Thu Oct 08 2026

Logo

કોટેશ્વરના પ્રતિબંધિત ‘નો-ગો ઝોન’માં ઘૂસણખોરી કરતા ઝારખંડ, યુપી અને બિહારના ત્રણ શંકાસ્પદ યુવકોની અટકાયત

2026-04-05 11:40:00
Author: Mayur Patel
કોટેશ્વરના પ્રતિબંધિત ‘નો-ગો ઝોન’માં ઘૂસણખોરી કરતા ઝારખંડ, યુપી અને બિહારના ત્રણ શંકાસ્પદ યુવકોની અટકાયત

Artificial Intelligence (AI) generated image


સંતોષકારક જવાબ ન મળતા સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોતરાઈ 

ભુજઃ  પાકિસ્તાનને અડીને આવેલી કચ્છ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા એજન્સીઓ અત્યંત સતર્ક છે ત્યારે પશ્ચિમ કાંઠાના અંતિમ મથક કોટેશ્વરના સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ પરપ્રાંતીય યુવકોને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ઝડપી પાડતા વિવિધ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.  કોઈ પણ પ્રકારની પરવાનગી વિના બીએસએફના નિયંત્રિત ક્ષેત્રમાં પ્રવેશવા બદલ આ ત્રણેય વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો નોંધી ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પશ્ચિમ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એલસીબીની ટુકડી નારાયણ સરોવર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, કોટેશ્વર સ્થિત સીમા સુરક્ષા દળના પ્રતિબંધિત ક્ષેત્રમાં ત્રણ અજાણ્યા ઈસમો શંકાસ્પદ રીતે ફરી રહ્યા છે. પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડી રોહિતકુમાર સંતોષ મોદી (ઝારખંડ), અંકિત કમલેશ તિવારી (ઉત્તરપ્રદેશ) અને અભિષેક કુમાર રવીન્દ્રસિંહ (બિહાર)ની અટકાયત કરી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી, પરંતુ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અંગે તેઓ કોઈ સંતોષકારક કારણ આપી શક્યા નહોતા. પકડાયેલા યુવકો ખરેખર ભૂલથી આ પ્રતિબંધિત વિસ્તારમાં આવી ગયા હતા કે કોઈ ચોક્કસ મનસૂબા સાથે ઘૂસ્યા હતા તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની ભૂમિ અને જળ સરહદ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે. પાછલા કેટલાક વર્ષોમાં અહીં શંકાસ્પદ હિલચાલમાં વધારો થયો છે.થોડા દિવસો પૂર્વે લખપતના અંતરિયાળ વિસ્તારમાં કાશ્મીરી યુવાનોની ચહલપહલ જોવા મળી હતી, જયારે મધ્યપ્રદેશના બે સગીરોએ ભુજના પ્રતિબંધિત વિસ્તારોના વીડિયો ઉતારી સરહદ પાર મોકલ્યા હોવાનો પર્દાફાશ મધ્યપ્રદેશ પોલીસે કર્યો હતો. ફાળો માંગવાના નામે ભુજના ગેસ્ટહાઉસમાંથી મળી આવેલા એક કાશ્મીરી પરિવારની શંકાસ્પદ અવરજવર પોલીસ ચોપડે નોંધાઈ ચુકી છે.

સતત બનતી આવી સંદેહજનક ઘટનાઓ જોતા સરહદ પારના આતંકી દેશ દ્વારા કચ્છની સુરક્ષા વ્યવસ્થાની જાસૂસી કરવામાં આવી રહી હોવાની આશંકા સેવાઈ રહી છે

(ઉત્સવ વૈદ્ય)