નવી દિલ્હી : ભારતીય સંસદમાં મહિલા અનામત બિલ સાથે લાવવામાં આવેલા લોકસભા બેઠકોના સીમાંકન મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં પણ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનમાં દક્ષિણ ભારતના રાજયની ચિંતાઓમાં વધારો થયો છે. જેમાં પણ જો વર્ષ 2011ની વસ્તી મુજબ નવી બેઠકોનું સીમાંકન કરવામાં આવશે તો સંસદની 50 ટકા બેઠકો માત્ર ઉત્તર ભારતના રાજ્યો રહેશે. જયારે દક્ષિણ ભારતના રાજયોને વસ્તીના સંદર્ભે નુકસાન સહન કરવાનો વારો આવશે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં સીમાંકન મુદ્દે ચિંતા વધી
દક્ષિણ ભારતના રાજ્યોમાં સીમાંકન મુદ્દે ચિંતા વધી છે. જેમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 81(2) માં જણાવાયું છે કે કોઈપણ રાજ્યની વસ્તી અને તેનું પ્રતિનિધિત્વ કરતા સંસદ સભ્યોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર સમગ્ર દેશમાં સમાન હોવો જોઈએ. આ કારણોસર મોટી વસ્તી ધરાવતા રાજ્યોને સંસદમાં વધુ પ્રતિનિધિત્વ મળે છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ, પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ દેશની કુલ વસ્તીના લગભગ અડધો ભાગ ધરાવે છે. જો વસ્તીને એકમાત્ર માપદંડ તરીકે સ્વીકારવામાં આવે તો ભવિષ્યની સંસદમાં અડધાથી વધુ સત્તા ફક્ત આ જ રાજ્યો પાસે હશે.
વસ્તી નિયંત્રણ નીતિનો અમલ નુકસાનકારક સાબિત થયો
ત્યારે હવે દક્ષિણ ભારતના રાજ્યોની પ્રાથમિક ફરિયાદ એ છે કે તેમના સારા પ્રદર્શન માટે પ્રોત્સાહન મળવવાને બદલે, તેમને દંડ કરવામાં આવી રહ્યો છે. આ રાજ્યોએ કેન્દ્ર સરકારની વસ્તી નિયંત્રણ નીતિઓ અને કુટુંબ નિયોજન કાર્યક્રમોને અત્યંત ઇમાનદારીથી લાગુ કર્યા છે. પરિણામે તેમના પ્રજનન દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે તે ખૂબ જ ઓછી વસ્તી તેમના માટે રાજકીય ગેરલાભનું કારણ બની રહી છે.
મહિલા અનામત અધિનિયમને સીમાંકનની પ્રક્રિયા સાથે જોડ્યું
હાલમાં કેન્દ્ર સરકારે મહિલા અનામત અધિનિયમ- 2023 ને સીમાંકનની પ્રક્રિયા સાથે જોડ્યું છે. સરકારનો દાવો છે કે નવી બેઠકોનું સીમાંકન મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટે આવશ્યક પૂર્વશરત છે. જોકે, નિષ્ણાતોના મતે મહિલા અનામતને સીમાંકન પર આધારિત બનાવવું ગેરવાજબી છે. આ કાનૂની ગૂંચવણે આ બાબતને વધુ જટિલ બનાવી છે.
વર્ષ 1971થી પછી સરકારોએ સીમાંકન પ્રક્રિયા બંધ જેવી કરી દીધી
ઉલ્લેખનીય છે કે, દેશમાં મતવિસ્તારોનું સીમાંકન અત્યાર સુધીમાં ફક્ત ત્રણ વખત થયું છે. જેમાં વર્ષ 1951, 1961 અને 1971 માં થયું છે. તેમજ વર્ષ 1971થી પછી સરકારોએ આ પ્રક્રિયા બંધ જેવી કરી દીધી છે. તેમજ વસ્તી આધારિત બેઠકના સીમાંકનના લીધે છેલ્લા 25 વર્ષથી દક્ષિણ ભારતના રાજ્યો આ પ્રક્રિયાને રોકવા માટે સામૂહિક રીતે પ્રયાસ કરી રહ્યા છે. તેમને ડર છે તેના લીધે તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટશે.