Thu Oct 08 2026

Logo

નાના પાટેકરનું સાચું નામ શું હતું? ‘નાના’ કેવી રીતે બન્યા, જાણો અભિનેતાના નામ પાછળની ભાવુક કહાની

2026-10-08 10:40:00
Author: Mumbai Samachar Team
નાના પાટેકરનું સાચું નામ શું હતું? ‘નાના’ કેવી રીતે બન્યા, જાણો અભિનેતાના નામ પાછળની ભાવુક કહાની

મુંબઈ: બોલિવૂડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ તેમના જીવન સાથે જોડાયેલી અનેક વાતો ફરી ચર્ચામાં આવી છે. 75 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનારા નાના પાટેકરને ફિલ્મ જગત ‘નાના’ નામથી જ ઓળખે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું અસલી નામ વિશ્વનાથ ગજાનન પાટેકર હતું. તેમની દમદાર એક્ટિંગ, તીખા સંવાદો અને સાદગીભર્યા જીવનને કારણે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી હતી.

નાના પાટેકરનું સાચું નામ 

નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી, 1951ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમના પિતાનું નામ દિનકર પાટેકર અને માતાનું નામ નિર્મલા પાટેકર હતું. તેમની માતા ગૃહિણી હતાં અને પરિવાર મરાઠી પૃષ્ઠભૂમિ ધરાવતો હતો. નાના પાટેકરે મુંબઈની બાંદ્રા સ્કૂલ ઓફ આર્ટમાંથી અભ્યાસ કર્યો હતો. જોકે, આજે સમગ્ર દેશ તેમને તેમના અસલી નામ વિશ્વનાથ કરતાં ‘નાના’ નામથી ઓળખે છે.

વિશ્વનાથથી 'નાના' કેવી રીતે બન્યા?

વાસ્તવમાં ‘નાના’ નામ તેમને જન્મથી મળ્યું નહોતું. એક ઇન્ટરવ્યૂમાં ખુદ નાના પાટેકરે જણાવ્યું હતું કે તેમની માતાની એક સહેલી હતી, જે તેમના માટે બહેન જેવી હતી. બાળપણમાં તેઓ નાના પાટેકરને પ્રેમથી ‘નાના-નાના’ કહીને બોલાવતી હતી. સમય જતાં પરિવાર અને આસપાસના લોકો પણ તેમને આ જ નામથી બોલાવવા લાગ્યા અને આ રીતે વિશ્વનાથ પાટેકર ‘નાના પાટેકર’ બની ગયા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ નામ તેમને ખૂબ પસંદ છે અને પાસપોર્ટ, આધાર કાર્ડ સહિત તમામ દસ્તાવેજોમાં પણ ‘નાના’ નામ જ છે.

વિશુ કહેવા પર તેમની આવી પ્રતિક્રિયા રહેતી 

શાળાના દિવસોમાં નાના પાટેકરને વિશ્વનાથ અથવા ‘વિશુ’ કહીને બોલાવવામાં આવતા હતા. નાના પાટેકરે પોતે જણાવ્યું હતું કે જો આજે કોઈ તેમને ‘વિશુ’ કહીને બોલાવે તો તેઓ તરત સમજી જાય છે કે સામેની વ્યક્તિ તેમના સ્કૂલના દિવસોની જૂની ઓળખાણ ધરાવે છે. સમય સાથે ‘નાના’ નામ એટલું પ્રચલિત થયું કે તેમણે આ જ નામને પોતાની ઓળખ બનાવી લીધી હતી.

ચાહોકાના માનીતા 'નાના' 

આજે દર્શકો અને ચાહકો તેમને પ્રેમથી ‘નાના’ પાટેકર તરીકે યાદ કરે છે. જોકે, આ નામ પાછળ વિશ્વનાથ નામનો એક સામાન્ય છોકરો અને તેની માતાની સહેલીનો પ્રેમ છુપાયેલો છે. એક સામાન્ય રીતે શરૂ થયેલું આ હુલામણું નામ આગળ જતાં તેમની સમગ્ર ફિલ્મી ઓળખ બની ગયું હતું. નાના પાટેકરની આ કહાની એ પણ દર્શાવે છે કે એક મોટું નામ બનવા પાછળ ઘણી વખત ખૂબ જ સરળ અને ભાવુક યાદો જોડાયેલી હોય છે.

75 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 

નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. અહેવાલ અનુસાર, આજે વહેલી સવારે ગોવાના ડોના પાઉલા સ્થિત તેમના ઘરે તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયની ગતિ બંધ થવી) હોવાનું જણાવાયું છે.