કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન એટલે કે EPFOએ પોતાની વ્હોટ્સએપ ચેનલની શરૂઆત કરી છે. અને હવે તેની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (હવે X) પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. એટલે કે હવે ફક્ત 'Hello' લખતા જ EPFO મેમ્બર પીએફ ખાતામાં બેલેન્સથી લઇને બધી ડિટેલ તરત તેના વ્હોટ્સએપ પર આવી જશે. આ ઉપરાંત સંગઠનના મેમ્બર કર્મચારી અને પેન્શનર્સ EPFOથી અન્ય જરુરી સેવાઓ અને આવનારી દરેક અપડેટ્સ EPFO WhatsApp ચેનલના માધ્યમથી પ્રાપ્ત કરી શકશે.
સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી
EPFO પોતાના મેમ્બરો સુધી પહોંચ વધારવા અને તેમને બધી સર્વિસિઝનો સરળ એક્સેસ આપવા માટે સતત પગલા ભરી રહ્યું છે. અને આ ક્રમમાં WhatsApp મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા નવી સુવિધા આપી છે. આ અંગે EPFOએ એક્સ પોસ્ટ દ્વારા જાણકારી આપતા મેમ્બર્સને આ વ્હોટ્સએપ ચેનલની સાથે જોડાવા અપીલ કરી છે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી એક પોસ્ટ (EPFO X Post) કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વ્હોટ્સએપ ચેનલ સાથે જોડાઈને કર્મચારીઓ લેટેસ્ટ અપડેટ અને જરૂરી જાણકારીઓ મેળવી શકે છે. આ સાથે જ EPFOએ એક ક્યૂઆર કોડ (EPFO QR Code) પણ પોસ્ટમાં શેર કર્યો છે, જેને સ્કેન કરીને મેમ્બર્સ આની સાથે જોડાઈ શકે છે.
માત્ર ક્યૂઆર કોડ દ્વારા જ નહીં પરંતુ EPFO મેમ્બર્સ (https://whatsapp.com/channel/0029Vb6kmH48Pgs8ftd6Kw3Y) લિંક દ્વારા પણ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની અધિકૃત વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકે છે.
આ પદ્ધતિ કેવી રીતે કામ કરશે?
હવે જાણીએ કે વ્હોટ્સએપ પર EPF ખાતા સાથે જોડાયેલ દરેક અપડેટ કેવી રીતે મળશે? તો જો તમે વ્હોટ્સએપ પર સેવાઓનો લાભ લેવા માંગતા હોવ, તો EPFO ની રજિસ્ટર્ડ વ્હોટ્સએપ ચેનલ સાથે લિંક થઈને તેના પર 'Hello' ટાઈપ કરવું પડશે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર EPFO ના મેસેજ મેળવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.
તમારા મેસેજ કર્યા પછી સંગઠન પહેલાં વેરિફાય કરશે કે મેસેજ યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મેસેજના મોબાઈલ નંબરથી આવ્યો છે કે નહીં. જો મેસેજ વેરિફાય થઈ જાય, તો મેમ્બરને સ્થાનિક ભાષામાં સરળ મેનૂ વિકલ્પો દેખાશે, અને મેમ્બર વિકલ્પની પસંદગી કરી શકે છે, વિગતો જમા કરાવી શકે છે અથવા સરળ સવાલોના જવાબ પર ક્લિક કરી શકે છે. હવે EPFO તરફથી મેસેજ પર કાર્યવાહી કરવામાં આવશે અને AI ચેટબોટ દ્વારા સીધા અથવા EPFO ડેટાબેઝમાં શોધીને જવાબ આપવામાં આવશે.
કઈ-કઈ માહિતી તરત મળશે?
વ્હોટ્સએપ પર EPFO ની તમામ સેવાઓની માહિતી મેળવી શકાય છે. તેમાં સૌથી ખાસ એ છે કે મેમ્બર પોતાના PF ખાતામાં જમા રકમ એટલે કે PF બેલેન્સની પૂરી વિગત મેળવી શકે છે. આ સિવાય છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન વિશે માહિતી મેળવી શકાય છે. વળી, EPFO અંતર્ગત ક્લેમ સ્ટેટસ પણ ચેક કરી શકાય છે.