પહેલાં પંજાબ અને હવે ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ ધાર્યા કરતાં વધુ ઝડપે પ્રસરી રહ્યું છે. આવે વખતે સરકાર અન્ય સામાજિક સંસ્થાઓની સાથે પણ જો આ નશીલાં દ્રવ્ય-પદાર્થોની હેરાફેરી રોકવા અર્ધકચરા ઉપાયો અજમાવતી રહેશે તો આજની યુવાન પેઢી આ દૂષણમાં બરબાદ થઈ જશે. હવે ‘કંઈક ’ કરવાનો સમય આવી ગયો છે
વિજય વ્યાસ
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઑગસ્ટ, 2026ના દિવસે ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ની શરૂઆત કરી હતી. દેશના યુવાઓ કોઈ પણ પ્રકારનો નશો ના કરે એ માટે પોતે તો સંકલ્પ કરે જ પણ દેશનો દરેક નાગરિક સંકલ્પ કરે એવા શુભ ઉદ્દેશથી શરૂ થયેલી આ ઝુંબેશને લોકોએ વધાવી છે.
આના માટે શરૂ કરાયેલી વેબસાઇટ પર જઈને 1.40 કરોડથી વધારે લોકો ભારતને નશામુક્ત બનાવવાનો સંકલ્પ કરી ચૂક્યા છે. એક મહિનાના ગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકો આવી ઝુંબેશમાં જોડાય એ સારી વાત કહેવાય, પણ મૂળ સવાલ એ છે કે ભારત સરકારે આ પ્રકારનું અભિયાન શરૂ કરવાની જરૂર કેમ પડી?
આ સવાલનો જવાબ બહુ સ્પષ્ટ છે. ભારતના યુવાઓમાં ડ્રગ્સની લત વધી રહી છે તેથી સરકારે આ પગલું લેવું પડ્યું છે. એક સમયે ડ્રગ્સના દૂષણ માટે પંજાબ બદનામ હતું ને પંજાબી યુવાનો ડ્રગ્સના નશામાં સાતમા આસમાનમાં ઊડતા તેથી ‘ઉડતા પંજાબ’ શબ્દો વપરાતા, પણ હવે દેશનાં અનેક અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સના દૂષણે પગપેસારો કર્યો છે. ગુજરાત જેવા પ્રમાણમાં ડ્રગ્સથી દૂર ભાગતા રાજ્યમાં જ દર મહિને હજારો કિલો ડ્રગ્સ ઝડપાય છે- નશીલાં દ્રવ્યો બનાવતી ફૅક્ટરીઓ પકડાય છે.
અફઘાનિસ્તાનના ડ્રગ્સ પાકિસ્તાન બૉર્ડર થઈને ગુજરાતમાં ઠલવાય છે. આ બધા વચ્ચે તો બીજાં રાજ્યોમાં કેવી હાલત હશે તેની કલ્પના કરવી અઘરી નથી.
ભારતમાં ડ્રગ્સનું દૂષણ ખતરનાક હદે વધી રહ્યું છે એવું સત્તાવાર ડેટા પણ કહે છે. ભારતમાં લગભગ 21 કરોડ લોકો નશાના બંધાણી છે. તેમાંથી અડધાથી વધારે દારૂની લતે ચડેલા છે, પણ બાકીના ડ્રગ્સના બંધાણી છે એવું કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય દ્વારા બહાર પાડવામા ંઆવેલો રિપોર્ટ જ કહે છે. ‘ભારતમાં નશાકારક પદાર્થોના ઉપયોગનું પ્રમાણ અને પદ્ધતિ અંગેના રાષ્ટ્રીય સર્વેક્ષણ ‘ટાઇટલ હેઠળના રિપોર્ટની વિગતો આપણને થથરાવી નાખે એવી છે.
