Thu Oct 08 2026

Logo

પડતર પ્રશ્નો મામલે કચ્છના ગ્રામસેવકો આંદોલનના માર્ગે, આજથી સરકારી વ્હોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થશે

2026-09-14 11:27:00
Author: Mumbai Samachar Team
પડતર પ્રશ્નો મામલે કચ્છના ગ્રામસેવકો આંદોલનના માર્ગે, આજથી સરકારી વ્હોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થશે

ભુજઃ ગ્રામસેવક સંવર્ગના લાંબા સમયથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતાં કચ્છ જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા આંદોલનનું બ્યૂગલ ફૂંકી દેવામાં આવ્યું છે. રાજ્ય મહામંડળના આદેશ મુજબ આંદોલનના પ્રથમ તબક્કા તરીકે આજથી ગ્રામસેવકો તમામ સત્તાવાર સરકારી વ્હોટ્સએપ ગ્રૂપમાંથી 'લેફ્ટ' થઈને વિરોધ નોંધાવશે.

કચ્છ જિલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા આ સંદર્ભે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને વિધિવત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો પડતર પ્રશ્નોનો ત્વરિત અને હકારાત્મક ઉકેલ નહીં આવે, તો ગ્રામસેવકો વહીવટી તેમજ ખેડૂતલક્ષી તમામ કામગીરીઓથી અળગા રહેશે.

મંડળ દ્વારા જાહેર કરાયેલા આંદોલનાત્મક કાર્યક્રમોની રૂપરેખા મુજબ, 21 સપ્ટેમ્બરે તમામ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે, તારીખ 25 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી 'પેન ડાઉન' હડતાળ પળાશે, ત્યારબાદ 1લી ઓક્ટોબરે તમામ ગ્રામસેવકો માસ સીએલ પર ઊતરશે અને જો તેમ છતાં પ્રશ્નો નહીં ઉકેલાય તો ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની સંપૂર્ણ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે. પાયાના કર્મચારીઓના આ આક્રમક વલણથી ગ્રામીણ કક્ષાએ ખેતીવાડી અને પંચાયતની કામગીરી પ્રભાવિત થવાની ભીતિ સેવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)