ગોરખપુરઃ રાજનીતિમાં જ્યારે પણ કોઈ બે નેતા સામસામે આવે છે ત્યારે તણખા જરી જાય છે. અત્યાર સુધી વૈચારિક મતભેદ ફરી એક વખત સપાટી પર આવ્યા છે. હવે બન્યું એવું કે, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સમાજવાદી પાર્ટી (સપા)ની પત્રકાર પરિષદમાં બે નેતાઓ બાખડી પડ્યા હતા. એટલું જ નહીં, ખુરશીને લઈને થયેલો વિવાદ એવો વકર્યો કે, થપ્પડ સુધી વાત પહોંચી ગઈ. આ મામલે સમાજવાદી પાર્ટીના હાઈ કમાન્ડે એક્શન લેતા અંશુમાન સિંહને શિસ્ત નહીં જાળવવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
પત્રકાર પરિષદમાં મગજમારી
મામલો એવો છે કે સમાજવાદી પાર્ટીની એક પત્રકાર પરિષદ હતી, જેમાં ખુરશીને લઈ જોરદાર વિવાદ થયો હતો. એના પછી પાર્ટીના નેતા અંદરોઅંદર બાખડી પડ્યા હતા અને વાત એટલી બધી વણસી ગઈ કે બંને મારામારી પર ઊતરી આવ્યા અને ખુરશી પ્રેમ ઉછળીને સપાટી પર આવી ગયો. એટલું જ નહીં થપ્પડવાળી પણ થઈ ગઈ. સમાજવાદી પાર્ટીના નેતા અંશુમાન સિંહના દીકરા પર સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ નગીના સાહનીને થપ્પડ ઝીંકી દેવાનો આરોપ છે.
નગીના સાહનીએ આ અંગે અંશુમાન સિંહ સામે પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. હકીકતમાં ગોરખરપુર પ્રેસ ક્લબમાં સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ બ્રજેશ ગૌતમ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ નગીના સાહની પણ આ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન સપા નેતા અંશુમાન સિંહ ત્યાં પહોંચ્યો અને તેના સમર્થકો અને નગીના સાહની વચ્ચે ખુરશીને લઈ વિવાદ શરૂ થયો. એના પછી બન્ને પક્ષની સામસામે દલીલ શરૂ થઈ હતી. આ પછી મામલો એવો વણસ્યો કે, વાત મારામારી સુધી આવી ગઈ.
સતત 15 મિનિટ સુધી ચાલ્યો હંગામો
.નગીના સાહનીનો એવો આક્ષેપ છે કે, અંશુમાન સિંહ અને તેના સર્મથકોએ એની સાથે મારપીટ કરી છે. આ દરમિયાન ગેરકાયદે પિસ્તોલ દેખાડીને મારવાની પણ ધમકી ઉચ્ચારી હતી. લોકતંત્ર બચાવો સપ્તાહને લઈને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરષિદ શરૂ થવાના 10 મિનિટ બાદ ગ્રામીણ વિધાનસભા બેઠક પરથી 2027ની વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારી કરી રહેલા અશુંમાન સિંહ પોતાના સમર્થકો સાથે આ પરિષદમાં પહોંચ્યા હતા. 2 મિનિટ બાદ અંશુમાનસિંહ પોતાની બેસવાની જગ્યા શોધી રહ્યા હતા.
પણ સતત ભરેલી ખુરશીઓને કારણે જગ્યા મળી ન હતી. સામે કેટલાક પદાધિકારીઓ પણ બેઠા હતા. એ તરફ બેસવા માટે અંશુમાન સિંહે ખુરશી મંગાવી અને એ બાજુ બેસવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. અંશુમાનસિંહને જગ્યા આપવા માટે નગીનાસિંહને થોડી જગ્યા આપવા માટે કહ્યું હતું. પછી મામલો બગડ્યો. વિવાદ એવો વણસ્યો કે ગાળો સુધી પહોંચી ગયો. પછી પોલીસે વચ્ચે પડીને અંશુમાનસિંહને પાછળ ધકેલી દીધો. સતત 15 મિનિટ સુધી હંગામો ચાલ્યો હતો.