Thu Jan 29 2026

Logo

White Logo

મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ-વે: ઉમરગામથી મુંબઈ સુધીનો માર્ગ તૈયાર, ટૂંક સમયમાં શરૂ થશે  વાહનવ્યવહાર...

1 day ago
Author: Himanshu Chavda
Video

વલસાડ/મુંબઈ: દક્ષિણ ગુજરાત અને મુંબઈ વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી બનાવવા માટે નિર્માણાધીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના કામકાજમાં મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સેક્શનમાં પેકેજ 11 અને 12નું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પેકેજ 13માં વૈતરણા નદી પરના પુલનું કામ અંતિમ તબક્કામાં છે.  આ એક્સપ્રેસ-વે નેશનલ હાઈવે-48 પરના ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. 

લોકોના સમય અને ઇંધણની થશે બચત 

મળતી માહિતી મુજબ વડોદરાથી ચીખલી સુધીનો માર્ગ કાર્યરત થયા બાદ, હવે ઉમરગામથી મુંબઈ વચ્ચેના પેકેજ પણ પૂર્ણતાના આરે છે. તલાસરી, દહાણું અને પાલઘર તરફનો રસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જેના ફોટોસ પણ સામે આવ્યા છે. 

આ સિવાય તરણા નદી પરનો ત્રીજો પુલ અને તેની આસપાસનો નાનો હિસ્સો આગામી 5 થી 6 મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે. જોકે, જમીન સંપાદન અને અન્ય ટેકનિકલ કારણોસર વલસાડ જિલ્લાનો ભાગ હજુ બાકી છે. શક્યતા છે કે વલસાડનું કામ પૂરું થાય તે પહેલાં ઉમરગામથી મુંબઈનો રસ્તો વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવશે.

હાલમાં નેશનલ હાઈવે-48 પર વાહનોના ભારે દબાણને કારણે કલાકોના જામ સર્જાય છે, જેમાંથી મુક્તિ મળશે. વાપી, સરીગામ, બોઈસર અને પાલઘર જેવા ઔદ્યોગિક હબને મુંબઈ અને જેએનપીટી (JNPT) પોર્ટ સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળશે. માર્ચ મહિના સુધીમાં JNPT સ્પુર પેકેજ પૂર્ણ થવાથી લોકોના સમય અને ઇંધણમાં મોટો ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, GR ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ દ્વારા પેકેજ 13 પર પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. આ હિસ્સો પૂરો થતાં જ વિરાર ઇન્ટરચેન્જથી તલાસરી ઇન્ટરચેન્જ સુધીનો માર્ગ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.