Tue Oct 06 2026

Logo

ફ્લાયદુબઈની ફ્લાઈટ હવામાં હતી ત્યારે કોકપિટની અંદર શું થયું? આ નવો વીડિયોએ ખોલ્યું રહસ્ય, જાણો સમગ્ર હકીકત...

2026-10-02 12:04:00
Author: Vimal Prajapati
ફ્લાયદુબઈની ફ્લાઈટ હવામાં હતી ત્યારે કોકપિટની અંદર શું થયું? આ નવો વીડિયોએ ખોલ્યું રહસ્ય, જાણો સમગ્ર હકીકત...

તેલ અવીવ/ નવી દિલ્હીઃ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 ની અંદરનો એક અત્યંત આઘાતજનક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વિમાન જ્યારે હવામાં હતું ત્યારે કોકપિટની અંદર જ કો-પાઈલોટે વિમાનના મુખ્ય કેપ્ટન પર ચાકુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ વિમાનમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સામે આવેલા નવા ફૂટેજમાં ભારતીય પાઈલોટ કેપ્ટન સ્મિત મચ્છાર લોહીલુહાણ હાલતમાં જોવા મળી રહ્યાં છે, જ્યારે તેમની વર્દી પરથી જ લોહીના ડાઘા હુમલાખોર કો-પાઈલોટના કપડાં પર પણ સ્પષ્ટ દેખાય છે.

આરોપી કો-પાઈલોટને મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે દોરડાથી બાંધીને કાબૂમાં લીધો હતો. હાલમાં સાઉદી અરેબિયા પોલીસે હુમલાખોરને યુએઈ (UAE) પ્રશાસનને સોંપી દીધો છે. આ હુમલો કોઈ આતંકવાદી ષડયંત્ર હતો કે પછી કોઈ અંગત વિવાદ, તે અંગે તપાસ ચાલી રહી છે. છેલ્લા 4 વર્ષથી ફ્લાયદુબઈ સાથે જોડાયેલા ભારતીય પાઈલોટ કેપ્ટન સ્મિત મચ્છારે આ ઘટનામાં અસાધારણ સાહસ દેખાડ્યું હતું. જ્યારે કો-પાઈલોટે વિમાનનો કન્ટ્રોલ છીનવીને તેને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કેપ્ટન સ્મિત તેને રોકવા માટે ભીડાઈ ગયા હતા. આ દરમિયાન કો-પાઈલોટે તેમના પર ચાકુથી અનેક વાર કર્યા હતા.

વીડિયોમાં કેપ્ટન સ્મિત મચ્છારે શું કહ્યું?

આ વાયરલ થયેલા વીડિયોમાં કેપ્ટન સ્મિત મચ્છાર મુસાફરો સાથે વાતચીત કરતી વખતે પોતાની ગંભીર ઈજા દર્શાવતા સંભળાય છે. તેમણે જણાવ્યું કે, ‘તેણે મારા પર અચાનક ચાકુથી અનેક હુમલા કર્યા... હું મારો હાથ હલાવી શકું છું, પરંતુ હું મારી મુઠ્ઠી વાળી શકતો નથી કે તેના પર કોઈ દબાણ આપી શકતો નથી’. વિમાનમાં સવાર એક ડૉક્ટરે તાત્કાલિક આગળ આવીને કેપ્ટન સ્મિતને ફર્સ્ટ એઇડ આપી હતી અને વહેતું લોહી અટકાવ્યું હતું. મુસાફરો પણ પાઈલોટને આશ્વાસન આપતા અને હિંમત બંધાવતા જોવા મળ્યા હતા.

 

કો-પાઈલોટને સીટ સાથે બાંધી દીધા બાદ, ફ્લાઈટમાં સવાર અન્ય સક્ષમ પાઈલોટોએ વિમાનનો કન્ટ્રોલ પોતાના હાથમાં લીધો હતો. ઘટનાની ગંભીરતા જોઈને વિમાનને સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને ત્યાં સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ સાઉદી પોલીસે આરોપી કો-પાઈલોટની અટકાયત કરી લીધી હતી અને ઘાયલ કેપ્ટન સ્મિત મચ્છારને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુએઈ એજન્સીઓ આ સમગ્ર મામલે આતંકવાદી એંગલ સહિત તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.