આ રિપોર્ટ પ્રમાણે ભારતમા 10થી 75 વર્ષની વયના 16 કરોડ લોકો એટલે કે કુલ વસ્તીના લગભગ 15 ટકા લોકો દારૂ પીવે છે. તેમાંથી 5.2 ટકા લોકો એવા છે કે જેમને દારૂ વિના ચાલતું જ નથી. દારૂ ના પીવે તો તેમની નસો તૂટવા માંડે છે અને માનસિક ખરાબ અસર થાય છે. ભારતમાં 10 વર્ષથી 75 વર્ષની ઉંમરના લોકોમાંથી લગભગ 3.1 કરોડ એટલે કે 2.8 ટકા લોકો ગાંજાનો ઉપયોગ કરે છે અને 72 લાખ લોકો ગાંજાના ઉપયોગને કારણે થતી બીમારીઓ સહિતની સમસ્યાઓથી પીડાય છે.
ભારતમાં લગભગ 2 કરોડ લોકો અફીણના બંધાણી છે ને તેમાંથી 60 લાખ લોકો અફીણના ઉપયોગને કારણે માનસિક અને શારીરિક રોગી બની ગયા હોવાથી તેમને સારવારની જરૂર છે. આ સિવાય 1.18 કરોડ લોકો સીડેટિવ્સ એટલે કે મેડિકલ સ્ટોરમાં મળતી દવાઓનો બંધાણી છે.
ઉંઘની ગોળીઓ, કફ સિરપ, પેઇન કિલર સહિતની આ દવાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવાની હોય છે, પણ આ 1.18 કરોડ લોકો લતના કારણે ડૉક્ટરોની સારવાર વિના જ સીડેટિવ્સ લે છે કે જેથી ઘેન ચડે. આ સિવાય 8.50 લાખ લોકો ઇન્જેક્શન્સ દ્વારા લેવાતાં ડ્રગ્સ લે છે. નાક દ્વારા સૂંઘીને લેવાતાં કે બંધાણી કેટલાં છે તેનો તો અંદાજ જ નથી પણ આ રિપોર્ટ પ્રમાણે લગભગ 1.70 કરોડ લોકો શ્ર્વાસ દ્વારા લેવાતા નશાકારક ડ્રગ્સનો ઉપયોગ કરે છે.
આમ તો આ રિપોર્ટ 2018-19માં થયેલા સર્વેનો છે. એ જોતાં અત્યારે ભારતમાં નશાના બંધાણીઓનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો હોય તો નવાઈ નહીં. સરકાર પાસે નવો ડેટા આવી ગયો હોય ને તેનાથી ચોંકીને સરકારે નશામુક્ત ભારતનું અભિયાન શરૂ કર્યું હોય એ પણ શક્ય છે. લોકોમાં ફફડાટ ના થાય એટલે તેનો ડેટા જાહેર ના કરાતો હોય એ શક્યતા નકારી ના શકાય. એવું હોય તો તેમાં કશું ખોટું નથી કેમ કે ડેટા જાહેર કરવા કરતાં યુવાઓને નશામુક્ત કરવા વધારે જરૂરી છે.
ભારત ડ્રગ્સની નાગચૂડમાં ફસાઈ રહ્યું છે એવું અમેરિકાનો રિપોર્ટ પણ કહે છે. લગભગ એક વરસ પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કૉંગ્રેસ એટલે કે યુએસ સંસદમાં ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’ રજૂ કર્યો તેમાં ડ્રગ્સની હેરફેર અને ગેરકાયદે ડ્રગ્સનું ઉત્પાદન કરતા 23 દેશોની યાદીમાં ભારતનો પણ સમાવેશ કર્યો હતો.
ભારતનો ‘પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન રિપોર્ટ’માં સમાવેશ થયો તેનો મતલબ એ કે અમેરિકા માને છે કે ભારત પણ વિશ્ર્વમાં ડ્રગ હબ તરીકે ઊભરી રહ્યું છે.
