Mon Oct 05 2026

Logo

મુંબઈ-પુણેમાં તહેવારો પહેલાં FDAની મોટી કાર્યવાહી: હોસ્પિટલની કેન્ટિનથી લઈ બેકરીના સપાટામાં, લાઈસન્સ સસ્પેન્ડ

2026-10-01 21:38:30
Author: Mumbai Samachar Team
મુંબઈ-પુણેમાં તહેવારો પહેલાં FDAની મોટી કાર્યવાહી: હોસ્પિટલની કેન્ટિનથી લઈ બેકરીના સપાટામાં, લાઈસન્સ સસ્પેન્ડ

મુંબઈ: તહેવારોની સિઝન પહેલાં મહારાષ્ટ્રના એફડીએએ ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં રાજ્યભરમાં 31 સંસ્થાના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં મુંબઈ વિભાગની 12 અને કોંકણ વિભાગની 12 સંસ્થાઓનો સમાવેશ થાય છે, જ્યારે પુણે વિભાગમાં છ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈમાં ખારની અન્નદાતા આહાર કેન્દ્ર, મઝગાંવની ન્યૂ ઇંગ્લિશ બેકરી અને સેન્ટ ફિલોમેના બેકરી, બે બ્લિંક કોમર્સ સુવિધાઓ, બોરીવલીની રાધા કૃષ્ણ ભોજનાલય, કુર્લાની સોડેક્સો ઈન્ડિયા સર્વિસિસ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની પી. આર. જેના કેટરર્સ અને ગોવંડીની શતાબ્દી હોસ્પિટલની કેન્ટીનના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અસ્વચ્છતા, જીવાતનો ઉપદ્રવ, ખાદ્ય પદાર્થોના અયોગ્ય સંગ્રહ અને સંચાલન તથા ફરજિયાત ખાદ્ય સુરક્ષા રેકોર્ડના અભાવ જેવી ખામીઓ મળી આવી હતી.

પુણેમાં પણ ખાદ્ય સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગીય તપાસ દરમિયાન હલકી ગુણવત્તાવાળા, અસુરક્ષિત અને ખોટા લેબલવાળા ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમાં બનાવટી અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતું 430 કિલોગ્રામ ચીઝ પણ સામેલ છે. આ ઉપરાંત 423 કિલોગ્રામ બદામ અને આશરે 5.27 લાખ રૂપિયાની કિંમતનો 2,398 કિલોગ્રામ સ્કિમ્ડ મિલ્ક પાવડર પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

મુંબઈ અને આસપાસના વિસ્તારમાં પણ ખાદ્ય સુરક્ષા અંગેની તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. તાજેતરની કાર્યવાહીમાં મુંબઈમાં અનેક હોટેલ, બેકરી અને અન્ય ખાદ્ય સંસ્થાઓ સામે સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોરીવલીની રાધાકૃષ્ણ હોટેલ સામે પણ ખાદ્ય સંબંધિત ફરિયાદ બાદ ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રે કાર્યવાહી કરી હતી.

28થી 30 સપ્ટેમ્બર વચ્ચેની ત્રણ દિવસીય રાજ્યવ્યાપી કાર્યવાહીમાં આશરે 3,902.20 કિલોગ્રામ શંકાસ્પદ, અસુરક્ષિત અને ખોટા લેબલવાળા ખાદ્ય પદાર્થો તથા 617 લિટર દૂધ જપ્ત કરવામાં આવ્યું હતું. 
આ જથ્થાની કુલ કિંમત આશરે 16.22 લાખ રૂપિયા હોવાનું વિભાગે જણાવ્યું છે. જપ્ત કરાયેલા પદાર્થોમાં મીઠાઈ, ચીઝ, ઘી, પનીર, મલાઈ , બદામ, સ્કિમ્ડ મિલ્ક પાવડર, ખાદ્ય તેલ, કાજુ, અજમો, માવો અને મમરાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્રતિબંધિત પાન મસાલા અને ગુટખા વિરુદ્ધ પણ પાંચ વિભાગમાં અલગ કાર્યવાહી કરવામાં આવી હતી. 19 સંસ્થાઓની તપાસમાં 18 સ્થળેથી પ્રતિબંધિત ઉત્પાદનો મળી આવ્યા હતા. 61.17 લાખ રૂપિયાનો જથ્થો અને 6.50 લાખ રૂપિયાના બે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 14 એફઆઈઆર નોંધાઈ, 18 લોકોની ધરપકડ કરવામાં આવી અને 13 સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી. 

ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રના કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું કે અસ્વચ્છ અને અસુરક્ષિત પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો તૈયાર કરનાર અથવા સમાપ્ત થયેલા તથા છેડછાડ કરાયેલા ખાદ્ય પદાર્થો વેચનાર સંસ્થાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે.