અમદાવાદઃ રાજ્યમાં ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ જમાવટ કરી છે. આજે પણ રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. કચ્છના અબડાસા પર મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આજે ક્યાં છે ભાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લૉ પ્રેશર સક્રિય થવાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. બેટ દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં તેની વધુ અસર જોવા મળશે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, લો પ્રેશર એરિયા, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું જોર વધી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એક તાલુકામાં 6 ઇંચથી વધારે, એક તાલુકામાં 2 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 105 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ, અબડાસામાં 2.13 ઇંચ, મુન્દ્રામાં 1.69 ઇંચ, નખત્રાણામાં 1.30 ઇંચ, ભુજમાં 1.26 ઇંચ, લખતપતમાં 0.91 ઇંચ, ઓખામંડળમાં 0.91 ઇંચ, ખંભાળિયામાં 0.91 ઇંચ, સિહોરમાં 0.71 ઇંચ, ગાંધીધામમાં 0.63 ઇંચ, નડિયાદમાં 0.63 ઇંચ, સુરત શહેરમાં 0.59 ઇંચ, અંજારમાં 0.55 ઇંચ, ગારિયાધારમાં 0.51 ઇંચ, કપરાડામાં 0.47 ઇંચ, પોરબંદરમાં 0.43 ઇંચ, ખેરગામમાં 0.43 ઇંચ, પાટણમાં 0.39 ઇંચ, જામનગરમાં 0.35 ઇંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કોઈ મોટા પાયે ભારે વરસાદ કે મેઘગર્જનાની આગાહી કરવામાં આવી નથી. અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે.
પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચાર સાથે ખાસ વાત કરતાં જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ ધીમે-ધીમે આગળ વધી રહી હોવાથી 16 તારીખ સુધી ગુજરાતભરમાં સક્રિય રહેશે. 16 તારીખે મોડી રાત સુધી વરસાદ ચાલુ રહ્યા બાદ 17 તારીખથી વાતાવરણ ફરી ચોખ્ખું થવાની શક્યતા છે.
આમ, એક તરફ ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદના હળવા ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે, તો બીજી તરફ 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટેની સ્થિતિ અનુકૂળ બની રહી છે. હવે આગામી દિવસોમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા ગુજરાતના હવામાન પર કેવી અસર કરે છે તે જોવાનું મહત્ત્વનું બની રહેશે.
રાજ્યમાં હજુ પણ કુલ વરસાદની સરખામણીએ આશરે 10 ટકાની ઘટ નોંધાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની ઘટ આશરે 25 ટકા હોવાનું જણાવાયું છે. આગામી દિવસોમાં થનારા વરસાદથી આ ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે.