિયાન'

જૂનાગઢ: ​પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ યુવાનોના રોજગાર અને બેરોજગારીના પ્રશ્ને રાજ્ય સરકાર અને તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભાઈઓ અને બહેનો, આજે વાત તમારી મહેનત પર ફરતા પાણી અને સિસ્ટમની બેદરકારીની કરવી છે. દોઢ વર્ષ પહેલાં તેમણે યુવાનોની બેરોજગારી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરીને લોકોના દુઃખ-દર્દ સાંભળ્યા હતા.

​આ પ્રવાસ દરમિયાન ગામડે-ગામડેથી ભુલભુલેયા સમાન સિસ્ટમનો ભોગ બનેલા યુવાનોનો આક્રોશ અને નારાજગી જોવા મળી હતી. આ તમામ ફરિયાદો અને પ્રશ્નો પર મનોમંથન કર્યા બાદ, બેરોજગારી દૂર કરવા અને આ સડેલી સિસ્ટમમાં સુધારો લાવવા માટે પૂર્વ પ્રધાને મુખ્ય પ્રધાનને પત્ર લખીને પરામર્શ હેતુ મુલાકાતનો સમય માંગ્યો હતો. પરંતુ, આજ દિન સુધી આ અંગે કોઈ પણ પ્રકારનો સંતોષકારક પ્રતિભાવ મળ્યો નથી.

​ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કદાચ આટલી મોટી વાત ખરાબ સિસ્ટમને કારણે મુખ્ય પ્રધાનના ધ્યાનમાં નહીં આવી હોય, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ખરાબ થયેલી સિસ્ટમને યુવાનો અને નાગરિકોએ જાતે જ બદલવી પડશે. યુવાનોના પ્રશ્નોને વાચા આપવા માટે જ 'રોજગાર સહાયતા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે.

​જનસંપર્ક દરમિયાન યુવાનોને મળીને તેમને ખાતરી થઈ છે કે આજના યુવાનો નિરાશ જરૂર છે, પણ નબળા નથી. તેમની પાસે કામ કરવાની આવડત છે, પરંતુ યોગ્ય તકનો અભાવ છે. સૌથી મોટી વાત એ છે કે યુવાનો હવે આ સિસ્ટમને બદલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ 'રોજગાર સહાયતા અભિયાન' કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિ માટે ખુલ્લું છે અને હવેથી યુવાનોના રોજગાર સંબંધિત પ્રશ્નોની રજૂઆત આ જ મંચ પરથી સતત થતી રહેશે તેવી ઘોષણા કરવામાં આવી હતી.