મિતાલી મહેતા
અર્જુન અને પ્રિયાએ જ્યારે પોતાનું પહેલું ઘર ખરીદ્યું, ત્યારે તેમણે નક્કી કર્યું કે આગામી થોડાં વર્ષો સુધી તે ખર્ચમાં સંયમ રાખશે, પરંતુ જીવનના પોતાના જ આયોજન હોય છે.
નવા ઘર માટે ફર્નિચરની જરૂર હતી એટલે ‘EMIપર ખરીદી કરી. થોડા મહિનાઓ પછી નવું સ્માર્ટ ટેલિવિઝન આવ્યું. ત્યારબાદ સ્માર્ટફોન અપગ્રેડ થયો. પછી ‘ઝીરો ઇન્ટરેસ્ટ EMIપર પરિવાર સાથે વેકેશનનું આયોજન થયું અને અંતે નવી કાર પણ લોન પર ખરીદી....
એ વખતે દરેક નિર્ણય તેમને એકદમ યોગ્ય લાગતો હતો:
* ‘માત્ર ₹3,500નો જ EMI છે.’
* ‘આનો હપ્તો તો ફક્ત ₹2,800 છે.’
* ‘વ્યાજ પણ નથી લાગતું!’
અલગ-અલગ રીતે જોઈએ તો કોઈ પણ EMI મોટી લાગતી નહોતી. પણ જ્યારે આ બધા હપ્તા એકસાથે જોડાયા ત્યારે તેમની માસિક આવકનો મોટો હિસ્સો દર મહિને પગાર ખાતામાં જમા થાય તે પહેલાં જ ખર્ચાઈ જવાનો નક્કી થઈ જતો હતો. બચત, રોકાણ કે અચાનક ઊભા થતા ખર્ચા માટે બહુ ઓછી જગ્યા બચતી હતી.
અર્જુન અને પ્રિયા પોતાની આવક કરતાં વધારે ખર્ચ નહોતાં કરતાં, પણ તે પોતાના કેશ ફ્લો કરતાં વધારે જવાબદારીઓ ઊભી કરી રહ્યા હતા.
ભૂલ ક્યાં થાય છે? EMI આધારે ખરીદીનો નિર્ણય લેવો
ઘણી વખત લોકો કોઈ વસ્તુ ખરીદવી પરવડે છે કે નહીં, તેનો નિર્ણય તેની કુલ કિંમતને બદલે માત્ર માસિક EMI જોઈને કરે છે.
કંપનીઓ પણ આ મનોવિજ્ઞાન સારી રીતે જાણે છે.
₹1.5 લાખની વસ્તુ એકસાથે ખરીદવામાં મોંઘી લાગે છે, પણ એ જ વસ્તુ જ્યારે માત્ર ₹4,999 પ્રતિ મહિનો તરીકે રજૂ થાય, ત્યારે તે સહેલાઈથી પરવડે તેવી લાગે છે.
ધીમે-ધીમે ધ્યાન વસ્તુની કુલ કિંમત પરથી હટીને માત્ર માસિક હપ્તા પર કેન્દ્રિત થઈ જાય છે. પરિણામે, એક પછી એક અનેક ઊખઈં લેવામાં આવે છે. દરેક ઊખઈં અલગથી નાની લાગે છે, પરંતુ સાથે મળીને તે મોટો નાણાકીય બોજ બની જાય છે.
આવું કેમ થાય છે?
EMI મોટી ખરીદીને સરળ બનાવી દે છે, કારણ કે તેનો ખર્ચ લાંબા સમયગાળામાં વહેંચાઈ જાય છે. લોન લેવી હંમેશા ખોટી નથી.
ઘર ખરીદવા કે ઉચ્ચ શિક્ષણ માટે લેવાયેલી લોન ઘણી વખત સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનશૈલીમાં થતા લગભગ દરેક સુધારા માટે EMIનો સહારો લેવામાં આવે ત્યારે સમસ્યા શરૂ થાય છે. સમય જતાં આવા અનેક હપ્તા ભેગા થઈને તમારી નાણાકીય અનુકૂળતા ઘટાડે છે અને બચત તથા રોકાણ કરવાની ક્ષમતાને મર્યાદિત કરી દે છે.
છૂપી કિંમત: ગુમાવેલી તક
વધારે પડતી EMIની સૌથી મોટી કિંમત માત્ર ચૂકવવામાં આવતું વ્યાજ નથી. સૌથી મોટી કિંમત છે ગુમાવેલી એકથી વધુ તકો, જે રકમ દર મહિને હપ્તા ચૂકવવામાં વપરાઈ જાય છે, તેને ભવિષ્ય માટે રોકી શકાતી નથી. આના કારણે ઈમર્જન્સી ફંડ બનાવવું, નિવૃત્તિ માટે ભંડોળ ઊભું કરવું કે અન્ય લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ કરવા મુશ્કેલ બની જાય છે.
આ બધા વચ્ચે વિડંબના એ છે કે આજે જે સગવડ આપણને ખરીદી સરળ બનાવી આપે છે, તે જ આવતીકાલની નાણાકીય સ્વતંત્રતાને ગુપચુપ પાછળ ધકેલી દે છે.
મુખ્ય શીખ
સગવડ માટે નહીં, જરૂરિયાત માટે લોન લો.
કોઈપણ નવી EMI શરૂ કરતા પહેલાં પોતાને આ પ્રશ્નો પૂછો:
1) જો EMIની સુવિધા ન હોત, તો શું હું આ વસ્તુ રોકડા પૈસા આપીને ખરીદત ખરો?
2) શું આ ખરીદી ખરેખર અનિવાર્ય જરૂરિયાત છે કે માત્ર ક્ષણિક આવેશ-ઇચ્છા છે?
3) શું આ EMIને કારણે મારી નિયમિત બચત અને રોકાણ પર અસર પડશે?
4) જો થોડા મહિનાઓ માટે મારી આવકમાં ઘટાડો થાય, તો શું હું આ હપ્તા સરળતાથી ભરી શકીશ ખરો?
ઘણી વખત થોડા મહિના રાહ જોઈને, પૈસા બચાવીને ખરીદી કરવી, તે તાત્કાલિક EMI પર ખરીદી કરવા કરતાં વધુ સમજદારીભર્યો નિર્ણય સાબિત થાય છે.
નિષ્કર્ષ
EMI એક ઉપયોગી નાણાકીય સાધન છે. નાણાકીય આયોજનનો વિકલ્પ નથી. સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે મહત્ત્વના જીવનલક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ બને છે, પરંતુ બેદરકારીથી લેવામાં આવેલી અનેક EMI ધીમે-ધીમે તમારી આવક પર કબજો જમાવી લે છે.
આ વિષચક્ર્માંથી છૂટવું હોય તો યાદ રાખો, નાણાકીય સ્વતંત્રતા એ વાતથી નક્કી થતી નથી કે તમે EMI પર કેટલી વસ્તુઓ ખરીદી શકો છો, પણ એ વાતથી નક્કી થાય છે કે તમારી માસિક આવકનો કેટલો ભાગ ખરેખર તમારો પોતાનો છે.