Thu Oct 08 2026

Logo

આ તે કેવી જીવદયા...?

2026-10-08 08:21:00
Author: Neela Sanghvi
આ તે કેવી જીવદયા...?

 

નીલા સંઘવી

જીવદયા એટલે જીવ માત્ર પ્રત્યે દયા કે અનુકંપા રાખવી. જોકે મોટે ભાગે આપણે જીવદયા એટલે પશુપંખીઓ પર અનુકંપા રાખવી એવું સમજીએ છીએ. મોટે ભાગે ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, કબૂતર જેવાં પશુ-પંખીઓનો આમાં સમાવેશ થાય છે. જીવદયાનો અર્થ સૌ પોતપોતાની રીતે કરે છે. જોકે આજે આપણે અહીં રખડતા કૂતરા કે બિલાડીઓ પ્રત્યેને જીવદયા વિશે વાત નથી કરવી. હા, એટલું જરૂર કહેવું છે કે જીવદયા પ્રેમીઓની દયાને કારણે કેટલાયે લોકોને શ્વાન કરડે છે. મુંબઈના પરાંઓમાં શ્વાનનો ત્રાસ બહુ જ વધી ગયો છે. 

આજકાલ આપણે ત્યાં ઘરમાં શ્ર્વાાન અને બિલાડીઓને પાળવાનો એક શોખ દેખાદેખીને કારણે ઘણો વધી ગયો છે. આપણા સંત કથાકાર સ્વ. શ્રી રામચંદ્ર ડોંગરે મહારાજ કહેતા, ‘આજની પ્રજા ઘરમાં શ્ર્વાન પાળે છે, આવતા જન્મ શ્વાન બનવાની આ તૈયારી છે.’ ગાયને પાળવાની આપણી સંસ્કૃતિ હવે શ્વાન પાળવાના શોખમાં પરિવર્તિત થઈ ગઈ છે. તેથી જ કવિ મુકેશ જોશી લખે છે.: 

‘કેમ ઘરડાં ઘેર મોકલતાં હશે?
એ જ સંતાનો જે ઘરમાં શ્ર્વાન રાખે.’

શ્વાનને ઘરમાં અછોવાના કરે અને મા-બાપને હડસેલાં મારે. આજે સીમાબહેનની વાત કહેવી છે. એ વાત શ્ર્વાન સાથે સંકળાયેલી છે તેથી જ શ્ર્વાન વિશે શરૂઆતમાં લખીને વિષયનું અનુસંધાન કર્યું. સીમાબહેનના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયું. સીમાબહેન પુત્ર-પુત્રવધૂ-પૌત્ર સાથે રહેતાં હતાં. ઉંમર હશે 72-73 વર્ષ. 

પુત્ર ક્ષિતિજ અને પુત્રવધૂ રિયા બન્ને સારી જૉબ કરતાં હતાં. ઘર તો સીમાબહેનના પતિએ જ લીધું હતું. તેથી બન્નેના પગારના કારણે સરસ લાઇફ સ્ટાઇલ હતી. પૌત્ર યુગ પણ બહુ મીઠડો હતો ને દાદીનો લાડકો. દાદી પાસેથી વાર્તા સાંભળવાની યુગને બહુ જ મજા આવતી હતી. ધીમે ધીમે યુગ મોટો થતો ગયો. હવે યુગની પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ હતી. તેને ઘરના લોકો સાથે વાતો કરવા કરતાં મિત્રો સાથે વાતો કરવામાં, ફોનમાં વધારે મજા આવતી હતી.

સીમાબહેન ઘરમાં એકલાં પડી જતાં હતાં, પણ તેમને એકલતા કદી સાલતી નહીં, ભગવાનનું ભજન કરતાં, સારાં પુસ્તક વાંચે-આરામ કરે. સાંજના સમયે મંદિરે જાય ને પાછા વળતાં શાકભાજી પણ લઈ આવે. ઘણી વાર સોસાયટીમાં બાંકડા પર બેઠેલા વયસ્કો સાથે ગપાટા પણ મારે. સીમાબહેનનું જીવન આમ સેટ હતું. સીમાબહેન ક્યારેય પુત્ર-વહુનાં  અંગત જીવનમાં માથું મારતાં નહીં... પુત્ર-પુત્રવધૂ પણ સીમાબહેન સાથે સારી રીતે જ વર્તતાં હતાં.

થોડા સમયથી રિયાને માથે શ્ર્વાન પાળવાનું ભૂત ચડ્યું હતું. તે ઘણા સમયથી ક્ષિતિજને કહેતી હતી. ‘ક્ષિતિજ એક સરસ ડૉગી લઈ આવીએ. યુગ પણ મોટો થઈ ગયો છે. ડૉગીને લાવીશું તો ઘરમાં કોઈ નાનું બાળક છે તેવું લાગશે. કામ પરથી ઘેર આવીને તેની સાથે રમવાની મજા આવશે’

‘ના, રિયા ડૉગી લાવીએ તો આપણી જવાબદારી વધી જાય. યુગની જવાબદારી માંડ ઓછી થઈ છે ત્યાં નવી પળોજણ આપણે નથી જોઈતી. વળી ડૉગીના ખર્ચા પણ મોટા હોય છે. ડૉગને કારણે કામ પણ વધે છે. ક્યાંક બહારગામ જવું હોય તો તેને કયાં રાખવો તેની ચિંતા. વળી આખો દિવસ આપણે ઘરે કયાં હોઈએ છીએ? તો ડૉગની સારસંભાળ કોણ લેશે? એને છી છી પી પી કરાવવા પણ લઈ જવો પડે એ બધું કરવાનો આપણી પાસે સમય ક્યાં છે?’

‘અરે, પણ મમ્મી છે ને? આખો દિવસ ઘરમાં એકલાં હોય છે.  ઘરમાં કામ કરવા તો માણસો છે જ ને? મમ્મીને ક્યાં કાંઈ કામ હોય છે? તે ડૉગીનું ધ્યાન રાખશે. યુગ નાનો હતો ત્યારે મમ્મી જ સાચવતાં હતાં ને?’   
                                     
‘યુગને સાચવવામાં અને ડૉગને સાચવવામાં બહુ ફરક છે,  રિયા. યુગ તો તેમને બહુ વહાલો. વળી તે સમયે મમ્મીની ઉંમર પણ નાની હતી. હવે આ ઉંમરે તેમને આવી પળોજણમાં ન નખાય.’

‘હું તો મમ્મીના સારા માટે પણ કહું છું. તેમને વસ્તી થશે અને તેમનો સમય પસાર થશે.’ ક્ષિતિજ તથા  સીમાબહેનની અનિચ્છા છતાં રિયા એક સરસ મજાનો, સફેદ સફેદ રુંવાટી વાળું નાનકડું ડૉગી લઈ જ આવી. ડૉગી સરસ હતું. તેની માટે સ્પેશ્યલ ફૂડ, સાબુ, શૅમ્પૂ, પાઉડર અને કાંઈ કેટલીયે ચીજવસ્તુઓ રિયા લઈ આવી. તેનાં છી છી પી પીની ટ્રેનિંગ માટે ટ્રેઇનર રાખવામાં આવ્યો. પણ ડૉગીને કારણે સીમાબહેનના એકાંતમાં વિક્ષેપ પડ્યો. તેનું નામ ‘લકી’ રાખ્યું. આ ‘લકી’ આખો દિવસ ભસ્યા કરે. 

સીમાબહેન ઇરિટેટ થાય. સોફા પર સીમાબહેનની બાજુમાં આવીને બેસી જાય. સીમાબહેન બેડરૂમમાં આરામ કરવા જાય તો તેની બાજુમાં સૂઈ જાય. એવું નહોતું કે સીમાબહેનને લકી પર વહાલ નહોતું આવતું, પણ નાનપણથી એવા સંસ્કાર હતા કે કૂતરાને હાથ ન લગાડીએ. હાથ લગાડ્યા હોય તો ધોઈ નાખીએ. જ્યારે અહીં તો શ્વાન આવી આવીને સીમાબહેનના હાથ, પગ ચાટી જાય. ક્ષિતિજ-રિયા-યુગ તો આખો દિવસ ઘરે હોય નહીં તેથી લકી સીમાબહેનની આસપાસ જ ફર્યા કરે. 

લકી એકલો રહે નહીં તેથી સીમાબહેન મંદિરે, સોસાયટીમાં ક્યાંય જઈ શકે નહીં. સીમાબહેનને તો બંધન થઈ ગયું. રાત્રે ક્ષિતિજ-રિયા-યુગ આવે પછી જ લકી સીમાબહેનનો પીછો છોડે. સીમાબહેનને પોતાની એકાંત ભરી લાઇફ સ્ટાઇલ બહુજ ગમતી હતી. હવે સીમાબહેન પરેશાન છે, પણ શું કરે? સંતાનો જીવદયાપ્રેમી છે, પણ કોઈ એમને સમજાવે કે સીમાબહેન પ્રત્યે પણ થોડી જીવદયા બતાવો તો વધુ સારું.