Mon Oct 05 2026

Logo

વલો કચ્છ: ક઼મર’ કચ્છીની કાવ્ય-સંવેદના

2026-09-06 08:11:00
Author: Giriraj
વલો કચ્છ: ક઼મર’ કચ્છીની કાવ્ય-સંવેદના

 

- ગિરિરાજ

મૂળ માંડવીના પણ ભુજ આવી ગયેલા ખત્રી પરિવારના સાહિત્યરત્ન હુસેન ઇસ્માઇલ ખત્રી ગઝલ લખતા ત્યારે ‘ક઼મર’ કચ્છી તરીકે પોતાની ઓળખાણ મજબૂત કરી હતી. અરબી ભાષામાં ચંદ્રને કમર કહેવામાં આવે છે. જન્મ: 23.08.1942 અને ત્રણ વર્ષ પહેલા હુસેનભાઈએ આપણી વચ્ચે વિદાય લીધી પરંતુ તેમનું સાહિત્યિક પ્રદાન પણ કચ્છી ભાષાના આકાશમાં ચંદ્રની જેમ શીતળ અને પ્રકાશમાન રહીને ચમકી રહ્યું છે.

સોનેર ગઝલ, દુહા, ગઝલ મુક્તક, ઠુમરી ગઝલ, ગીત ગઝલ એ બધાને મિશ્રિત કરીને પ્રયોગ પરાસ્ત કવિઓ રચના કરતા હોય છે, તેમ હુસેનભાઈએ પણ પોતાની કરામત ગઝલ સર્જનમાં બખૂબી દેખાડી છે. કચ્છી સાથે ઉર્દૂના શબ્દોનો સરખે સરખો ઉપયોગ પણ એમની રચનાઓમાં નીતરી આવે છે. તેમના શબ્દોમાં પ્રેમાલાપ, પ્રકૃતિ અને વતન પ્રત્યેનો સ્નેહ પારાવાર ઝરે છે.

આમ તો કંડલા પોર્ટ ટ્રસ્ટમાં તેમણે નોકરી કરી પણ ચાર દાયકાથી વધુનો સમય એમની સર્જન પ્રક્રિયામાં સક્રિય રીતે વીત્યો હતો અને આખરે ‘ક઼્મરજો ધીવાન  ખોબા ભરે ભરે’ ગઝલ સંગ્રહ કચ્છી ભાષાને સમર્પિત થયો, જે આજે બાબાણી બોલીના ચાહકો માટે એક સોગાદ બનીને ઊભરી આવ્યું છે. તેમણે રોજિંદા જીવનના સાદા પ્રતીકો જેવા કે પગઠીયા (પગથિયાં), ચાંઠ (ઉંબરો), ગોખ (ઝરૂખો), ચિમચા (ચમચા) અને આરીસો (અરીસો) જેવા રૂપકોને કેન્દ્રમાં રાખીને ગહન અને માર્મિક પદ્ય રચનાઓ આપી છે. આજે અમુક રચનાઓ માણીશું. 

પગઠીયા (પગથિયાં): આ ગઝલ મુક્તકમાં જીવનનો તાત્ત્વિક બોધ છુપાયેલો છે. કવિ કહે છે કે જીવનની સફરમાં દરેક કદમ સંભાળીને મૂકવામાં આવે તો સફળતા નિશ્ચિત બને છે. નૈતિકતા અને સત્યના પગથિયાં ચડીને જ માણસ વડપણ અને માન-સન્માનના ઉચ્ચ શિખરો સર કરી શકે છે.

કધમકે રખ સંભાલેનેં, કરેલા પાર પગઠીયા,
મિનારેતેં પુજાઈયેં, વડો આધાર પગઠીયા. 
થકલ થિઈ વિઈ નં રોં વિચમેં, ’ક઼્મર’! અગતેં વધોં હરધમ, 
ચડ઼ોં જિતરો ડીંતા ઉતરો ઉચું અધિકાર પગઠીયા. 

અચીં ચાંઠ તોજી (તારા ઉંબરે): ઉંબરાના રૂપક દ્વારા આધ્યાત્મિક અને દૈવી અનુભૂતિ પ્રગટ થાય છે. કોઈ શ્રદ્ધાળુ જ્યારે ઈશ્વર કે મુર્શિદના ઉંબરે આવે છે, ત્યારે તેની તમામ મુશ્કેલીઓ અને આપત્તિઓ દૂર થાય છે તથા તેને ઈશ્વરીય રહમત અને સહારાનો અનુભવ થાય છે.

