અમદાવાદઃ LC-24 મકરબા રેલવે ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યા બાદ સદર સ્થળ તથા આસપાસના માર્ગો પર ટ્રાફિકના પ્રવાહમાં કન્જેશનની પરિસ્થિતિ અંગેની રજૂઆતો સામે પગલાં લેવામાં આવ્યા છે. આ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક કન્જેશનની પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કેપ્સ્યુલ ડિઝાઇન તૈયાર કરી ટ્રાફિકને યોગ્ય રીતે ચેનલાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ટ્રાફિકના પ્રવાહને સુવ્યવસ્થિત કરી કન્જેશનમાં ઘટાડો કરવામાં આવેલ છે. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેટ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે સુધીના હયાત રોડને સંપૂર્ણ પહોળાઈમાં વાઈડનિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ટ્રાફિકમાં સુધારો થશે
આ કામગીરી પૂર્ણ થતાં આ માર્ગ પર ટ્રાફિકના પ્રવાહમાં વધુ સુધારો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સદર પ્રોજેક્ટના ડિઝાઇન કન્સલ્ટન્ટ DELF Consulting Engineers (India) Pvt. Ltd. ને હાલની ટ્રાફિક પરિસ્થિતિનો ટેકનિકલ અભ્યાસ કરી વિગતવાર માહિતી રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ડિઝાઇન કન્સલ્ટન્ટને હાલની ટ્રાફિક કન્જેશનના મૂળ કારણોનું વિશ્લેષણ, ટ્રાફિક ફ્લોનું વિશ્લેષણ તથા જરૂરી કાર્યવાહી હાથ ધરી, હાલની પરિસ્થિતિમાં જરૂરી તાત્કાલિક સુધારાત્મક પગલાં તેમજ ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકે તેવા લાંબાગાળાનું નિરાકણ કરવા અંગે વિગતવાર માહિતી રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
ટ્રાફિક નિવારવા કાર્યવાહી થશે
સદર ટેકનિકલ અભ્યાસ તથા ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસેથી પ્રાપ્ત થનાર સ્પષ્ટીકરણના આધારે યોગ્ય તકનિકી મૂલ્યાંકન કરી, જાહેર હિતમાં ટ્રાફિક કન્જેશન નિવારવા માટે જરૂરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને એક સર્વે તૈયાર થયા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ પરથી જરૂરી નિર્ણય સાથે આગળની કામગીરી શરૂ કરવામાં આવશે. કોર્પોરેશનને સમયાંતરે આ અંગે મળેલી રજૂઆત બાદ એક ખાસ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ અંગે પ્રાથમિકતા સમજીને ધ્યાન આપવામાં આવશે.