Tue Oct 06 2026

Logo

ઓક્ટોબર મહિનામાં કેમ વધી જાય છે તાપમાન અને બફારો? હવામાન વિભાગે સમજાવ્યું 'ઓક્ટોબર હીટ'નું ગણિત

2026-10-05 22:04:22
Author: Darshana Visaria
ઓક્ટોબર મહિનામાં કેમ વધી જાય છે તાપમાન અને બફારો? હવામાન વિભાગે સમજાવ્યું 'ઓક્ટોબર હીટ'નું ગણિત

સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ દેશમાંથી ચોમાસાની ઓફિશિયલી વિદાય શરૂ થઈ જાય છે અને લોકોને આશા હોય છે કે હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીની શરૂઆત થશે. પરંતુ આ વર્ષે ઓક્ટોબરની શરૂઆતથી જ ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે. તાજેતરમાં જ ઓક્ટોબર મહિનામાં પારો 37.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે છેલ્લાં બે વર્ષમાં ઓક્ટોબરનો સૌથી ગરમ દિવસ સાબિત થયો હતો.

ચોમાસાની વિદાય બાદ અચાનક વધતી આ અસહ્ય ગરમી અને બફારાને હવામાન વિજ્ઞાનની ભાષામાં 'ઓક્ટોબર હીટ' તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ કે ચોમાસું પત્યા પછી પણ આકરી ગરમી અને અકળાવનારી ભેજ કેમ અનુભવાય છે.

ચોમાસાની વિદાય અને હવાનું બદલાતું દબાણ:
ચોમાસા દરમિયાન મેદાની વિસ્તારોમાં લો-પ્રેશર (ઓછું દબાણ) હોય છે, જે વાદળો અને ઠંડી હવાઓને આકર્ષે છે. પરંતુ ચોમાસું પાછું ખેંચાતાં ત્યાં હાઈ-પ્રેશર (એન્ટી-સાયક્લોનિક) સ્થિતિ બને છે. હાઈ-પ્રેશરમાં ગરમ હવા ઊંચે ચડવાને બદલે જમીન તરફ નીચે બેસે છે, જેને વિજ્ઞાનમાં 'સબસિડન્સ' કહે છે. આનાથી જમીનની સપાટી નજીક ગરમી ટ્રેપ થઈ જાય છે અને તાપમાન અચાનક વધી જાય છે.

મહિનાઓ સુધી પડેલા વરસાદને કારણે જમીન અને વાતાવરણના નીચેના સ્તરોમાં પુષ્કળ ભેજ (Moisture) જળવાઈ રહે છે. વરસાદ બંધ થતાં જ આકાશ સાફ થઈ જાય છે અને સીધો તડકો ભીની જમીન પર પડે છે. આનાથી ઝડપી બાષ્પીભવન થાય છે, જે હવામાં ભારે બફારો (Humidity) પેદા કરે છે.

પાણીની વરાળ એક કુદરતી ગ્રીનહાઉસ વાયુની જેમ કામ કરે છે. તે જમીનમાંથી નીકળતા ઇન્ફ્રારેડ રેડિયેશનને શોષી લે છે, જેના કારણે સૂર્યાસ્ત પછી પણ રાત્રિનું તાપમાન ઝડપથી ઘટતું નથી અને અકળામણ ચાલુ રહે છે.

સપ્ટેમ્બરના અંત પછી સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરતો હોવા છતાં ભારતીય ઉપમહાદ્વીપ પર તેનો તાપ ઘણો પ્રખર રહે છે. આકાશ સંપૂર્ણ સ્વચ્છ હોવાથી સૂર્યના કિરણોને રોકવા માટે વાદળો હોતા નથી, જેના કારણે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડે છે અને સપાટી ખૂબ ઝડપથી ગરમ થઈ જાય છે.

ભૂમધ્ય સમુદ્રમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રણાલી આ દિવસોમાં નબળી હોય છે, જેનાથી ઉત્તર ભારતમાં વરસાદ કે ઠંડી હવાઓની શક્યતા નહિવત થઈ જાય છે.  શહેરોમાં ઊંચી ઇમારતો, ડામરના રસ્તા અને સિમેન્ટનું માળખું દિવસ દરમિયાન ગરમી શોષી લે છે અને રાત્રે ધીમે-ધીમે બહાર કાઢે છે, જેને કારણે ગામડાં કરતાં શહેરોમાં 'ઓક્ટોબર હીટ' વધુ ત્રાસદાયક લાગે છે.