Mon Oct 05 2026

Logo

આવતી કાલે હોસ્ટ બેટન અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે

2026-08-01 18:02:02
Author: Pooja Shah
આવતી કાલે હોસ્ટ બેટન અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે

અમદાવાદઃ ગ્લાસગો ખાતે હાલમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા છે. ગ્લાસગો ખાતે  કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહ દરમિયાન રવિવારે હોસ્ટ બેટન અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ઔપચારિક રીતે અમદાવાદને સોંપવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણ સાથે અમદાવાદની 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદ તરફની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

કોમનવેલ્થ સંગઠન આ બાબતે જણાવે છે કે, આ બેટન કોમનવેલ્થના તમામ 74 રાષ્ટ્રો અને પ્રદેશોમાંથી પસાર થાય છે. દરેક રાષ્ટ્ર અને પ્રદેશ માટે એક બેટન બનાવાશે. જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અને સર્જનાત્મકતા સાથે તેને પોતાની રીતે શણગારી શકશે. ગ્લાસગોમાં યોજાનાર આ હેન્ડઓવર સેગમેન્ટ ત્રણ એક્ટમાં ભજવવામાં આવશે. પ્રથમ એક્ટ 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો હશે.

જ્યારે એક્ટ બીજો એ શાસ્ત્રીય ભારતીય જુગલબંદી હશે. સિતારવાદક રિષભ રિખીરામ શર્મા અને સ્કોટીશ પાઇપ પ્લેયર રોસ એન્સલી વચ્ચે જુગલબંધી રચાશે. જે ગ્લાસગો 2026 ને અમદાવાદ 2030 સાથે જોડશે. જ્યારે છેલ્લા એક્ટમાં સમગ્ર ભારતની યાત્રા દર્શાવવામાં આવશે. જેમાં ખાસ કરીને ગુજરાતની વાત હશે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.