Thu Oct 08 2026

Logo

બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળથી કચ્છમાં રૂ ૫૦૦ કરોડથી વધુના વ્યવહારો ઠપ્પ

2026-09-12 14:20:00
Author: Mumbai Samachar Team
બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળથી કચ્છમાં રૂ ૫૦૦ કરોડથી વધુના વ્યવહારો ઠપ્પ

 કચ્છના ૧૨૦૦થી વધુ કર્મચારીઓ જોડાતાં કામગીરી ખોરવાઈ

ભુજ: યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ-યુએફબીયુના આહ્વાન પર બેંક કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નો તેમજ અગાઉ થયેલી દ્વિ-પક્ષીય સમજૂતીઓના અમલીકરણ માટે યોજાયેલી હડતાળના કારણે કચ્છભરમાં અંદાજે રૂ.૫૦૦ કરોડથી વધુના નાણાકીય વ્યવહારો અટવાઈ પડ્યા હતા. પાંચ દિવસીય બેંકિંગ કામકાજ સહિતની વિવિધ માંગણીઓને લઈને જિલ્લાના આશરે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા.

હડતાળના ભાગરૂપે જિલ્લા મથક ભુજ ખાતે બેંક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ સામે કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા, જેમાં ૨૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. યુનિયનના નીલેશ મહેતા, રિતેશ શાહ, જિજ્ઞેશ કંસારા, રજનીકાંત પરમાર, રાજેશ ચૌહાણ, હર્ષ કોઠારી, યુવરાજસિંહ ઝાલા, સાગર જોશી, જિગીષા ઠાકર, પૂજા કોઠારી, હર્ષદ જોશી, ટીનેશ રાઠોડ અને ભાવેશ બારોટ સહિતના અગ્રણીઓએ આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.

બેંક સંગઠનોના જણાવ્યા મુજબ, ૮ માર્ચ ૨૦૨૪ના રોજ થયેલા કરાર મુજબ તમામ શનિવારે રજા જાહેર કરવા અને તેના બદલામાં પ્રતિદિન ૪૦ મિનિટનો સમય વધારવા સંમતિ સધાઈ હતી. આ ભલામણ સરકારને મોકલાઈ હોવા છતાં હજુ સુધી અંતિમ મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત ભેદભાવયુક્ત પ્રોત્સાહક યોજનાઓ અને અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ઉકેલ ન આવતાં કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

આ પ્રશ્નોના નિરાકરણ માટે યુએફબીયુ દ્વારા તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની હડતાળ તેમજ ૨૬ ઓક્ટોબર ૨૦૨૬થી અનિશ્ચિત મુદતની હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયને પણ આ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.

ઉત્સવ વૈદ્ય