પ્રકરણ-29
સિક્રેટ મિશનમાં, સિક્રેટનું મહત્ત્વ મિશન કરતાંય વધુ હોય છે, મિશન જેટલું સિક્રેટ, સફળ થવાના ચાન્સ એટલા વધુ.
સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ
વહેલી સવારે યામિની લખતરિયાએ યમુના ધરમશાળાના કાઉન્ટર પર હાથ થપથપાવ્યો. `કોઈ છે...?' છોકરીનો અવાજ સાંભળીને બાજુના પલંગ પર સોડ તાણીને સૂતેલા જગદીશે ડોકું બહાર કાઢ્યું. યામિનીની ખૂબસૂરતી જોઈને આંખો પટપટાવતો સફાળો બેઠો થઈ ગયો.
`બોલોને, રૂમ જોઈએ છે?' એણે પૂછ્યું.
`રાધાને મળવું છે...' થોડી ક્ષણો પહેલાં યામિનીનું સૌંદર્ય માણી રહેલી એની આંખો શંકાથી યામિનીના પગથી માથા સુધી ફરી વળી. એનો ખૂબસૂરતીનો ખ્યાલ ઠંડી હવા થઈ ગયો.
`તમે કોણ, ક્યાંથી આવો છો?'
`હું એની ફ્રેન્ડ છું... બરોડાથી. તમે મને એનો રૂમ નંબર કહોને ભઈ.'
દુનિયામાં કોઈએ સૌથી વધુ દગો આપ્યો હોય તો એ યુવતીઓની ખૂબસૂરતીએ... એવું એણે ક્યાંક વાંચેલું. રાધાને જાણ કર્યા વિના મળવા દેવાનું જોખમ ન લેવાય. એણે વિચાર્યું.
જગદીશે ટચલી આંગળી બતાવી: `હું બાથરૂમ જઈને આવું. પછી રજિસ્ટર ચેક કરીને કહું કે એવી કોઈ વ્યક્તિ અહીં ઊતરી છે કે નહીં.' જગદીશ દોડ્યો... બાથરૂમ જવા નહીં, પણ રાધાને ખબરદાર કરવા.
એણે રાધાની રૂમનો દરવાજો બે-ચાર વાર જોરથી ખખડાવ્યો. રાધાએ દરવાજો ખોલ્યો. જગદીશ કંઈ બોલે તે પહેલાં જ જગદીશની પાછળથી અવાજ આવ્યો: `રાધા? 'જગદીશે આશ્ચર્યથી પાછળ જોયું. યામિની લખતરિયા ઊભી હતી.
`આવ યામિની' રાધાએ નવા નામથી બોલાવીને આવકાર આપ્યો. યામિનીને નવાઈ ન લાગી. એણે જગદીશને તોફાની-મારકણું સ્મિત આપ્યું. જગદીશને ગમ્યું અને ન પણ ગમ્યું. યામિની અંદર જઈને બધે નજર ફેરવતાં બેઠી.
રાધાએ જગદીશને થૅન્ક યુ કહીને જવાનો સંકેત આપતાં દરવાજો બંધ કર્યો. આ નવા ડેવલપમેન્ટથી દંગ રહી ગયેલા જગદીશે બાથરૂમ તરફ દોટ મૂકી. યામિનીએ બૅગમાંથી બૉક્સ કાઢીને રાધાને આપ્યું. રાધાએ પલંગ નીચે મૂકેલી બૅગમાં સંભાળીને મૂક્યું. યામિની બૉક્સમાં શું છે એવું પૂછવા માગતી હતી, પણ સંદિગ્ધ સ્માઇલ આપીને અટકી ગઈ. સિક્રેટ મિશનમાં સિક્રેટનું મહત્ત્વ મિશન કરતાંય વધુ હોય છે. મિશન જેટલું સિક્રેટ, સફળ થવાના ચાન્સ એટલા વધુ...
