રાજેશ યાજ્ઞિક
આપણા સમાજમાં એક વિચિત્ર માનસિકતા પ્રવર્તે છે. સામાન્ય રીતે કોઈ પાતળું હોય તો કહેશે, `કેમ તને ઘરમાં ખાવા નથી આપતાં?'
બીજી તરફ બધાને ફિલ્મનો હીરો હીરોઈન તો સ્લિમ એન્ડ ટ્રિમ જ જોઈએ!! પણ એક સ્થિતિ એવી છે, જેમાં ખાવું ન હોય, એ પોતે જ એક બીમારી હોય છે. ચાલો, તેના વિશે જાણીએ.
આપણે જેના વિશે વાત કરી રહ્યાં છીએ તે છે એનોરેક્સિયા નર્વોસા (Anorexia nervosa ). જોકે, તેને બીમારી કહેવાને બદલે વિકાર કહેવો વધુ યોગ્ય છે. એનોરેક્સિયા નર્વોસા એ ખાવા-પીવાને લગતી એક વિકૃતિ અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે જે તમને તમારા ખોરાકના પ્રમાણને મર્યાદિત કરવા પ્રેરે છે. એનોરેક્સિયાથી પીડાતી વ્યક્તિઓ તેમના શરીરનું વજન શક્ય તેટલું ઓછું રાખવા માટે ખોરાકનું પ્રમાણ ઘટાડી દે છે.
તેમને સતત એ ભય હોય છે કે ક્યાંક મારૂં વજન વધી તો નહીં જાય ને? એનોરેક્સિયા (Anorexia)નો અર્થ ખાવાની ઇચ્છા ન થવી એવો થાય છે, પરંતુ આ સ્થિતિ તેના કરતાં ઘણી વધારે ગંભીર છે. તે માનસિક સ્વાસ્થ્યને લગતી એક સિરિયસ સમસ્યા છે, જે ખાવા-પીવા, વજન અને શરીરના દેખાવ (બોડી ઈમેજ) વિશેના નકારાત્મક વિચારો અને લાગણીઓમાંથી ઉદ્ભવે છે. વજન વધતું અટકાવવા અથવા વજન ઘટાડવાનું ચાલુ રાખવા માટે,
- એનોરેક્સિયાના પ્રકાર
વ્યક્તિ જ્યારે ખોરાક માર્યાદિત કરી નાખે, વજન સમતોલ રાખવા વધુ પડતી કસરત કર્યા કરે તેને પ્રતિબંધિત એનોરેક્સિયા (રિસ્ટ્રીકટેડ એનોરેક્સિયા) કહે છે. બીજો પ્રકાર છે, બિંજ-પર્જ એનોરેક્સિયા, જેમાં થોડા સમયમાં જેટલું ખાવું હોય તેટલું ખાઈ લેવું, જેને અંગ્રેજીમાં બિન્જઇટિગ કહે છે અથવા વ્યક્તિ અંગ્રેજીમાં પરજીંગ એટલેકે શદ્ધીકરણ કરવાનો પ્રયત્ન કરે છે.
શુદ્ધીકરણનો અર્થ ઊલટી, રેચકનો ઉપયોગ જેથી વજન ન વધે. ત્રીજો એક પ્રકાર છે, જેમાં વ્યક્તિનું વજન સામાન્ય હોય છે, તેમ છતાં તે ઓછો ખોરાક લે છે. આવા સમયે એનોરેક્સિયા ઓળખવું મુશ્કેલ બને છે.
- એનોરેક્સિયાનાં કારણ
વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ એનોરેક્સિયા ધરાવતા લોકોના મગજમાં થોડો તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે, સેરોટોનિન અને ડોપામાઇનનું સ્તર અલગ અલગ હોઈ શકે છે. આ ભૂખ, મૂડ અને આવેગ નિયંત્રણને અસર કરી શકે છે. જો પરિવારમાં એનોરેક્સિયાનો ઇતિહાસ હોય તો તેની અસર રૂપે પણ એનોરેક્સિયા હોઈ શકે. આનો અમુક હિસ્સો તમારા જનીનોમાં હોઈ શકે છે. તેનો અમુક હિસ્સો પરિવારના વર્તનને જોઈને શીખેલાં હોઈ શકે છે.
