સુરતઃ ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત ભાજપના સાંસદે ભાંગરો વાટ્યો હતો. સુરતના સાંસદ મુકેશ દલાલે ગાંધી જંયતિને 'પુણ્યતિથિ' ગણાવી હતી. એટલું જ નહીં, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર સાંસદનો ઉધડો લીધો હતો.
બીજી ઓક્ટોબરે સુરતના ગાંધી બાગ ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલ બાપુની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ત્યાં મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે ભાંગરો વાટ્યો હતો. મુકેશ દલાલે ગાંધી જયંતિને બદલે પુણ્યતિથિ કહીને બાપુને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી.
શું કહ્યું મુકેશ દલાલ
ગાંધી બાગ ખાતે મહાત્મા ગાંધી પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંસદ મુકેશ દલાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, બીજી ઓક્ટોબર એટલે પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્ય તિથિ. તેઓ આટેલી જ અટક્યા નહોતા અને વધુમાં જણાવ્યું કે, આ પુણ્ય તિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે.
સાંસદના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો અને વિરોધ પક્ષના નેતાઓ તેમની આ ભૂલને લઈને ભારે ટીકા કરી રહ્યા છે અને સાંસદનું જ્ઞાન જુઓ કહીને મજાક ઉડાવી રહ્યા છે. 2 ઓક્ટોબરે ગાંધીજીનો જન્મ થયો હતો, જ્યારે તેમની પુણ્યતિથિ 30 જાન્યુઆરીએ આવે છે. આટલી સામાન્ય વાતમાં પણ જવાબદાર સાંસદથી ભૂલ થતાં લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
થોડા દિવસ પહેલા મુકેશ દલાલે નવરાત્રીના પાવન પર્વની શરૂઆત સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી 'રેન્ટ એ પાર્ટનર' પોસ્ટને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ પોસ્ટ પાછળ અન્ય ધર્મના લોકો દ્વારા સનાતન ધર્મની યુવતીઓને ફસાવવાનું મોટું ગુનાહિત કાવતરું હોવાની આશંકા દર્શાવી છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમણે પોલીસ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.
તેમણે હિન્દુ યુવક-યુવતીઓ કે સોશિયલ મીડિયા પર આવતી આવી લોભામણી જાહેરાતોથી દૂર રહે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીમાં ન ફસાય તેવી અપીલ કરી હતી તેમ જ નવરાત્રી ગ્રાઉન્ડમાં ગરબા રમવા આવતા તમામ ખેલૈયાઓના આઈડી કાર્ડ ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવાની પણ માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મુકેશ દલાલ 2024માં લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ જાહેર થયા હતા. 22 એપ્રિલ 2024ના રોજ સુરત બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થતાં અને અન્ય ઉમેદવારોએ નામાંકન પાછું ખેંચતા તેઓ ચૂંટણી વગર બિનહરીફ ચૂંટાયા હતા.
સાંસદ બનતા પહેલા તેઓ સુરતમાં સ્થાનિક સ્તરે કોર્પોરેટર અને સંગઠનમાં સક્રિય પદાધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. સુરત મહાનગરપાલીકામાં પાંચ વખત સ્ટૅન્ડિંગ કમિટિના ચૅરમૅન રહેલા મુકેશ દલાલ 40 કરતાં વધુ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે.