અમદાવાદઃ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આજથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ મુજબ, આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તંત્ર દ્વારા યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આજે ક્યાં છે યલો એલર્ટ
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા સહિત 22 જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 વાગે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો હતો. ર્મદાના સાગબારામાં સૌથી વધુ 0.39 ઇંચ વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુરના કવાંટમાં 0.35 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી
આવતીકાલ, તા. 13 સપ્ટેમ્બરે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે.
14 અને 15 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહેશે. 14 સપ્ટેમ્બર ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 15 સપ્ટેમ્બરના રોજ વરસાદનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે કોઈ મોટી હવામાન સિસ્ટમમાં ફેરફારની આગાહી નથી.

અંબાલાલ પટેલે શું કરી આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેની અસર 12 સપ્ટેમ્બરની સાંજથી ગુજરાતમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ 12-13 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, આણંદ, પંચમહાલ સહિત અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. સિસ્ટમની અસર 16-17 સપ્ટેમ્બર સુધી રહેવાની શક્યતા છે.