Mon Oct 05 2026

Logo

અભિષેકનો છેલ્લી ક્ષણમાં વિનિંગ ગોલ, પાકિસ્તાનને 4-3થી પરાસ્ત કરીને ભારત ફાઇનલમાં

Kakamigahara   2026-10-01 16:54:48
Author: Ajay Motiwala
અભિષેકનો છેલ્લી ક્ષણમાં વિનિંગ ગોલ, પાકિસ્તાનને 4-3થી પરાસ્ત કરીને ભારત ફાઇનલમાં

કકામિગહરા (જાપાન): ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે અહીં ગુરુવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને એશિયન ગેમ્સની રોમાંચક મેન્સ સેમિ ફાઇનલમાં 4-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. અભિષેક નૈન (Abhishek Nain) નામનો ખેલાડી આ મૅચનો સુપરસ્ટાર હતો. છેલ્લી મિનિટ સુધી બન્ને ટીમ 3-3ની બરાબરીમાં હતી, પરંતુ અભિષેકે પાકિસ્તાનની ડિફેન્સ તોડીને વિનિંગ ગોલ કર્યો હતો અને ભારત માટે ચમત્કાર સરજ્યો હતો.

હરિયાણાના અભિષેક નૈને 26મી સપ્ટેમ્બરે જાપાન સામેની મૅચમાં અને ત્યાર બાદ બાંગ્લાદેશ સામેના મુકાબલામાં પ્રારંભિક ગોલ કર્યા હતા અને ગુરુવારે પાકિસ્તાન સામેની સેમિ ફાઇનલ પૂરી થવાને 45 સેકન્ડ બાકી હતી ત્યારે તેણે અંતિમ પળોમાં વિનિંગ ગોલ કર્યો હતો. જો આ મૅચ શૂટઆઉટમાં ગઈ હોત તો ભારતે કદાચ પરાજય જોવો પડ્યો હોત.

ભારત વતી અભિષેકની પહેલાં ત્રણમાંથી બે ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. તેણે પાંચમી અને 13મી મિનિટમાં પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કર્યો હતો, જ્યારે 23મી મિનિટમાં સુખજિત સિંહે ફીલ્ડ કર્યો હતો જે ભારતનો ત્રીજો ગોલ હતો. પાકિસ્તાન વતી 30મી, 45મી અને 49મી મિનિટમાં એક-એક ગોલ અબુ મહમૂદ, હન્નાન શાહિદ અને વહીદ રાણાએ કર્યો હતો. 49મી મિનિટમાં પાકિસ્તાને સ્કોર 3-3ની બરાબરીમાં લાવી દીધો અને ભારતના નબળા ડિફેન્સ (Defence) બાદ સ્ટ્રાઇકર્સની ખરી પરીક્ષા શરૂ થઈ હતી.

સ્કોર 3-3ની બરાબરીમાં હતો અને શૂટઆઉટની તૈયારીઓ થઈ ગઈ હતી, પણ અંતિમ મિનિટમાં અભિષેક નૈન ત્રાટક્યો હતો. તેણે પાકિસ્તાનના ડિફેન્ડર સુફિયાનના કબજામાંથી બૉલ પોતાની તરફ લઈ લીધો હતો અને ત્યાર પછી તેણે ગોલકીપર અલી રઝા નામનું કવચ પાર કરવાનું હતું જેમાં તેણે પળવારમાં સફળતા મેળવીને ભારતને ચોથો ગોલ અપાવી દીધો હતો. બીજી સેમિ ફાઇનલના હરીફો સાઉથ કોરિયા અને મલયેશિયા, બન્ને ટીમ મજબૂત હોવાથી ભારતે ફાઇનલમાં એ બેમાંથી જેનો પણ સામનો કરવાનો આવે એ પડકારરૂપ બની શકે એવી હૉકી ચાહકોમાં ચર્ચા હતી.