યામિનીનું મન ચકરાવે ચડેલું હતું. રાધા રોકાવાનું કહેશે કે જવાનું...? મૂંઝવણ મનમાં સળવળી રહી હતી. અજમલ અહીં ક્યાંક છે. રાધા અહીં છે. યામિની બે સામસામી છાવણીઓની વચ્ચે હતી. રાધા પાછી મોકલી દેશે તો સમંદરને કાઈ બહાનુ આપીને છટકી જઈશ, પછી ચીફને સમંદર મારો કઝીન છે અને એ ગોપાલેશ્વરમાં જ છે, એવી ગુપ્ત બાતમી આપી દઇશ, પણ રાધા રોકાવાનું કહે તો અજમલનો સામનો કઈ રીતે કરવો...? એના કરતાં સામેથી જ રાધાને સમંદરવાળી વાત કહી દઉં તો, પણ આઇબી ચીફને અવગણીને સીધું રાધાને કહેવું પ્રોટોકોલનો ભંગ કહેવાશે... ઝૈનાબના મનનો વંટોળિયો માત્ર રાધાના જવાબથી શાંત થઈ શકે એમ હતો. એ ચૂપ બેસી રહી. ઘણીવાર સામેવાળી વ્યક્તિના મનની વાત જાણવા માટે ચૂપકિદી જરૂરી બને છે.
ઝૈનાબની કશ્મકશ વચ્ચે રાધાએ જ વાત છેડી: `તારા અબ્બુ-અમ્મીએ કરેલાં પાપનું પ્રાયશ્ચિત કરવાની તક તને મળી છે.' સાંભળીને ઝૈનાબ ચમકી ઊઠી કેમ કે સમંદરે અબ્બુ-અમ્મીના મોતનો બદલો લેવાનું કહ્યું હતું ને રાધા અબ્બુ-અમ્મીના પાપનું પ્રાયશ્ચિત કરવાની વાત કરી.
`હું એ વાતે બહુ શરમિંદા છું... હું એમના પાપને ધોઈ નહીં શકું'. ઝૈનાબ નીચું જોઈ ગઈ. ઝૈનાબ શું વિચારતી હશે એના પર રાધા વિચારવા લાગી.
`કોઈ મુંઝવણમાં છો?, કોઇ કશ્મકશ તને સતાવે છે?' રાધાએ કહ્યું.
`હું તમારા મિશનમાં મદદ કરવા માગું છું,' ઝૈનાબે ખામોશીમાં મહત્ત્વનો નિર્ણય લઈ લીધો હતો.
`એ તારું કામ નથી...' રાધાએ સ્મિત કર્યું.
`હું એ કામ કરવા માગું છું, જે મારું નથી છતાં મારું છે... અને મારે એ કામ કરી બતાવવું છે.' રાધાને ઝૈનાબના અવાજમાં દૃઢતા લાગી. રાધા ઝૈનાબની વાતે વિચાર કરવાનો સમય લેવા માગતી હોય એમ કહ્યુ: `તું ચા-પાણી પીને ફ્રેશ થઈ જા...' રાધાએ જગદીશને કૉલ કર્યો: `ચાય નહીં પીલાઓગે.'
`અભી લાયા....' કહીને જગદીશે કૉલ કટ કર્યો. જગદીશને રાધાની નવી ફ્રેન્ડ વિશે જાણવાની ઉતાવળ હતી કે એને ફરી મન ભરીને જોવાની... કદાચ બંને.
જગદીશ ખુદ નીચે જઈને સ્પેશ્યલ ચા બનાવડાવીને લાવ્યો. દરવાજે બે ટકોરા માર્યા. રાધાએ દરવાજો ખોલ્યો કે તરત જ એ ચાની કિટલી ટીપોઈ પર મૂકતાં યામિનીની સામે જોવા લાગ્યો. રાધાએ ચપટી વગાડીને એનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. `તમે કહેલી વસ્તુઓનો બંદોબસ્ત કરી લીધો છે. હમણાં લાવું?' ઝંખવાણો પડી ગયેલો જગદીશ બોલ્યો.
`ના, હું તને કૉલ કરું પછી... અત્યારે અમારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલે છે.' રાધાએ જગદીશને વિદાય લેવાનો ઇશારો કર્યો. જગદીશ યામિની પર નજર નાખીને નીકળી ગયો.
`સબકૂછ છોડ કર સબસે પહેલે ચાય પી લેની ચાહિયે.' રાધાએ હસીને કહ્યું. ઝૈનાબે કિટલીમાંથી ચા કપમાં કાઢીને ચુસકી મારી.
`વાહ, ફુદીનાવાલી ચાય....' ઝૈનાબ બોલી ઊઠી. રાધા ઝૈનાબે થોડીવાર પહેલાં કરેલી વાતે સંશયમાં હતી, અવઢવમાં હતી, ચિંતામાં પણ હતી. અગાઉ પુરોહિત અને ગુપ્તાજીના મોતથી એ વ્યથિત હતી જ. સામે પક્ષે ઝેનાબ પણ રાધાના જવાબની રાહમાં હતી. એણે ચર્ચા શરૂ કરવાના આશયથી ઝડપથી ચા ખતમ કરી.
`તું ઇચ્છે છે એ શક્ય નથી યામિની.' રાધાએ મક્કમ સ્વરે કહ્યું. રાધાના નિર્ણયે ઝૈનાબની મૂંઝવણ વધારી દીધી.
`હું કેટલાક સીક્રેટ જાણું છું જે આપણા મિશનમાં કામ લાગશે, પણ શરત માત્ર એટલી છે કે સીક્રેટ આપણા બે વચ્ચે જ રહેવું જોઈએ.' એણે કિટલીમાંથી થોડી વધુ ચા કપમાં રેડતાં કહ્યું. રાધા ઝૈનાબના ચહેરાને તાકી રહી... ઝૈનાબ પાસે એવું તો કયું સીક્રેટ હશે જે મિશનમાં ઉપયોગી બને, રાધાની આંખોમાં વિસ્મય હતું. એણે ઠંડે કલેજે ગરમ ચાની ચુસકી મારતાં ઘણું વિચારી લીધું... એને રાઘવ સાથેનું સીક્રેટ યાદ આવી ગયું... એ પોતે રાઘવની સાચી ઓળખ છુપાવીને એની મદદ લઈ જ રહી હતી ને... આઇબી ચીફ રાઠોડથી છુપાવીને પ્રોટોકૉલનો ભંગ કરવાનું જોખમ ઉઠાવ્યું જ હતું ને...
રાધાએ ચાનો કપ ઉપાડીને યામિનીના કપ સાથે ટકરાવ્યો. ચિર્યસ બોલીને બંનેએ એકીસાથે ચાની ચુસકી મારી અને ગુપ્તતા જાળવવાનાં એકમેકને વચન અપાઈ ગયાં.
અજમલે આપેલા અણસારને અનુસરીને અમરબાબુ શંકરના મંદિરે પહોંચ્યો. એ શંકરના મંદિરમાંથી પૅકેટ લઈ લેવાની ઉતાવળ હતી. શંકરનું મંદિર એનું જાણીતું હતું. એ સીધો અંદર ગયો. જલધારીમાં પૅકેટ કાઢીને ચૂમી લીધું. પછી સાથે રાખેલા થેલામાં મૂકીને આસપાસ નજર દોડાવતો ત્યાંથી નીકળી ગયો.
રાધાએ જગદીશને કૉલ કરીને બોલાવ્યો. જગદીશ આવ્યો એટલે ઝૈનાબનો પરિચય કરાવતાં કહ્યુ: `મારી ફ્રેન્ડ યામિની છે... હવેથી યામિની આ રૂમમાં રહેશે અને હું ઉપરની રૂમમાં ટ્રાન્સફર થાઉં છું.' ઝૈનાબની જાણ બહાર જ રાધાએ નિર્ણય લીધો. ઝૈનાબ કંઈક પૂછવા ગઈ, પણ એને અટકાવતાં કહ્યુ: `ટેક્નિકલ કારણસર આમ કરવું પડશે... હું આ રૂમની એક્ઝેક્ટ ઉપરની રૂમમાં છું અને જગદીશ આપણી સાથે જ છે.'
`તમે કહેલો સામાન તમારી રૂમમાં મુકાવી દીધો છે,' જગદીશે કહ્યું.
`અહીંનો મારો સામાન ઉપરની રૂમમાં મુકાવી દે...' રાધા બોલીને જવા લાગી. ઝૈનાબે એને અટકાવી. જગદીશ સામાન લઈને ગયો.
