Thu Apr 23 2026

Logo

અશોક ખરાત ફરી અદાલતી કસ્ટડીમાં

2026-04-23 18:12:59
Author: Yogesh C Patel
Article Image

નાશિક: મહિલાના જાતીય શોષણના પાંચમા કેસમાં ગુરુવારે કોર્ટે નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતને છઠ્ઠી મે સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી. મહિલા સાથેના કુકર્મના છઠ્ઠા કેસમાં ખરાતને શુક્રવારે ફરી કોર્ટ સમક્ષ હાજર કરાશે.

નાશિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં 35 વર્ષની મહિલાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદને આધારે પોલીસે માર્ચમાં ખરાતની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી. ખરાત વિરુદ્ધ નાશિક અને અહિલ્યાનગર જિલ્લામાં 12 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાંથી આઠ તો મહિલાઓના જાતીય શોષણ સંબંધી હોવાનું કહેવાય છે.

જાતીય હુમલાના પાંચમા કેસમાં પરિણીત મહિલા ઘરેલુ સમસ્યાઓનું નિરાકરણ મેળવવા ખરાત પાસે ગઈ હતી. ખરાતે તેની સાથે કુકર્મ આચર્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરી તો દીકરાના જીવને જોખમ ઊભું થશે, એવી ધમકી આપી હતી. આ કેસમાં ખરાતની પોલીસ કસ્ટડી માટે 18 એપ્રિલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તે સમયે કોર્ટે ખરાતને 23 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડીનો આદેશ આપ્યો હતો. 

કસ્ટડી પૂરી થતી હોવાથી ગુરુવારે ખરાતને વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને 6 મે સુધીની ન્યાયિક કસ્ટડી સંભળાવી હતી. (પીટીઆઈ)