Thu Apr 23 2026

Logo

પરફેક્ટ દેખાવાના આ તે કેવા અભરખા...

2026-04-23 09:59:00
Author: Kaushik Mehta
Article Image

કૌશિક મહેતા


ડિયર હની,

આપણે બંનેએ એક મુદે ચર્ચા કરી હતી. દીકરો કે દીકરીની વય લગ્ન કરવાં જેટલી થાય એટલે મા-બાપ એના બાયોડેટા તૈયાર કરવા લાગે છે. અને એમાં કેટલીક વિગતો ભરવાની વાત આવે ત્યારે એકથી વધુવાર વિચાર કરવામાં આવે  છે. એમાનો એક મુદો છે, વજન કેટલું? ઘણા છોકરા પોતાનું વજન હોય એના કરતા ઓછું બતાવે છે, પણ કિસ્સો છોકરીનો હોય તો એમાં તો ઓછું જ બતાવા આવે  છે. આપણા લગ્ન થયાં ત્યારે તો બાયોડેટામાં વજનની કોલમ જ ક્યાં હતી! અને વજન થોડું વધુ હોય તો એ શરમની વાત થોડી છે? હા, વજન સપ્રમાણસર હોય એ જરૂરી છે, પણ એ કોણ નક્કી કરે? એના વૈજ્ઞાનિક માપદંડ છે, પણ દીકરીના કિસ્સામાં પાતળી પરમારની અપેક્ષા રાખવામાં આવે  છે. આ જ કારણે છોકરો હોય કે છોકરી અને ખાસ કરીને છોકરીઓ ‘પરફેક્ટ’ દેખાવા માંગે છે. આ ઈચ્છામાંથી જ અત્યારે ક્વિક વેઇટ લોસનો ટ્રેન્ડ શરૂ થયો છે અને એ વધતો જાય છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા અને ફોટોશૂટના યુગમાં આ ક્રેઝ ટોચ પર છે.

વજન ઘટાડવું કેમ? એ પ્રશ્ન અહી આવે છે પછી  ત્યાંથી ગરબડ થાય છે. આજની પેઢી વજન ઘટાડવા શું કરે છે? ક્રેશ ડાયેટિંગ. અચાનક કેલરી ખૂબ જ ઘટાડી દેવામાં આવે છે જેમ કે માત્ર જ્યુસ કે સલાડ પર રહેવું. કીટો અથવા  ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. ઝડપી પરિણામ માટે પ્રોટીન ડાયટ અથવા લાંબા  કલાકોના ઉપવાસ.... એક ઉપાય છે. ડિટોક્સ ડ્રિંક્સ. શરીરમાંથી ‘ટોક્સિન્સ’ દૂર કરવાના નામે માત્ર પ્રવાહી લેવું. અને જીમમાં જઈને અચાનક ભારે કસરત શરૂ કરી દેવી.

હવે અહીં સવાલ એ છે કે, આ પદ્ધતિઓ સારી છે કે નુકસાનકારક...? નિષ્ણાતો તો કહે જ છે કે, અચાનક અને ખૂબ જ ઝડપથી વજન ઘટાડવું શરીર માટે જોખમી બની શકે છે. એનાથી શું નુકસાન થઇ શકે છે? 

ઝડપી વજન ઘટાડવાથી શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ સર્જાય છે, જેનાથી ત્વચા ફિક્કી પડી જાય છે અને આંખો નીચે કાળા કુંડાળા થઈ શકે છે.

એક બાજુ, લગ્નની તૈયારીઓમાં ખૂબ દોડધામ હોય છે. જો ડાયટિંગને કારણે શરીરમાં શક્તિ ન હોય, તો વ્યક્તિ જલદી થાકી જાય છે અને બીમાર પડી શકે  છે. પોષણના અભાવે લગ્ન પહેલા જ વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ શકે છે. ભૂખ અને સ્ટ્રેસને કારણે સ્વભાવ ચીડિયો થઈ જાય છે, જે લગ્ન જેવી ખુશીની ક્ષણોમાં બાધક બને છે.

