Thu Oct 08 2026

Logo

હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 3 દિવસ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

2026-09-21 10:34:00
Author: Vimal Prajapati
હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 3 દિવસ અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજથી લઈને આગામી બેથી ત્રણ દિવસ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, પૂર્વના રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં નદીનું સ્તર વધી શકે તેવી આશંકા હોવાથી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આગાહી પ્રમાણે હવામાનમાં આ ફેરફારનું મુખ્ય કારણ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તર આંદામાન સમુદ્ર પર રચાયેલું લો-પ્રેશર ક્ષેત્ર છે.

પંજાબમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી

આજે રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગે વરસાદની કોઈ આગાહી કરી નથી. જો કે, પંજાબમાં આજે ભારે વરસાદની સંભાવનાઓ છે. વિગતે વાત કરવામાં આવે તો, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજસ્થાનમાં પણ કેટલાક ભાગમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશમાં ઉપરી ક્ષેત્રોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 

આ રાજ્યોમાં 26 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ

બિહાર અને ઝારખંડમાં પણ આજેથી લઈને 26 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ છે. ઓડિશામાં આજે અને આવતીકાલે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરૂણાચલ પ્રદેશમાં પણ આજથી આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આ સાથે મધ્ય પ્રદેશમાં પણ આજે વાવાઝાડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાયલની વાત કરીએ તો 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ભારતમાં પણ આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ચમોલી અને નૈનીતાલ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જમ્મુ અને કાશ્મીરના રામબન, રાજૌરી, રિયાસી અને કઠુઆ જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં પણ હવામાનની ગતિવિધિ ચાલુ રહેશે. આજેથી આગામી 26 સપ્ટેમ્બર દરમિયાન રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની શક્યતા છે.