ડિઠા અજ નજારા, અચી ચાંઠ તોજી, મિલેંતા સહારા, અચી ચાંઠ તોજી.
હિતે હર નજારે, રહેમત વસેતી, કુછેંતા મિનારા, અચી ચાંઠ તોજી.
ગજે બારજ્યું વેં, ભલેંને મુસીબતું, કરીએં કિનારા, અચી ચાંઠ તોજી.
ખણે પણ ચડ઼ સા, ઊ ધ્રોડ઼ી વિસેતા, લગેંતા ભટારા, અચી ચાંઠ તોજી.
અચીનેં ડિઠા હિત, ખુધાઈ નજારા, નમેં ચાંધ તારા, અચી ચાંઠ તોજી.
‘કુમર’, વે ભરોંસો, ધુવાઉં ફરેંત્યું, ડિઠા મું ઇસારા, અચી ચાંઠ તોજી.
ગોખ (હૃદયનો ઝરૂખો): આ પ્રેરણાત્મક રચનામાં કવિ માર્ગદર્શિત કરે છે કે કોઈની રાહ જોયા વિના, પોતાના હૃદયના ગોખમાં સત્ય અને સચ્ચાઈને ધારણ કરીને પરમાર્થના રસ્તે ચાલી નીકળવું જોઈએ.
ખુલા અખ કન ડિસેં સચકે, જિગરજી ગોખ મ્યાનું હીં, 
રતન જાયા નં કર ખોટી અસરજી ગોખ મ્યાંનું હીં.
ઉભા રેં રાહબર થિઈનેં, ભની ડીયો હલેં ભેરા, 
લગેં નિત રાતજા ચંધર, સફરજી ગોખ મ્યાંનું હીં.
વતન હર ડીં ફુલેફાલે, અગર કાબેલજા હથ વેં, 
મિલે હકજો પસીને કે, કસરજી ગોંખ મ્યાંનું હીં.
ખુલેતી પ્યારજી મોસમ, કુડે કિલકાર ચોધારો, 
ડિસોં મોલાત મોભતજી, નજરજી ગોખ મ્યાંનું હીં.
અધભજી બોલબાલા હિત, નં ભેઅધભી ડિસજે કિત, 
ગઝલમેં નિત ના ગ્રિનોં ઉનજો અંધરજી ગોખ મ્યાંનું હીં.
અચેંતા ગુલ ખણી હથમેં, અચીંધે જાધ ધિલભરજી, 
‘ક઼્મર’!, ડિસ સેર સિરકેંતા, કિભરજી ગોંખ મ્યાનું હીં.

ચિમચા (ચમચો): કવિએ સામાજિક વિડંબના અને વ્યવહારુ સ્વભાવ પર કટાક્ષ કરતા ‘ચમચા’ શબ્દનો અનોખો ઉપયોગ કર્યો છે. જે લોકો પોતાની ચાટુકારિતાથી કામ કઢાવે છે અને સ્વાર્થ ખાતર સંબંધો બાંધે છે, તેમના સ્વભાવનું અહીં સુંદર ચિત્રણ છે.
લિખાલિખ ખબરકે નિત નજરમેં રખેં ચિમચા, 
કરે હથ સજી બાજી, વલા થિઈ હલેં ચિમચા.
ડિસેં ક્રમ જિતે ભારી, નં લિખ અચે ઓરા, 
રખી ભાર બેંતે નેં સજો જસ ખટેં ચિમચા.
નતા ન્યારીએં, કડેં નોંતરેજી વાટ કિત, 
વિગર નોંતરે સામા, મિઠા થિઈ અચેં ચિમચા.
મિઠા બોલ ગુડ઼ જેડ઼ા, કુછીનેં વિયેં ઓરા, 
મિડ઼ે જટ કરેનેં હથ, ખુસીસેં નચેં ચિમચા.
ભલેં પારકી બેડ઼ી બુડે હીં નજર સામેં, 
સડા પિંઢજે કખકે, સલામત રખેં ચિમચા.
ભરોંસો રખાજે કી? ભરોંસે વિજે બોડ઼ી, 
‘ક્મર’, સચ કરે પડ઼ખે, ગલેસેં લગે ચિમચા.

જાધજો આરીસો (યાદોનો અરીસો): અરીસાના પ્રતીક દ્વારા કવિ ભૂતકાળની મીઠી સ્મૃતિઓને જીવંત કરે છે. યાદોનો અરીસો સામે આવતા જ અવિસ્મરણીય પળો અને પ્રેમની ભાવનાઓ નજર સામે સાકાર થઈ ઊઠે છે.

અસાંકે થિઈ તલબ આંજી, ડિસીનેં જાધજો આરીસો, 
લજે સોણા વરી આંજા, ખણીનેં જાધજો આરીસો.
ખરું ડીયા ઉમેઘેજા ડિસી પાંજે અઙણમેં આંકે, 
ડિઠો આંકે ખયોંતે મું નમીને જાધજો આરીસો.
સિકારી કાફલો ન્યારે ડિઠો મોં મોતજો જિત સામે, 
જિગરમેં ફડ઼ફડાટી થિઈ, ડિસીનેં જાધજો આરીસો.
કલીજી આસમેં કંઢા ચુભેં નેં હીં હિરખ વીંખાજે, 
જિગર મ્યાં ચીસ નિકરી વિઈ લજીનેં જાધજો આરીસો.
ખણી મોતી મહોભતજા પરોવ્યોં પ્રેમજો ધાગો જિત, 
વતાયોં હંસલેંકે હી, રખીનેં જાધજો આરીસો.
ફિરી ગુલજાર ફોરે નેં, સુણેં કિલકારકે પાછા કન, 
કુછેતો જિત નજર સામેં, જુકીનેં જાધજો આરીસો.
અધાવત વે ક વે ધોસ્તી, ‘ક઼્મર’! નાતા કભર તેંજા હી, 
રખો હકકે બુલંધી તેં, ગિનીનેં જાધજો આરીસો.

કવિ ‘ક઼મર’ કચ્છીની ગઝલો માત્ર કાવ્યમય શબ્દોનો સમૂહ નથી, પરંતુ જીવનના ગૂઢ દર્શન, સામાજિક સત્ય અને માનવીય લાગણીઓનો ત્રિવેણી સંગમ છે. ભાષા પરનું તેમનું પ્રભુત્વ અને સરળ રૂપકો દ્વારા ગહન વિચારો રજૂ કરવાની તેમની કળા કચ્છી સાહિત્યમાં તેમને ચિરંજીવી સ્થાન અપાવે છે. (શબ્દાર્થ :- ભટારા: તેજ ગતિવાળા, ચાંઠ: ઉંબરો, ફરેત્યું : પૂરી થાય, બેડ઼ી : નાવ, રાહબર: ભોમિયો) ઉ