વજન ઘટાડવું એ ખરાબ નથી. પણ એની રીત હોય છે. લગ્નના 15 દિવસ પહેલા નહીં, પણ 3 થી 6 મહિના પહેલા ધીમે ધીમે જીવનશૈલી બદલવી જોઈએ. ભૂખ્યા રહેવાને બદલે પ્રોટીન, ફાઈબર ધરાવતો ખોરાક લેવો. પુષ્કળ પાણી પીવું, જે વજન ઘટાડવાની સાથે ચહેરા પર નેચરલ ગ્લો પણ લાવે છે. લગ્નની વ્યસ્તતામાં પણ 7-8 કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. ખતરનાક ઉપાય તો છે વેઇટ લોસ માટે ઇન્જેક્શન લેવા, ટોન્ડ અને શેપ્ડ   બોડીની ચાહમાં બે- ત્રણ મહિનામાં આઠ દસ કિલો વજન ઓછું કરવામાં આવે  છે અને એનાથી તો નુકસાન જ થાય છે. યુવા પેઢીએ આ વાત સમજવી પડશે.

જોકે બીજી તરફ, આનાથી સાવ ઊલટી ગંગા વહે છે ઈથોપિયામાં. ત્યાં સુંદરતાના માપદંડો પશ્ર્ચિમી દેશો કરતાં  ઘણા અલગ છે. અહી કેટલીક આદિવાસી જાતિઓમાં ગજબનો ટ્રેન્ડ છે. ‘બોડી’ નામની એક આદિવાસી જાતિ છે, જ્યાં પુરુષોમાં   મોટી ફાંદ અથવા મોટું પેટ હોવું એ અત્યંત ગર્વની વાત ગણાય છે. આ જાતિમાં દર વર્ષે એક સ્પર્ધા યોજાય છે. જેને  ‘કાઈલ ઉત્સવ’ કહેવામાં આવે છે, જેમાં યુવાનો મહિનાઓ સુધી ખાઈ પીને પેટ મોટું કરે છે. જે યુવાનનું પેટ સૌથી મોટું હોય, તેને તે વર્ષ માટે ‘હીરો’ માનવામાં આવે છે. ત્યાંની છોકરીઓ સિક્સ પેકવાળા સ્નાયુબદ્ધ યુવાનોને બદલે મોટા પેટવાળા યુવાનોને વધુ પસંદ કરે છે, કારણ કે મોટું પેટ સંપત્તિ, સમૃદ્ધિ અને પશુધનની અધિકતાનું પ્રતીક માનવામાં આવે છે.

અહીં સવાલ એ છે કે  શા માટે  મોટી ફાંદ પસંદ કરાય છે ખબર છે? ઈથોપિયાના ગ્રામીણ વિસ્તારોમાં ખોરાકની અછત રહી છે એટલે જેનું શરીર ભરેલું હોય તેનો અર્થ એ કે તેની પાસે ખાવા માટે પૂરતું અન્ન અને પશુઓ છે. કેટલીક પરંપરાઓમાં એવું માનવામાં આવે છે કે ભરાવદાર શરીર ધરાવતો પુરુષ વધુ શક્તિશાળી અને પરિવારનું ભરણપોષણ કરવા માટે સક્ષમ હોય છે.

પુરુષની જેમ સ્ત્રીઓના કિસ્સામાં પણ ઈથોપિયામાં ‘ઝીરો’ ફિગર કરતાં ભરાવદાર શરીરને વધુ સુંદર માનવામાં આવે છે. ઈથોપિયામાં જાડા થવું એ ઘણીવાર શાંતિ, સુખ અને સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. જોકે  સાચો રસ્તો આ બંને વાત વચ્ચે છે. ફટાફટ શરીર ઘટાડવાના ઉપાયો પણ નુકસાનકારક છે. અને ઇથોપિયાની પ્રથાને પણ અનુસરવા જેવું નથી. મધ્યમ  માર્ગ અપનાવી શરીર સપ્રમાણ બનાવી શકાય છે. એક વેળા ઝીરો ફિગરનો ક્રેઝ યુવતીઓમાં જાણીતો બન્યો હતો પણ પછી બધાને ખ્યાલ આવ્યો કે આ ખેલ ખતરનાક બની શકે છે. દરેકના શરીરની રચના જુદી જુદી હોય છે અને એ પ્રમાણે શરીર હોય તો ભયોભયો. વાત આટલી જ ગાંઠે બાંધવા જેવી છે ખોટા અભરખા શાને?

તારો બન્ની