Thu Apr 23 2026

Logo

ભરુચની ઝઘડિયા GIDCની કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગઃ અનેક કામદારો દાઝ્યાં

2026-04-23 16:19:11
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભરુચઃ
જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વસાહત વિસ્તાર (જીઆઈડીસી)માં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીના પ્લાન્ટમાં એક ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. 

જોકે, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં કેમિકલ યુનિટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતાં.

આ આગની ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા અનેક કામદારો ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેમને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની તથા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. 

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્ફોટ પાછળના ચોક્કસ કારણો જાણવા માટે એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 
આગ લાગવા માટે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કેમિકલનો પ્લાન્ટ હોવાથી સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.