નવી દિલ્હી: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે વિપક્ષે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. જેના પગલે જંતર મંતર સહિત અનેક સ્થળોએ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ 12 મેટ્રો સ્ટેશનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. તેમજ અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું છે. જોકે, સીજેપી મુંબઈ વિરોધ પ્રદર્શન કરશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચમાં કથિત અનિયમિતતાઓને લઈને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે અને આ મુદ્દે સતત ભાજપને નિશાન બનાવી રહ્યા છે.
દિલ્હી વિસ્તારમાં BNSની કલમ 163 લાગુ
તેમજ દિલ્હીના જંતર-મંતર ખાતે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને દિલ્હી પોલીસે નવી દિલ્હી વિસ્તારમાં BNSની કલમ 163 લાગુ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે સમગ્ર વિસ્તારમાં કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. હાલમાં કોઈને પણ જંતર-મંતરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નથી આવી.
દિલ્હીથી લઈને મુંબઈ સુધી વિરોધ પ્રદર્શનો
જેમાં દિલ્હીથી લઈને મુંબઈ સુધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.તેમજ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણીઓ ઉઠી રહી છે. આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ, ડાબેરી જૂથો, AISA અને SFI જેવા સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ઉગ્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.