Mon Oct 05 2026

Logo

ઓલિમ્પિક મેડલિસ્ટથી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવા સુધી! આસામની દીકરી લવલીના બોરગોહેનની પ્રેરણાદાયી સફર

2026-10-02 13:40:00
Author: Darshana Visaria
ઓલિમ્પિક મેડલિસ્ટથી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવા સુધી! આસામની દીકરી લવલીના બોરગોહેનની પ્રેરણાદાયી સફર

ભારતીય રમતોના ઈતિહાસમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. ભારતની સ્ટાર બોક્સર અને ઓલિમ્પિક મેડલિસ્ટ લવલીના બોરગોહેનએ આજે પોતાના જન્મદિવસે એશિયન ગેમ્સમાં મહિલાઓની 75 કિલોન કેટેગરીમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ (Gold Medal) પોતાના નામે કર્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર લવલીનાની સ્ટ્રગલ સ્ટોરી અને સક્સેસ સ્ટોરી ટ્રેન્ડ કરી રહી છે. 

રિંગમાં પોતાની લાંબી પહોંચ, ચપળ ફૂટવર્ક અને આક્રમક પંચિંગ પાવરના જોરે લવલીનાએ અપોનન્ટ બોક્સરને એકતરફી મુકાબલામાં હરાવી ભારત માટે સુવર્ણ પદક નિશ્ચિત કર્યો હતો. આ જીત માત્ર એક મેડલ નથી, પરંતુ આસામના એક નાના ગામડામાંથી નીકળીને વિશ્વ ફલક પર દેશનો ત્રિરંગો લહેરાવનારી દીકરીના અડગ મનોબળ અને ત્યાગની જીત છે.

75 કિલો વજન કેટેગરીમાં ફાઇનલ મેચમાં લવલીનાએ શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. તેણે ડિફેન્સ અને કાઉન્ટર એટેકનું ઉત્તમ સંતુલન દર્શાવીને જજો તરફથી નિર્ણાયક પોઈન્ટ્સ મેળવ્યા હતા. આ ગોલ્ડ મેડલ સાથે લવલીનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભારતીય બોક્સિંગની સૌથી વિશ્વસનીય અને તાકાતવર રમતવીરો પૈકીની એક છે.

આસામના ગોલાઘાટ જિલ્લાના બરોમુખીયા ગામમાં જન્મેલી લવલીનાએ બાળપણમાં ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેના પિતા ટિકેન બોરગોહેન એક નાનો બિઝનેસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લવલીના અને તેની જોડિયા બહેનોએ શરૂઆતમાં માર્શલ આર્ટની ગેમ મ્યુથાઈથી રમતગમતની સફર શરૂ કરી હતી. 

એક વખત લવલીનાના પિતા ટિકેન મિઠાઈ લાવ્યા અને આ મિઠાઈ જે ન્યુઝપેપરમાં વીંટાળીને લાવવામાં આવી હતી તેમાં જાણીતા બોક્સર મોહમ્મદ અલી વિશે લખવામાં આવ્યું હતું. મોહમ્મલ અલી વિશે વાંચીને લવલીનાના મનમાં બોક્સર બનવાની ઈચ્છા જાગી. 

આ જ દરમિયાન ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (SAI)ના કોચ પદુમ બોરોની નજર લવલીનાની પ્રતિભા પર પડી અને તેને બોક્સિંગમાં લાવવામાં આવી હતી. ટોક્યો ઓલિમ્પિક્સ દરમિયાન જ્યારે તેની માતા ગંભીર કિડનીની બીમારી સામે લડી રહી હતી, ત્યારે પણ લવલીનાએ દેશ માટે ફોકસ ગુમાવ્યા વિના રિંગમાં ઉતરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

લવલીના બોરગોહેનની મુખ્ય સિદ્ધિઓ:
ટોક્યો ઓલિમ્પિક્સ (2020): મહિલા વેલ્ટરવેઇટ (69 કિગ્રા) માં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક મેડલ જીતનારી ત્રીજી ભારતીય બોક્સર બની (મેરી કોમ અને વિજેન્દર સિંહ પછી).
વર્લ્ડ ચેમ્પિયનશિપ: 2023 નવી દિલ્હી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 75 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો.
એશિયન ગેમ્સ અને ચેમ્પિયનશિપ્સ: એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અનેક પદકો જીતીને એશિયાઈ સ્તરે સતત દબદબો જાળવી રાખ્યો.