`આપણે એક રૂમમાં સાથે કેમ સાથે નથી રહેતા તારે એ જ પૂછવું છેને, પણ તને એ બહુ જલદી સમજાઈ જશે.' રાધાએ ઝૈનાબના મનમાં રમતા પ્રશ્નનો જવાબ આપ્યો.
અમરબાબુ શંકરના મંદિરમાંથી પૅકેટ લઈને ગોપાલેશ્વર તરફ જઈ રહ્યો હતો ત્યારે એને માર્ગમાં અજમલ મળી ગયો. અમરબાબુને જોઈને એ ગાંડાની ભૂમિકામાંથી અજમલના રોલમાં આવી ગયો.
`શંકર શંભો. પૂરી ભાજી નહીં ખિલાઓગે...?' અમરબાબુએ પૂરી ભાજી લાવીને આપી અને વાત કરવાના ઇરાદે એની સામે બેસી ગયો.
`અબ હમેં ઝ્યાદા ટાઇમ નહીં લગના ચાહિયે' અજમલે ચકળવકળ આંખો કરતાં કોળિયો મોંમાં મૂક્યો.
`અપના અન્વરૂલ અઝીઝ નહીં રહા...' અમરબાબુએ એને શંકરના મોતથી વાકેફ કર્યો.
`ઇન લોગોં કો સબકા હિસાબ ચુકાના હોગા...' અજમલે કોળિયો થૂંકી નાખતાં કહ્યું.
`અન્વરૂલને આખિરી કામ કો અન્જામ દેને કે લિયે સુરંગ બના લિયા થા... અબ અન્વરૂલ કા કામ મુઝે કરના હોગા...' અમરબાબુએ કહ્યું.
`ઉસ કામ કે લિયે મેરે પાસ એક લડકી હૈ... શાયદ વો કામ આ જાયે....' અજમલ બોલ્યો. અજમલે કહ્યું.
રાધાના ગયા પછી ઝૈનાબ બેડ પર સૂતી. એનાથી દરવાજો અડધો ખુલ્લો રહી ગયો હતો. રાતની મુસાફરીમાં પૂરતી ઊંઘ થઈ નહીં હોવાથી ક્યારે આંખ લાગી ગઈ એનો ખ્યાલ ન રહ્યો.
અચાનક એની આંખ ખૂલી. એણે મોં ધોઈને ચટાઈ પાથરી. માથા પર ચુપટ્ટો ઓઢીને નમાઝ પઢવા લાગી. જગદીશ કોઈ કામસર ત્યાંથી પસાર થયો. એની નજર પડી. એ ચોંકી ઊઠ્યો. એણે માથું ધુણાવ્યું. પછી હળવેકથી દરવાજો ખેંચી લીધો. ઝૈનાબનું નમાઝમાંથી ધ્યાન હટ્યું નહીં. બેબાકળો બની ગયેલો જગદીશ રાધાના રૂમમાં ગયો.
`યામિની... યામિની... યામિની... નમા...' બોલતાં એની જીભ થોથવાઈ.
રાધા કાંઈ સમજી ન શકી...' શું થયું યામિનીને?' એણે પૂછ્યું.
`યામિની નમાઝ પઢે છે...'
રાધા એની સામે જોતી... વિચારતી રહી. કદાચ ઝૈનાબ વિશે, કદાચ એને રોકવાના નિર્ણય વિશે, કદાચ બંનેએ એકબીજાને આપેલા ગુપ્તતાના વચન વિશે...
`તમારી આ ફ્રેન્ડ કોણ છે...?' `તમે એને બરાબર ઓળખો તો છો ને...?' જગદીશે સાવધાનીના સૂરમાં પૂછ્યું.
`જગદીશ, દરેક મુસ્લિમને નમાઝ પઢવાનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ ત્રાસવાદ ફેલાવવાનો હરગીઝ નહીં. યામિની આપણી ફ્રેન્ડ છે... આપણી ફ્રેન્ડ...' રાધાએ આપણી શબ્દ પર ભાર મૂક્યો. (ક્રમશ:)