Thu Oct 08 2026

Logo

દેશની પ્રથમ વંદે ભારત ફ્રેટ ટ્રેનનું અમદાવાદ-મુંબઈ વચ્ચે સફળ ટ્રાયલ, 130 km/hની ઝડપે દોડી કાર્ગો EMU

2026-09-13 21:29:38
Author: Vimal Prajapati
દેશની પ્રથમ વંદે ભારત ફ્રેટ ટ્રેનનું અમદાવાદ-મુંબઈ વચ્ચે સફળ ટ્રાયલ, 130 km/hની ઝડપે દોડી કાર્ગો EMU

અમદાવાદઃ ભારતીય રેલવેની ઝડપી માલસામાન હેરફેરની યોજના તરફ પગલું ભર્યું છે. પશ્ચિમ રેલવે નેટવર્ક પર દેશની સૌપ્રથમ 'વંદે ભારત ફ્રેટ ઈએમયુ' (Vande Bharat Freight EMU)નું અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ 'રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન' (RDSO) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

ટ્રાયલ રનની મુખ્ય વિગતોની વાત કરવામાં આવે તો, શનિવારે સવારે 09 વાગ્યે આ ટ્રેન આઈસીડી (ઈનલેન્ડ કન્ટેનર ડેપો) સાબરમતીથી મુંબઈ સેન્ટ્રલ માટે રવાના થઈ હતી, જ્યારે રવિવારે સવારે 09 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી પરત અમદાવાદ લાવવામાં આવી હતી. અમદાવાદ–વડોદરા–મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર રન (COCR) દ્વારા 130 કિમી/કલાકની સ્પીડ પર ટ્રેનની સ્થિરતા, રનિંગ ક્ષમતા અને પ્રદર્શનની ચકાસણી કરવાનો હતો. આખા રૂટ દરમિયાન રેલવે દ્વારા નક્કી કરાયેલા તમામ કાયમી અને અસ્થાયી સ્પીડ લિમિટના નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું હતું.

તકનીકી વિશેષતાઓ અને ટેસ્ટિંગની વિગતે વાત કરીએ તો, આ ફ્રેટ રેકમાં 50 ટકા પાવર લોડિંગ અને 20.32 ટન એક્સલ લોડ ધરાવતા કોચ જોડવામાં આવ્યા હતા. હાઈ-સ્પીડ રનિંગ દરમિયાન ડેટા એકત્ર કરવા માટે ટ્રેનમાં વિશેષ સેન્સર્સ અને ડેટા એક્યુઝિશન સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ મુસાફરી દરમિયાન કોઈ તકનીકી ખામી ન સર્જાય તે માટે ICF, મેધા અને કેર્ણ કંપનીના ટેકનિકલ નિષ્ણાતોને પણ સાથે રાખવામાં આવ્યાં હતાં. 

આ સેવાથી ભવિષ્યમાં શું ફેરફાર આવશે?

આ ટ્રાયલ દરમિયાન વંદે ભારત ક્રૂ, ગાર્ડ, ચીફ લોકો ઈન્સ્પેક્ટર, ટ્રાફિક ઈન્સ્પેક્ટર અને પરમનન્ટ વે ઈન્સ્પેક્ટર પણ સમગ્ર ટ્રાયલ દરમિયાન હાજર રહ્યા હતા. ટ્રેનમાં કરોડોની કિંમતના ટેસ્ટિંગ સાધનો હોવાથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો પર 24 કલાક કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. આ બે દિવસીય ટ્રાયલમાંથી મળેલા ટેકનિકલ ડેટાના આધારે રેલવે ભવિષ્યની ફાસ્ટ કાર્ગો સેવાઓની યોજના તૈયાર કરશે. વંદે ભારત ટેકનોલોજી પર આધારિત આ ફ્રેટ સેવા શરૂ થવાથી કિંમતી અને સમયસર પહોંચાડવો જરૂરી હોય તેવો માલસામાન સામાન્ય માલગાડીઓની સરખામણીએ ખૂબ જ ઝડપી અને ભરોસાપાત્ર રીતે પહોંચાડી શકાશે.