Mon Oct 05 2026

Logo

બ્રિક્સ સંમેલનોથી ભારતને ફાયદા- ગેરફાયદા અંગે કોંગ્રેસ નેતા આમને સામને

2026-09-11 15:38:00
Author: Chandrakant Kanoja
બ્રિક્સ સંમેલનોથી ભારતને ફાયદા- ગેરફાયદા અંગે કોંગ્રેસ નેતા આમને સામને

નવી દિલ્હી: ભારતમાં બ્રિક્સ સંમેલન 2026નું આયોજન થયું છે. તેવા સમયે બ્રિક્સ સંમેલનની ફળશ્રુતિને લઇને કોંગ્રેસના નેતા વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં કોંગ્રેસ નેતા પી.  ચિદમ્બરમે પૂછ્યું છે કે  અત્યાર સુધીના બ્રિક્સ સંમેલનોમાંથી ભારતને શું ફાયદો થયો છે. જ્યારે બીજી તરફ પક્ષના સાંસદ શશિ થરૂરે બ્રિક્સના મહત્વ પર પ્રકાશ પાડ્યો  અને તેનાથી ભારતને થતા કેટલાક લાભો ગણાવ્યા હતા.

બ્રિક્સમાંથી ભારતને કોઇ નક્કર લાભ નથી મળ્યા : ચિદમ્બરમ

ભારતમાં યોજનારા બ્રિક્સ સમિટ પૂર્વે પી. ચિદમ્બરમે તેમાંથી ભારતને મળતા 
વાસ્તવિક લાભો અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે તેમને છેલ્લી બે-ત્રણ બ્રિક્સ સમિટમાંથી કોઈ નોંધપાત્ર કે નક્કર પરિણામો જોવા મળ્યા નથી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે બ્રિક્સ ઉપરાંત ભારત SCO,G20અને QUAD જેવા અનેક બહુપક્ષીય સંગઠનોનો હિસ્સો છે. તેમજ મને નથી લાગતું કે ભારતને છેલ્લી બે-ત્રણ બ્રિક્સ સમિટમાંથી કોઈ નક્કર પરિણામો મળ્યા હોય.

બ્રિક્સ  માત્ર ફાયદો જ નહિ પરંતુ પડકાર પણ છે : શશિ  થરૂરે

જોકે, આ દરમિયાન કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે જણાવ્યું હતું કે બ્રિક્સ  માત્ર ફાયદો જ નથી આપતું પરંતુ તેને અનેક પડકારોનો પણ સામનો કરવો પડે છે. જેમાં સૌથી મોટો પડકાર મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિવિધ સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સાધવાનો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મુદ્દાઓ પર તમામ બ્રિક્સ દેશો વચ્ચે સર્વસંમતિ સાધવી સરળ નથી. તેમણે ઈરાન યુદ્ધ અને રશિયા-યુક્રેન સંઘર્ષને ઉદાહરણ તરીકે ટાંક્યા હતા. 

ભારત અને બ્રિક્સ  દેશો વચ્ચેના વેપાર અંગે પણ ચિંતા

તેમણે  ભારત અને બ્રિક્સ  દેશો વચ્ચેના વેપાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. થરૂરે જણાવ્યું કે બ્રિક્સ દેશો વચ્ચે વેપાર સતત વધી રહ્યો છે. પરંતુ  ભારતની દ્રષ્ટિએ સ્થિતિ સંપૂર્ણપણે સકારાત્મક નથી. તેમણે ધ્યાન દોર્યું હતું કે બ્રિક્સ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. જ્યારે તે દેશોમાંથી થતી આયાતમાં વધારો થયો છે.

ગ્લોબલ સાઉથમાં વિકાસશીલ દેશો માટે બ્રિક્સ  મહત્વપૂર્ણ પ્લેટફોર્મ

આ ઉપરાંત શશી થરૂરે જણાવ્યું કે, ગ્લોબલ સાઉથમાં વિકાસશીલ દેશો માટે બ્રિક્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથમાં 100 થી વધુ દેશો છે, પરંતુ 11 મુખ્ય બ્રિક્સ રાષ્ટ્રો મોટાભાગે તેમની વિવિધતા અને વૈવિધ્યસભર દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. થરૂરના મતે 11 બ્રિક્સ દેશો વિશ્વની વસ્તીનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.જે વૈશ્વિક જીડીપીમાં આશરે 41 ટકા હિસ્સો ધરાવે છે. 

નારાજ ફુફા ભારતની પ્રગતિ પચાવી શકતા નથી 

જોકે, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના નિવેદન બાદ ભાજપે પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ભાજપે તેમની સરખામણી એવા નારાજ ફુફા  સાથે કરી જે ભારતની પ્રગતિ પચાવી શકતા નથી.