Mon Oct 05 2026

Logo

રાખી સાવંત VS કંગના રનૌતઃ કંગનાએ રાખી પર સાધ્યું નિશાન, લખ્યું 'સ્વીપરની નોકરી સુદ્ધા મળી નહીં'

2026-09-14 22:11:42
Author: Mumbai Samachar Team
રાખી સાવંત VS કંગના રનૌતઃ કંગનાએ રાખી પર સાધ્યું નિશાન, લખ્યું 'સ્વીપરની નોકરી સુદ્ધા મળી નહીં'

મુંબઈ: અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા અભિનેત્રી રાખી સાવંત વચ્ચે ફરી એકવાર શાબ્દિક ટકરાવ થયો છે. રાખી સાવંતે તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન કંગના રનૌત અને સ્મૃતિ ઈરાનીને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર રાખીને આકરો જવાબ આપ્યો છે. આ મામલો હાલ બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાખી સાવંતે પોડકાસ્ટમાં કંગના અને સ્મૃતિ ઈરાનીનો ઉલ્લેખ કરીને કેટલીક ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. રાખીની ટિપ્પણીને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી હતી અને ત્યાર બાદ કંગનાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 

કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે નિષ્ફળ અને કડવી માનસિકતા ધરાવતા કેટલાક લોકો પોતાની નિષ્ફળતા અને ઈર્ષ્યાને યોગ્ય ઠેરવવા માટે સફળ મહિલાઓને નિશાન બનાવે છે. તેના મતે આવી વ્યક્તિઓ જાહેરમાં સફળ મહિલાઓના ચારિત્ર્ય અને વ્યક્તિગત જીવન પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

કંગનાએ વધુમાં કહ્યું કે મહિલાઓએ આવી ટિપ્પણીઓથી અસહાય અથવા અપમાનિત અનુભવવાની જરૂર નથી. તેમણે મહિલાઓને દરેક વખતે પોતાનો બચાવ કરવા અથવા પોતાની સફળતા અંગે સ્પષ્ટતા આપવાનું બંધ કરવાની સલાહ પણ આપી. કંગનાએ પોતાના જવાબમાં રાખીના કરિયર પર પણ સીધો કટાક્ષ કર્યો હતો.

કંગનાએ રાખીને જવાબ આપતાં લખ્યું હતું કે માત્ર કોઈની ભલામણ કે ઉપકારથી સફળતા મેળવી શકાતી નથી. તેમણે કટાક્ષ કરતાં એવું પણ કહ્યું કે રાખીને તો ‘સ્વીપરની નોકરી’ પણ મળી નથી. કંગનાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર બંને અભિનેત્રીઓ વચ્ચેનો વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.

કંગના અને રાખી અગાઉ પણ જાહેરમાં એકબીજા અંગે ટિપ્પણીઓ કરી ચૂક્યાં છે. હવે રાખીના તાજેતરના પોડકાસ્ટ નિવેદન અને તેના જવાબમાં કંગનાની આકરી પ્રતિક્રિયાએ જૂનો વિવાદ ફરી ચર્ચામાં લાવ્યો છે. બંનેમાંથી કોઈ તરફથી આ મુદ્દે વધુ સત્તાવાર સ્પષ્ટતા આવે છે કે નહીં તેના પર હવે નજર રહેશે.