Mon Oct 05 2026

Logo

હૉકી પ્લેયર દીપિકાએ એશિયન ગેમ્સમાં નવો ઇતિહાસ રચ્યો, ભારતે થાઇલૅન્ડને 20-1થી હરાવ્યું

Kakamigahara   2026-09-23 16:21:47
Author: Ajay Motiwala
હૉકી પ્લેયર દીપિકાએ એશિયન ગેમ્સમાં નવો ઇતિહાસ રચ્યો, ભારતે થાઇલૅન્ડને 20-1થી હરાવ્યું

કકામિગાહારા (જાપાન)ઃ ભારતની ટોચની હૉકી ખેલાડી અને ડ્રૅગ ફ્લિકની ટેક્નિક (હૉકી સ્ટિકથી જમીન પરના બૉલને થોડો ઉછાળીને સીધો ગોલપોસ્ટમાં મોકલવાની કળા) દીપિકા સેહરાવતે અહીં બુધવારે એશિયન ગેમ્સની એક જ મૅચમાં નવ ગોલનો વિક્રમ રચીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. ભારતે આ મુકાબલામાં થાઇલૅન્ડ (Thailand)ની ટીમને 20-1થી હરાવ્યું હતું. પૂલ-બીમાં ભારત સતત ત્રીજી જીત સાથે મોખરે છે. ભારતની આગામી મૅચ યજમાન જાપાન સામે રમાશે. ગ્રૂપની ટોચની ટીમ સેમિ ફાઇનલમાં જશે.

નવાઈની વાત એ છે કે દીપિકાએ વન-સાઇડેડ બની ગયેલી આ મૅચમાં નવેનવ ગોલ પેનલ્ટી કૉર્નરમાંથી કર્યા હતા. ભારતની આક્રમક ખેલાડીઓની ક્ષમતા અને ટેક્નિક સામે થાઇ પ્લેયર્સ પાસે કોઈ જ જવાબ નહોતો. ભારતીય ખેલાડીઓ ગોલ કરીને થાકી ગઈ હતી. થાઇ ટીમની સંરક્ષણ દીવાલ ખૂબ નાજુક હતી જેને કારણે ભારતીય ખેલાડીઓ વારંવાર ગોલપોસ્ટ સુધી ધસી ગઈ હતી અને ગોલ પર ગોલ કર્યો હતો.

દીપિકાના નવ અને નવનીતના ચાર ગોલ

દીપિકા (Deepika)એ નવ ગોલ બીજી, આઠમી, નવમી, 24મી, 33મી, 36મી, 39મી, 51મી અને 57મી મિનિટમાં કર્યા હતા. પેનલ્ટી કૉર્નરમાંથી તે બેકાબૂ થઈ ગઈ હતી. નવનીત કૌરે ચાર ગોલ ચોથી, 29મી, 35મી અને 51મી મિનિટમાં કર્યા હતા. ઋતુજા પિસલે ત્રણ ગોલ કર્યા હતા, જ્યારે એક-એક ગોલ નેહા ગોયલ, લાલરેમસિયામી, સાક્ષી રાણા અને કૅપ્ટન સલીમા ટેટેએ કર્યો હતો. થાઇલૅન્ડ વતી એકમાત્ર ગોલ સુપાન્સા સમાન્સોએ છેક 57મી મિનિટમાં કર્યો હતો.

પુરુષોમાં ભારતનો 16-1થી વિજય

મંગળવારે ભારતના પુરુષોની હૉકી ટીમે શ્રીલંકાને 16-1થી માત આપી હતી. એમાં જુગરાજ સિંહ તેમ જ અભિષેક તથા દિલપ્રીત સિંહે ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. એ અગાઉ, ભારતીય હૉકી ખેલાડીઓએ ઇન્ડોનેશિયા સામે 13-1થી વિજય મેળવ્યો હતો જેમાં જુગરાજ સિંહના સૌથી વધુ ચાર ગોલ હતા.