ભુજઃ સરહદી જિલ્લા કચ્છને અવકાશી વિજ્ઞાન અને બ્રહ્માંડના રહસ્યો સમજવા માટે ટૂંક સમયમાં એક ભવ્ય ભેટ મળવા જઈ રહી છે. આગામી રવિવાર, ૨૬ એપ્રિલના રોજ ભુજ પાસેના પાલારા ખાતે કચ્છના પ્રથમ પ્લેનેટોરિયમ અને વેધશાળા સંકુલનું ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ યોજાશે.
ભુજ-ખાવડા માર્ગ પર અદિતી નગર, પાલારા ખાતે નિર્માણ પામનારા આ પ્રકલ્પનું ભૂમિપૂજન કચ્છના રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના હસ્તે સવારે ૧૦ વાગ્યે કરવામાં આવશે. આ સંકુલમાં ‘મહારાવ પ્રાગમલજી ત્રીજા પ્લેનેટોરિયમ’, ‘કાંતિસેન-ચંદાબહેન શ્રોફ ઓડિટોરિયમ’ અને અત્યાધુનિક ‘સૂર્ય તથા તારા વેધશાળા’નો ત્રિવેણી સંગમ રચાશે. આ ભગીરથ કાર્ય ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી (મુંબઈ) ના સંચાલન અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીની માન્યતા સાથે સાકાર થઈ રહ્યું છે.
આ પરિકલ્પના સ્વપ્નદ્રષ્ટા અને જાણીતા વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલે વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છનું નિર્મળ અને પ્રદૂષણમુક્ત આકાશ ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે આખા દેશમાં આદર્શ છે. તેમણે ઉમેર્યું કે, ભારત જ્યારે ચંદ્રયાન અને ગગનયાન જેવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, ત્યારે કચ્છ વૈશ્વિક ‘કોસ્મિક નકશા’ પર ઉભરી આવે તે માટે આ યોગ્ય સમય છે. સદીઓથી તારાઓના સહારે દરિયો ખેડનારા કચ્છીઓ માટે હવે આ જ તારાઓ નવી પેઢીના અભ્યાસનું કેન્દ્ર બનશે.આ સંકુલ માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. કચ્છની ભૌગોલિક સ્થિતિ અને પ્રવાસન ક્ષમતાને ધ્યાને રાખીને આ સ્થાનની પસંદગી કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)