રાજકોટઃ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીના પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. જયેશ રાદડિયાએ ભાજપના ધુરંધર રૈયાણીને હરાવીને પાવર બતાવ્યો હતો. સખિયાને પણ વટભેર જીતાડ્યા હતા. રાજકોટ લોધિક સંઘની પાંચ બેઠકની ચૂંટણીમાં જયેશ રાદડિયા જૂથના ચાર ઉમેદવારો વિજેતા થયા હતા. જેના પરથી રાજકોટ લોધિકા સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો હોવાનું ફરી એક વખત સાબિત થયું હતું. રાજકોટમાં સહકારી ચૂંટણીમાં ભાજપનું નાક વાઢનારા વિજય સખિયાએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને અરવિંદ રૈયાણી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અલ્પેશ ઢોલરિયાએ પણ સખિયા પર પ્રહાર કર્યા હતા. ભાજપના નેતાઓ સામ સામે આવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
રાજકોટ ભાજપમાં જૂથવાદ: રાજકોટ-લોધિકા ચૂંટણી બાદ વિવાદ | Rajkot | Vijay Sakhiya
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 10, 2026
રાજકોટ-લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો છે. માધાપર બેઠક પર વિજય સખિયાએ પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા સામે જીત મેળવી છે. મહત્વનું છે કે ભાજપના વ્હિપ… pic.twitter.com/hZSGnxEMj0
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો હતો. વિજય સખિયાની પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને અરવિંદ રૈયાણી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાના સમર્થક ગણાતા વિજય સખિયાએ માધાપર જૂથની બેઠક પર ક્ષત્રિય નેતા પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા સામે જીત મેળવી હતી.
મહત્વનું છે કે ભાજપ દ્વારા ઘોઘુભાના સમર્થનમાં વ્હિપ આપવામાં આવ્યો હોવા છતાં ચૂંટણીમાં સખિયાનો વિજય થયો હતો. માધાપર બેઠક પર પાટીદાર મતદારો ઉપરાંત ક્ષત્રિય મતદારોનું પણ સખિયાને સમર્થન મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ચૂંટણી બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિજય સખિયાએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને અરવિંદ રૈયાણી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સખિયાના જણાવ્યા મુજબ, ટિકિટ વેચાણમાં વહીવટ કરવામાં આવ્યો હોવાના તેમજ મતદાતાઓને ડરાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો કરવામાં આવતાં રાજકોટ-સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે, આ તમામ આક્ષેપો અંગે સંબંધિત પક્ષનું વલણ પણ મહત્વનું બની રહે છે.
વિજય સખિયાએ વધુમાં અરવિંદ રૈયાણી પર અગાઉ પાર્ટી વિરુદ્ધ કામ કરવાનો આક્ષેપ કરતા કહ્યું કે, અરવિંદ રૈયાણીએ અગાઉ પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું છે, મેં નહીં.
બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સખિયા પક્ષના કાર્યકર ન હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી હતી. આમ, સંઘની ચૂંટણીનું પરિણામ હવે ભાજપના સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા અને જૂથવાદનું કારણ બન્યું છે.
ચૂંટણીમાં પાર્ટીના વ્હિપ છતાં પરિણામ બદલાતા હવે સવાલ એ છે કે શું સહકારી સંસ્થાની ચૂંટણીના પરિણામો આગામી સમયમાં રાજકોટ ભાજપના આંતરિક રાજકીય સમીકરણો પર પણ અસર કરશે?