ઘણા લોકો મિત્રો, સંસ્કૃતિ, સોશ્યલ મીડિયા કે નોકરીના દબાણને કારણે પોતાના શરીર અને દેખાવ વિશે વધુ પડતા ચિંતિત કે સભાન બની જાય છે. કિશોરો ઘણીવાર આ દબાણ સૌથી વધુ અનુભવે છે. દેખાવ બાબતે તેઓ પોતાની જાત પ્રત્યે પ્રત્યે ખૂબ કઠોર બની શકે છે. શરીરના વજનને કારણે આત્મ-સન્માન ઓછું હોવું અથવા એવું માનવું કે તમારું મૂલ્ય તમારા શરીરના વજન પર આધારિત છે, તેનાથી ઇટિગ ડિસઑર્ડર વિકસી શકે છે. આમાં સામાજિક આઘાત, શોષણ અને ધાકધમકી (બુલિંગ) જેવાં પરિબળો પણ કારણભૂત બની શકે છે.
- એનોરેક્સિયા નર્વોસાથી શું તકલીફો થાય?
કુપોષણ આપણા શરીરના લગભગ દરેક અંગ અને પેશીને અસર કરી શકે છે. એનોરેક્સિયામાંથી સાજા થયા પછી પણ અંગોને થયેલું ગંભીર નુકસાન કદાચ કાયમી હોઈ શકે છે. એનોરેક્સિયા આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ વિનાશક સાબિત થઈ શકે છે. સારવાર શરૂ થયા પછી પણ આ અસરોમાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે. એનોરેક્સિયાની સારવાર ન કરાય તો ઘણા નુકસાન થઈ શકે છે. હાડકાના જથ્થાનું અને દાંતના ઈનેમલનું નુકસાન, કિડની અને લીવરને નુકસાન, હૃદય નિષ્ફળતા, બાળકોમાં વિકાસમાં વિલંબ, પુખ્ત વયના લોકોમાં વંધ્યત્વ, જાતને નુકસાન પહોંચાડવું અને આત્મહત્યાના વિચારો વગેરે સમસ્યાઓ જોવા મળી શકે છે.
- એનોરેક્સિયા નર્વોસાનાં લક્ષણો
કેલરી ગણતરી અથવા આહાર પર વધુ પડતું ધ્યાન, શારીરિક દેખાવ બાબતે વધારે પડતી સભાનતા અને ચિંતા, લાંબા સમય સુધી એક સાથે કસરત કરવી (ખાસ કરીને ખાધા પછી), જાડા હોવાની ફરિયાદ કરવી, ભૂખ દબાવતી દવાઓ, રેચક અથવા મૂત્રવર્ધક દવાઓનો વધુ પડતો ઉપયોગ, વારંવાર વજન જોયા કરવું, સમાજથી દૂર રહેવું અથવા શોખમાં રસ ગુમાવવો જેવાં ભાવનાત્મક લક્ષણો જોવા મળી શકે.
શારીરિક લક્ષણોમાં વજનમાં નોંધપાત્ર ઘટાડો અથવા વજન ન વધવું (બાળકો કે કિશોરોમાં), અત્યંત પાતળો કે નબળો દેખાવ, હંમેશાં ઠંડી લાગવી, થાક કે ઊર્જાનો અભાવ, અનિયમિત માસિક કે માસિક ન આવવું, માનસિક મૂંઝવણ કે સ્પષ્ટ રીતે વિચારી ન શકવું, ચક્કર આવવાં, શરીરમાં પાણીની અછત (ડિહાઇડે્રશન), હૃદયના ધબકારા ધીમા પડવા, વાળ પાતળા થવા, વાળ ઝડપથી ખરવા વગેરે.
- એનોરેક્સિયાની સારવાર
આની સારવાર તે વ્યક્તિની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ કરવામાં આવે છે. એનોરેક્સિયાથી પીડાતી વ્યક્તિની સારવારમાં સૌથી મોટો પડકાર એ છે કે તેમને એ વાત સમજવામાં અને સ્વીકારવામાં મદદ કરવી કે તેઓ એક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.
આપણે સહુએ એ યાદ રાખવું જરૂરી છે કે ન ખાવું, અથવા ઓછું ખાવું એ વજન સમતોલ કરવાનો સાચો રસ્તો નથી. નિષ્ણાતો પાસેથી ખોરાકમાં ફેરફાર કરવો અને યોગ અથવા અન્ય કસરતો કરીને, રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ વધારીને વધારાની કેલરી કે ચરબીને બાળવી એ બહેતર અને બેસ્ટ વિકલ્પ છે.