ભુજઃ દેશના અગ્રણી ઔદ્યોગિક અને દરિયાઈ વેપાર કેન્દ્ર તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં એર કનેક્ટિવિટીને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કંડલા નજીક એક અત્યાધુનિક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) સહિત પૂર્વ કચ્છના સતત વિસ્તરતા ઔદ્યોગિક હબની જરૂરિયાતોને પહોંચી વળવા આ મેગા પ્રોજેક્ટનું આયોજન હાથ ધરાયું છે.
હાલ કંડલા ખાતે કાર્યરત એરપોર્ટ પર રન-વે વિસ્તરણ તેમજ બોઈંગ અને એરબસ શ્રેણીના વિશાળ પેસેન્જર કે કાર્ગો વિમાનોના સંચાલન માટે જમીનની મર્યાદાઓ અવરોધરૂપ બની રહી છે. આ તકનીકી અડચણોને કાયમી ધોરણે દૂર કરવા માટે સૂચિત નવા સ્થળે વિશાળ જમીન સંપાદન કરી વિશ્વકક્ષાનું ગ્રીનફિલ્ડ હવાઈ મથક ઊભું કરવાની યોજના ઘડાઈ છે. નવા એરપોર્ટ પર નાઈટ લેન્ડિંગ સુવિધા, આધુનિક પેસેન્જર ટર્મિનલ, એડવાન્સ નેવિગેશન સિસ્ટમ અને માલવાહક વિમાનો માટે વિશેષ કાર્ગો હેન્ડલિંગ ટર્મિનલ વિકસાવવામાં આવશે.
કંડલા, ગાંધીધામ, અંજાર અને મુંદરા પટ્ટામાં આવેલા ટિમ્બર, સ્ટીલ, કેમિકલ્સ અને શિપિંગ ઉદ્યોગોના કારણે અહીં દેશ-વિદેશના રોકાણકારો તેમજ ઉદ્યોગપતિઓની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ સાકાર થવાથી મુંબઈ અને નવી દિલ્હી જેવા મેટ્રો શહેરો સાથે મોટા વિમાનોની સીધી હવાઈ સેવા ઉપલબ્ધ બનશે, જે કચ્છના ઔદ્યોગિક વિકાસ, રોજગારી અને સરહદી પ્રવાસન માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
(ઉત્સવ વૈદ્ય)