Thu Apr 23 2026

Logo

કચ્છમાં છેલ્લા 24 કલાકમાં છ અપમૃત્યુની ઘટના પ્રકાશમાં આવી, ચાર જણે કર્યો આપઘાત

2026-04-23 16:31:21
Author: Vimal Prajapati
Article Image

ભુજ: કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અપમૃત્યુના બનેલા અલગ-અલગ બનાવોમાં છ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ કરૂણ ઘટનાઓમાં ચાર લોકોએ આપઘાત દ્વારા જીવન ટૂંકાવ્યું છે, જ્યારે બે વ્યક્તિઓના અકસ્માત અને વીજશોકને કારણે મોત નીપજ્યા છે. કચ્છમાં આપઘાતના સતત વધતા જતા કિસ્સાઓએ ચિંતા જગાવી છે.

મળતી વિગતો પ્રમાણે, માંડવી તાલુકાના નાગ્રેચા ગામની સીમમાં ગઈકાલે સવારે કાદર હાસમ માંજોઠી નામના વૃદ્ધ પશુપાલક બકરા ચરાવતી વખતે લીમડાના ઝાડ પર ડાળીઓ કાપવા ચડ્યા હતા. આ દરમિયાન ઝાડ પરથી પસાર થતી વીજલાઇનમાંથી જોરદાર કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. ગઢશીશા હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

આદિપુર ખાતેની સાધુ વાસવાણી કુંજ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક પ્રિતમદાસ લખવાણી (આધેડ) પોતાની મોટરસાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન જુમાપીર ફાટક પાસે અચાનક ભેંસ આડી ઉતરતા મોટરસાઇકલ સ્લિપ થઈ ગઈ હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેઓએ ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

આપઘાતના ચારના બનાવવાના કારણે

કચ્છમાં આપઘાતના એકસાથે બનેલા ચાર-ચાર બનાવોથી અરેરાટી પ્રસરી જવા પામી છે. રાજનગર ભુજ શહેરના જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યોગેશ રવજી સોલંકીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ભુજ એ-ડિવિઝન પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જયારે બંદરીય મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ખાતેની અદાણી લેબર કોલોનીમાં એક જ દિવસે આપઘાતના બે બનાવો બનતા સનસનાટી મચી ગઈ છે. 

ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી 

અગાઉ પશ્ચિમ બંગાળના યુવાને જીવ દીધા બાદ, મૂળ બિહારના 23 વર્ષીય યુવાન મોહમદ સલામ અલાઉદીને પણ કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઉપરાંત ભચાઉના જંગી ગામના હાજીનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય પ્રેમજી વશરામ સોલંકીએ ગત બપોરના અરસામાં પોતાના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ચોથો આપઘાતનો બનાવ અંજાર તાલુકાના નગાવલાડિયા ગામે બહાર આવ્યો હતો જેમાં 46 વર્ષીય મહિલા કંકુબેન જગદીશ મરંડનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તમામ કિસ્સાઓમાં અકસ્માત મોત (એડી) હેઠળ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.