Thu Apr 23 2026

Logo

કચ્છમાં ગરમીથી વન્યજીવો પણ બેહાલ, ઠંડકની શોધમાં ઝેરી સાપ-વીંછી માનવ વસાહતોમાં ઘૂસતા ફફડાટ

2026-04-22 11:49:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ સતત વધી રહેલા તાપમાનના કારણે માત્ર માનવજીવન જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ અને વન્યજીવો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગરમીથી અકળાયેલા ઝેરી સાપ અને વીંછી જેવા જીવજંતુઓ હવે ઠંડકની શોધમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની માનવ વસાહતો તરફ વળી રહ્યા હોવાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉનાળાના પ્રારંભ સાથે કચ્છમાં વાડી-ખેતરો તેમજ રહેણાંક મકાનોમાં ઝેરી જીવજંતુઓ દેખાવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગરમીથી બચવા માટે આ સરીસૃપો ઘરના ઠંડકવાળા ખૂણાઓ, સ્ટોરરૂમ, પાણીની ટાંકીની આસપાસ કે ભીનાશવાળી જગ્યાઓએ આશરો લઈ રહ્યા છે. અચાનક સામે આવતા આ ઝેરી જીવોને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જીવજંતુઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન સમાન ઘરની આસપાસ કચરો, ઘાસ કે લાકડાના ઢગલા ન રાખવા, અંધારામાં બહાર નીકળતી વખતે ફરજિયાત ટોર્ચનો ઉપયોગ કરવો, વાડી-ખેતરમાં કામ કરતા મજૂરો અને ખેડૂતોએ સુરક્ષા માટે ગમબૂટ અને હાથમોજાં પહેરવા વગેરે જેવી સૂચનાઓ વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જો કોઈને સાપ કે ઝેરી જંતુ કરડે તો ગભરાયા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો અને અંધશ્રદ્ધામાં પડવાને બદલે તબીબી સારવાર લેવી. હાલના તબક્કે સાવચેતી અને સતર્કતા એ જ બચાવનો શ્રેષ્ઠ માર્ગ હોવાનું વન તંત્રએ ઉમેર્યું છે

(ઉત્સવ વૈદ્ય)