Tue Oct 06 2026

Logo

મહિલા તીરંદાજીની સર્વોત્તમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ સાથે ભારતના ‘કુમકુમ પગલાં'

Nagoya   2026-10-03 09:35:00
Author: Ajay Motiwala
મહિલા તીરંદાજીની સર્વોત્તમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ સાથે ભારતના ‘કુમકુમ પગલાં'

મહારાષ્ટ્રની કુમકુમ મોહોડે દેશને રિકર્વ ઇન્ડિવિજ્યૂઅલનો સૌપ્રથમ સુવર્ણચંદ્રક અપાવીને રચ્યો ઈતિહાસ


નાગોયા: જાપાનની એશિયન ગેમ્સમાં ભારતની 17 વર્ષીય કુમકુમ અનિલ મોહોડે નવો ઇતિહાસ રચ્યો છે. આ ટીનેજ ધનુર્ધરે મહિલાઓની તીરંદાજીમાં રિકર્વ વ્યક્તિગત વર્ગની હરીફાઈમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તે આ વખતની એશિયન ગેમ્સમાં ત્રણ મેડલ જીતીને સુપરસ્ટાર પર્ફોર્મર બની છે.

1978માં આ વર્ગ (મહિલાઓની તીરંદાજીમાં રિકર્વ વ્યક્તિગત)ની હરીફાઈ શરૂ થઈ ત્યાર બાદ ભારતની કોઈપણ મહિલા તીરંદાજ આ વર્ગમાં એકેય મેડલ પણ નહોતી જીતી. જોકે મહારાષ્ટ્રના અમરાવતી શહેરની કુમકુમે ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે શનિવારનો દિવસ સુવર્ણ દિન બનાવ્યો છે.

શુક્રવારે કુમકુમ (Kumkum)એ રિકર્વની ટીમ હરીફાઈમાં અંકિતા ભકત અને કીર્તિ શર્મા સાથે મળીને ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. એ ઉપરાંત, મિક્સ્ડ ઇવેન્ટમાં તેણે ધીરજ બોમ્માદેવરા સાથેની જોડીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. એ રીતે કુમકુમે મેડલની ઐતિહાસિક હૅટ-ટ્રિક પણ કરી છે.

5-5ની બરાબરી બાદ કુમકુમનો વિજય

વિમેન્સ રિકર્વ (Recurve) ઇન્ડિવિજયૂઅલ ઇવેન્ટમાં કુમકુમ અને સાઉથ કોરિયાની ઓહો યેજીન પાંચમા સેટને અંતે 5-5ની બરાબરીમાં રહી હતી. ગોલ્ડ મેડલ વિજેતા નક્કી કરવા માટે શૂટ-ઑફ રાખવામાં આવ્યું હતું. એમાં બંને સ્પર્ધકે પોતાના ધનુષ્ય બાણથી એક-એક વખત તીર છોડવાનું હતું. કોરિયાની યેજીનના આઠ નંબર પરના શૉટ સામે છેલ્લે કુમકુમે 10 નંબરને અચૂક નિશાન બનાવ્યું હતું અને આ ફાઈનલ હરીફાઈ 6-5થી જીતી લીધી હતી.

‘ભારત માતા કી જય'થી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું

કુમકુમે ફાઇનલ જીતી લેતાં જ સ્ટૅન્ડમાં બેઠેલા ભારત-તરફી પ્રેક્ષકોએ ‘ભારત માતા કી જય' અને ‘વંદે માતરમ'ના નારાંથી કુમકુમની જીત વધાવી લીધી હતી.

કુમકુમ આ રિકર્વ ઇવેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી ત્યારે જ તેણે ભારત માટે 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ માટે આ ઇવેન્ટમાં એન્ટ્રી (ઑલમ્પિક ક્વોટા) અપાવી દીધી હતી.

અગાઉ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી હતી

કુમકુમે એ પહેલાં, સેમિ ફાઈનલમાં ચીનની ઝુ જિંગયીને 6-2થી પરાજિત કરીને ફાઈનલમાં ઐતિહાસિક પ્રવેશ મેળવ્યો હતો. કુમકુમે ક્વૉર્ટર ફાઈનલમાં સાઉથ કોરિયાની વર્લ્ડ અને ઑલિમ્પિક ચેમ્પિયન કાન્ગ ચેયન્ગને 6-4થી હરાવીને સનસનાટી મચાવી દીધી હતી.

ભારત 17 ગોલ્ડ મેડલ સાથે પાંચમા નંબરે

એશિયન ગેમ્સ 2026ના મેડલ ટેબલમાં ભારત શુક્રવારે 16 ગોલ્ડ મેડલ સહિત કુલ 76 ચંદ્રક સાથે પાંચમા નંબરે આવી ગયું હતું અને શનિવારે 17મો ગોલ્ડ મેડલ (કુલ 77મો ચંદ્રક) જીતીને એ સ્થાન જાળવી રાખ્યું હતું.

ચીન 162 ગોલ્ડ સાથે પ્રથમ નંબરે

(1) ચીન: 162 ગોલ્ડ, 81 સિલ્વર, 73 બ્રોન્ઝ, કુલ 316 (2) જાપાન: 72 ગોલ્ડ, 83 સિલ્વર, 85 બ્રોન્ઝ, કુલ 240 (3) સાઉથ કોરિયા: 33 ગોલ્ડ, 39 સિલ્વર, 62 બ્રોન્ઝ, કુલ 134 (4) ઉઝબેકિસ્તાન: 20 ગોલ્ડ, 23 સિલ્વર, 22 બ્રોન્ઝ, કુલ 65 (5) ભારત: 17 ગોલ્ડ, 25 સિલ્વર, 35 બ્રોન્ઝ કુલ 77.