કોલકાતા: મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસના નામ અને મૂળ ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. જેમાં ટીએમસીમાં પડેલા ભંગાણ બાદ ચૂંટણી પંચે પેટાચૂંટણી માટે મમતા જૂથને 'ફૂટબોલ ખેલાડી'નું ચિહ્ન ફાળવ્યું હતું. તેમજ ટીએમસીના નામ અને મૂળ ચૂંટણી ચિહ્નને સ્થગિત કરી દીધું છે.
ચૂંટણી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ
મમતા બેનર્જીએ ચૂંટણી પંચના નિર્ણયને ગેરબંધારણીય અને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે પંચ પર રાજકીય દ્વેષભાવથી કામ કરવાનો આરોપ પણ મૂક્યો છે. મમતાએ ધ્યાન દોર્યું છે કે ચૂંટણી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી, ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા હતા અને ઉમેદવારોએ તેમના ચૂંટણી ચિહ્નો પણ રજૂ કરી દીધા હતા. ત્યારે આ તબક્કે પક્ષનું નામ અને મૂળ ચૂંટણી ચિહ્ન સ્થગિત કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો.
કાયદાકીય માધ્યમો દ્વારા સંઘર્ષ ચાલુ રાખશે
મમતાએ બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વચગાળાની વ્યવસ્થાને અંતિમ સમાધાન તરીકે સ્વીકારશે નહીં. તેમનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસની મૂળ ઓળખ અને જૂનું ચૂંટણી ચિહ્ન પાછું મેળવવા માટે તેઓ રાજકીય, લોકતાંત્રિક અને કાયદાકીય માધ્યમો દ્વારા સંઘર્ષ ચાલુ રાખશે.
મમતાના જુથને "મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ" નામ અપાયું
ચૂંટણી પંચે મમતાના નેતૃત્વવાળા તૃણમૂલ જૂથને "મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ" નામ અને "ફૂટબોલ ખેલાડી"નું ચૂંટણી ચિહ્ન ફાળવ્યું છે. આ દરમિયાન પંચના આદેશ મુજબ પેટાચૂંટણી માટે ટીએમસી (TMC)ના અરૂપ રોય જૂથને "ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ" નામ અને "પરબીડિયું" (એન્વલપ)નું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે.આ બંને જૂથોને પશ્ચિમ બંગાળ, મેઘાલય અને ત્રિપુરામાં માન્યતા પ્રાપ્ત પક્ષો તરીકે ઓળખવામાં આવશે.