Tue Oct 06 2026

Logo

મેડલ-વિજેતાં પ્રાચી ચૌધરીનાં દેશપ્રેમને સલામ

Nagoya   2026-09-27 10:54:00
Author: Ajay Motiwala
મેડલ-વિજેતાં પ્રાચી ચૌધરીનાં દેશપ્રેમને સલામ

PTI


નાગોયા: જાપાની એશિયન ગેમ્સમાં શનિવારે મહિલાઓની 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રાચી ચૌધરીએ આ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ભારતનો તિરંગો ઓઢીને તેમ જ રાષ્ટ્રધ્વજ જેવા રંગથી રંગેલા પોતાના નખ બતાવીને અનેરો દેશ પ્રેમ દાખવ્યો હતો.

પ્રાચી આ રોચક દોડમાં ત્રીજા નંબરે આવી હતી. તે ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ ન જીતી શકી એમ છતાં તેણે ભાવુક થઈને ગર્વ સાથે અને આનંદપૂર્વક રાષ્ટ્રધ્વજ સાથેનો જે પ્રેમ બતાવ્યો એ બદલ સ્પર્ધાના સ્થળે તેમ જ સોશિયલ મીડિયામાં તેની ખૂબ વાહ-વાહ થઈ છે અને તેના ચાહકો પણ ગર્વ અનુભવી રહ્યા છે.

પ્રાચીએ 400 મીટરની રેસ 53.21 સેકન્ડમાં પૂરી કરી હતી. બાહરિનની સલવા નાસેર (49.20 સેકન્ડ) ગોલ્ડ મેડલ જીતી હતી, જ્યારે ઈરાનની ઝહરા ઝેરાઈ મૅનોજન (52.38 સેકન્ડ) સિલ્વર મેડલ જીતી હતી.

પ્રાચી ચૌધરી (Prachi Chaudhary) માત્ર પોણી સેકન્ડ માટે સિલ્વર મેડલ ચૂકી ગઈ હતી. ભારતની જ કિરણ પહલ (53.41 સેકન્ડ) પાંચમા નંબરે આવી હતી.

શનિવારે જાપાનમાં વરસાદનું અને ભેજવાળું વાતાવરણ હતું છતાં પ્રાચી હિંમત નહોતી હારી અને પોતાની હરીફાઈ પર એકાગ્રતા જાળવી રાખી હતી. તેણે ભારતને બ્રોન્ઝ મેડલ (Bronze Medal)નું ગૌરવ અપાવ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘આ મેડલ જીતીને હું ખૂબ ગર્વ અનુભવી રહી છું. ઘણા લોકો એવી ટકોર કરતા હતા કે હું માત્ર વિઘ્ન દોડમાં જ સારું પર્ફોર્મ કરી શકું છું. જોકે 400 મીટરની આ રેસમાં મેડલ જીતીને મેં તેમને ખોટા પાડ્યા છે. મેં વરસાદના વાતાવરણમાં ખૂબ પ્રેક્ટિસ કરી હતી એટલે અહીં મને એવા વાતાવરણમાં દોડવામાં કોઈ તકલીફ નહોતી પડી.'

ઉત્તર પ્રદેશના સહરાનપુર નગરની પ્રાચી ચૌધરી 30 વર્ષની છે. તેના પરિવારે ખૂબ સંઘર્ષ કરીને પ્રાચીને ભારતીય ઍથ્લેટિક્સમાં ટોચના સ્થાન સુધી પહોંચાડી છે. પ્રાચીએ નાનપણમાં સહરાનપુરના રસ્તાઓ પર દોડવાની પ્રેક્ટિસ કરીને સ્થાનિક સ્તરે સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. એમાં એક પછી એક દોડ જીતીને તે જિલ્લા તેમ જ રાજ્યસ્તરની અને પછી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેતી થઈ હતી.

પ્રાચી અગાઉથી ભારતને બે એશિયન મેડલ અપાવી ચૂકી છે જેમાં એક સિલ્વર મેડલ છે.

પ્રાચીના પિતા જયવીર સિંહ અને માતા રાજેશ દેવીએ પુત્રી માટે જે બલિદાન આપ્યા એનું સુંદર પરિણામ હવે તેમને જોવા મળી રહ્યું છે. પ્રાચી પર લાખો રૂપિયાના ઇનામની વર્ષા થશે એમાં કોઈ શંકા નથી.