Fri Apr 17 2026

Logo

મહારાષ્ટ્રના ૨૩ જિલ્લામાં હીટવેવની ચેતવણીઃ એડવાઈઝરી જારી કરાઈ

2026-04-17 17:46:31
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ૨૩ જિલ્લાઓ માટે હીટવેવ એલર્ટ જારી કર્યું છે, તેથી, સરકાર લોકોને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી રહી છે. 

આપત્તિ વ્યવસ્થાપન ખાતાના પ્રધાન ગિરીશ મહાજને મહારાષ્ટ્રના રહેવાસીઓને ખાસ કરીને બપોરે 12:00 થી 4:00 વાગ્યાની વચ્ચે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા વિનંતી કરી છે. વધુમાં, જો બહાર જવું જ પડે તો ટોપી અથવા રૂમાલથી માથું ઢાંકવા માટે કહ્યું હતું. 

દિવસ દરમિયાન શક્ય તેટલું પાણી પીવો. ગરમીમાં મીટિંગો અથવા દેખાવો મુલતવી રાખો,જો કરવું જરૂરી હોય તો પાંચ વાગ્યા પછી કરો.  ગિરીશ મહાજને જણાવ્યું હતું કે અમે ખાતરી કરી છે કે રાજ્યભરમાં પૂરતા પ્રમાણમાં તબીબી સહાય ઉપલબ્ધ હોય, એમ તેમણે જણાવ્યું હતું.

હવામાન વિભાગે પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, ધુલે, જલગાંવ, નાસિક, અહિલ્યાનગર, સતારા, સાંગલી, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, અકોલા, અમરાવતી, બુલધાણા અને  વર્ધા માટે હીટ વેવની ચેતવણી જાહેર કરી છે.
ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) જણાવ્યું છે કે આજે કોંકણ ક્ષેત્રમાં કેટલાક સ્થળોએ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 18 એપ્રિલ સુધી અને વિદર્ભમાં 19 એપ્રિલ સુધી હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની સંભાવના છે. 

માલેગાંવ શહેર અને તાલુકામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગુરુવારે, પારો 43.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો, જે આ ઉનાળાની ઋતુમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ઉપરાંત, સાંગલી અને સોલાપુર જિલ્લામાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.