જૂઈ પાર્થ
આજકાલ જેને જોઈએ બધાં બસ મોબાઈલમાં માથું નાખીને બેઠા હોય છે. કોઈના મોબાઈલનો તો વળી વોલ્યુમ પણ બે ઘર છોડી સંભળાય એટલો મોટો હોય છે. મોબાઈલમાં જોનાર બધાંના હાવભાવ એ જુદા કોઈ હસતું દેખાય, કોઈ રડમસ તો કોઈ તો વળી ગુસ્સામાં દેખાય. આ હાવભાવ પાછા દર 30 થી 90 સેક્ધડે બદલાય. કોઈ પણ ભાવ 90 સેક્ધડથી વધારે ના ટકે. કેટલાક લોકો તો મોબાઈલમાં એટલા ઓતપ્રોત થઈ જાય કે સ્થળ અને સમયનું ભાન ભૂલી મોબાઈલને જવાબે આપે. આ છે મોબાઈલ યુગનું માનવ જીવન. બધા કેવા સંસ્કારી કે માથું ઊંચુ જ ના કરે, કેવા વિવેકી કે કંઈ બોલે ય નઈ, અરે કેવા તો ગુણવાન કે ભગવાનનાં દીવા-આરતી-પ્રસાદ પણ મોબાઈલમાં જ. અત્યારના જમાનામાં માણસ નવરો નથી બેસી શકતો. તેને સતત કાર્યશીલ રહેવાની આદત પડી ગઈ છે. શરીર થાકે તો આરામ થાય પણ મનનું કાર્ય હંમેશાં ચાલુ રહે છે. આ ભાગદોડ અને ઝડપી જિંદગીમાં મનને થાક ખાતા નથી આવડતું, તે સતત કોઈ ને કોઈ પ્રવૃત્તિની શોધમાં રહે છે. આના પરિણામે માણસને પોતે હંમેશાં થાકેલો હોય તેવું લાગે છે. આ થાક દૂર કરવા તે હાથમાં રહેલા મોબાઈલમાં સોશ્યલ મીડિયા ખોલી રીલ્સ કે શોટ્સ જોવાનું શરૂ કરે છે.
શરૂઆતની એક બે રીલ સારી લાગે અને આખી જોવાય,પણ ધીમે ધીમે તે એક રીલ બે પાંચ સેક્ધડ જોઈ સ્ક્રોલ કરે-આગળ ધપાવે છે. આમ ને આમ કલ્લાકો નીકળી જાય છે અને માણસને કંઈક સારું જોયાના સંતોષ કરતાં આનાથી કંઈક વધુ સારું આવ્યું હોત તો વધારે મજા આવી હોત એવો અસંતોષ રહી જાય છે. આમ રીલ્સજોવાની પ્રવૃત્તિ માત્ર સમય વેડફનાર તેમ જ વધુ સ્ટ્રેસફુલ બની જાય છે.
દર બે પાંચ સેક્ધડે સ્ક્રોલ થતી રીલનાં વળી વિષયો પણ અલગ અલગ હોય છે. કોઈમાં રસોઈ તો કોઈમાં શેર બજાર, કોઈનાં સમાચાર તો કોઈમાં પર્યટન, કોઈનાં સમાજની મુશ્કેલીઓ તો કોઈમાં નકરો દેખાડો જોવા મળે છે. આમ સ્ક્રોલ કરવાની દરેક સેક્ધડે જે તે રીલમાં દર્શાવાતી બાબતને અનુભવી એ રીલ જોનાર તે રીલનાં ભાવ સાથે જોડાય છે અને અંતે તેની લાગણીનું એવું રોલર કોસ્ટર રચાય છે, જેમાં તેણે પ્રત્યક્ષ રીતે ભાગ પણ નથી લીધો ને આમ તે રીલનો પરોક્ષ રીતે ભાગ બને છે, જેની અસર એનાં મન-મસ્તિષ્ક પર થાય છે. બહારથી મજબૂત દેખાતા માણસનાં સબ કોન્શિયસ એટલે કે અર્ધજાગ્રત મન પર તેની અસર દેખાય જ છે.
રીલ સ્ક્રોલ કરનારને તે સમયે એ કરવું ગમે છે, કારણ કે તે એમ માને છે કે આ પ્રવૃત્તિથી તેનું મન શાંત થાય છે, મન થોડીવાર માટે રોજિંદી ચિંતાઓથી મુક્ત થાય છે, પરંતુ હકીકત જુદી છે. મન બીજી એવી જગ્યાએ વળે છે જ્યાં તે પ્રવૃત્તિનું જ વ્યસન થાય છે. કોઈ કોઈવાર મોબાઈલ પર સ્ક્રોલ કરતી વ્યક્તિ ધીમે ધીમે વારે વારે અને કોઈ વાર ક્લ્લાકો સુધી સ્ક્રોલ કરી વિવિધ રીલો જોયા કરે છે કે જેની સાથે તેને કોઈ જ લેવા દેવા નથી. તે કેમ જુએ છે અરે કેટલીકવાર તો શું જુએ છે તેનો ખ્યાલ નથી રહેતો. એ તો બસ યંત્રવત સ્ક્રોલ કર્યા કરે છે. ફક્ત આંખો ફોન પર હોય છે બાકી મન તો દર 2-5 સેક્ધડે અલગ અલગ રીલની દુનિયામાં આંટા માર્યા જ કરે છે.
ઘણીવાર લાગે છે કે આ રીલ્સ માણસનાં મન સાથે રમત રમી તેની લાગણી સુધી પહોંચે છે અને દર 2-5 સેક્ધડે દરેક રીલ સાથે લાગણીઓ પણ બદલાય છે જે માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી છે. એક જ મિનિટમાં બે ચાર એકબીજાથી તદ્દન અલગ જ લાગણીઓ ફટાફટ મનમાંથી પસાર થઈ જાય છે. હજી એક તો બરાબર અનુભવી ના હોય ત્યાં તો બીજી ને ત્રીજી એનાં પર છવાઈ જાય છે. આ મન અને લાગણી સાથે રમત છે એક પ્રકારની છલના છે.
અમુક રીલમાં જાત જાતનાં અખતરા બતાવે છે, જેમ કે અમુક રોગોનાં ઉપચાર, કસરત, ગાડી પાર્ક કરવાની ટેકનિક, વાસણ માંજવાની સહેલી પદ્ધતિ, સવારે વહેલા ઊઠીને શું કરવું જોઈએ, વગેરે. આવી રીલ્સ જોઈ તેને અનુસરવું ઘણીવાર ‘નીમ હકીમ ખતરે જાન’ જેવું સાબિત થાય છે. દરેક વસ્તુનાં ફાયદા- નુકસાન બંને હોય એવું જ રીતે રીલ જોવાનાં પણ છે માટે તે બધું જ આપણે પોતાની જવાબદારીઓ સમજીને કરીએ તેમાં જ સમજદારી છે.
આ વિશે બોલો, તમે શું કહો છો?