અમદાવાદ: રાજ્યમાં કથળતી ટ્રાફિક વ્યવસ્થા અને વધતા જીવલેણ અકસ્માતો અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઇ કોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું.. હાઇ કોર્ટે ટૂ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર માટે હેલ્મેટનો નિયમ કોઈપણ અપવાદ વિના તાત્કાલિક અને કડક રીતે અમલી બનાવવામાં આવે તેવી તાકીદ કરી હતી.
સુનાવણી દરમિયાન અદાલતે તંત્રની ઢીલી નીતિ સામે વેધક સવાલ ઉઠાવતા કહ્યું કે, દેશના અન્ય તમામ રાજ્યોમાં ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત હોય, તો ગુજરાત આમાંથી બાકાત કેમ? અન્ય રાજ્યોમાંથી આવતા લોકો ગુજરાતના રસ્તાઓ પર વિના હેલ્મેટે ફરતા વાહનચાલકોને જોઈને આશ્ચર્ય પામે છે. હાઇ કોર્ટે મૌખિક ટિપ્પણી કરી કે ગુજરાતમાં કાયદો હોવા છતાં તેનો કડક અમલ કરાવવામાં પોલીસ વામણી પુરવાર થઈ રહી છે અથવા તો આ નિયમ માત્ર ચોક્કસ ડ્રાઇવ કે ઝુંબેશ પૂરતો જ કાગળ પર રહી જાય છે. હેલ્મેટ એ માત્ર દંડથી બચવા નહીં પરંતુ જિંદગીની સુરક્ષા માટે છે.
શહેરી વિસ્તારોના મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન બેફામ દોડતાં ડમ્પરો અને સિમેન્ટ મિક્સર ટ્રકો સામે પણ હાઇ કોર્ટે લાલ આંખ કરી રોક લગાવવા નિર્દેશ આપ્યો હતો. અવારનવાર થતા જીવલેણ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરતા કોર્ટે નોંધ્યું કે અકસ્માત સર્જીને ભાગી છૂટે ત્યારે ઓળખ ન થઈ શકે તે માટે આવા ભારે વાહનોની નંબર પ્લેટ જાણીબુઝીને માટીવાળી કે ઢાંકેલી રખાય છે.
વાહન ચલાવતી વખતે મોબાઇલના ઉપયોગ અંગે નારાજગી વ્યક્ત કરતા અદાલતે કહ્યું કે, રસ્તા પર દર બીજો વાહનચાલક ફોન પર વાત કરતો દેખાય છે. હવે તો સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. લોકો ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો કોલ કરે છે અને ડેશબોર્ડ પર ફોન મૂકી મૂવી જુએ છે. આ ગંભીર બેદરકારી અન્ય નિર્દોષ વાહનચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે.
સુનાવણી દરમિયાન સરકારે ટ્રાફિક સુધારણા અંગે હાથ ધરેલા પગલાંની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. રાજ્યમાં હાલ 650 નવા ટ્રાફિક બ્રિગેડ જવાનો તહેનાત કરાયા છે અને આગામી સમયમાં વધુ 3,261 જવાનોની ભરતી કરાશે. અમદાવાદને પાયલટ પ્રોજેક્ટ બનાવીને એસવીએનઆઈટી સુરત સાથે સંકલન સાધી ટ્રાફિક હોટસ્પોટ્સ અંગે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.