ભારત સહિતના આ 23 દેશ ગેરકાયદે ડ્રગ્સ અને કેમિકલ્સ બનાવીને કે પછી તેની હેરફેરમાં ભાગીદાર બનીને અમેરિકા તથા તેના નાગરિકોની સલામતી માટે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે એવું આ અહેવાલનું કહેવું હતું.
ભારતનો સમાવેશ એવા દેશોની યાદીમાં થયો છે કે જ્યાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થાય છે અને બીજા દેશોમાં બનાવાતા ડ્રગ્સની હેરફેર માટે તેનો ઉપયોગ થાય છે. ગેરકાયદે ડ્રગ્સ અને ખતરનાક કેમિકલ્સની હેરફેરમાં સંડોવાયેલા દેશોમાં એશિયામાં અફઘાનિસ્તાન, બર્મા, ચીન, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારતના દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરફેર માટે થાય જ છે તેથી ટ્રમ્પના રિપોર્ટમાં સત્ય છે જ.
ભારતમાંથી છેલ્લાં કેટલાંક વરસોમાં જે પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે તેના આંકડા પર પણ નજર નાખીએ તો પણ આ વાત સમજાશે. ભારતમાં દવાઓ અને કેમિકલ્સ બનાવતી નાની નાની ફૅક્ટરીઓ ડ્રગ્સ બનાવીને ઈઝી મની કમાવી લેવાની લાલચમાં પડી ગઈ છે એ પણ આપણી નજર સામે જ છે. કમનસીબે આ નેટવર્કને તોડી પાડવા કશું થતું નથી.
ભારતમા ં‘નશા’ના મામલે ચાલતાં બેવડાં ધોરણોની વાત કરવી પણ જરૂરી છે. ભારતમાં અત્યારે ‘નશા’ની વાત નીકળે ત્યારે ડ્રગ્સનો વપરાશ સંપૂર્ણ બંધ કરી દેવા પર જ ભાર મુૂકાય છે, પણ દારૂ કે તમાકુ જેવા નશીલા પદાર્થોની કોઈ વાત કરતું નથી. ડ્રગ્સ ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે પણ દારૂ કે તમાકુ પર તો કોઈ જ પ્રતિબંધ નથી. દારૂથી પણ નશો ચડે જ છે છતાં ભારતમાં દારૂ પ્રતિબંધિત નથી. ગુજરાત, બિહાર, મિઝોરમ અને નાગાલૅન્ડ એ ચાર રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને મણિપુરના કેટલાક ભાગોમાં દારૂબંધી છે. મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન સહિતનાં 12 ધર્મસ્થાનોમાં દારૂબંધી છે. આ બધો વિસ્તાર ભેગો કરો તો માંડ દેશનો 10 ટકા વિસ્તાર થાય જ્યારે બાકીના 90 ટકા ભારતમાં દારૂ છૂટથી મળે છે ને યુવાઓ છૂટથી દારૂ પી શકે છે.
આજ રીતે તમાકુ ને તમાકુનાં ઉત્પાદનો તો આખા દેશમાં જોઈએ એટલા પ્રમાણમાં મળે છે. તમાકુથી ડ્રગ્સ કે દારૂ જેવો નશો નથી ચડતો પણ એ નશીલો પદાર્થ તો છે જ. તમાકુ અને તેનાં ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે ડ્રગ્સ જેટલાં જ ખતરનાક છે અને તેના કારણે ડ્રગ્સ કે દારૂથી બરબાદ થતા યુવાનો કરતાં વધારે પ્રમાણમાં યુવાઓ બરબાદ થાય છે, પણ સરકાર તેના પર પ્રતિબંધ મૂકતી નથી, કારણ? કારણ એ જ કે દારૂ અને તમાકુનાં ઉત્પાદનોમાંથી સરકારને જંગી કમાણી થાય છે. આપણી સરકારો યુવાઓને તમાકુ ને દારૂના રવાડે ચડાવીને બરબાદ થતા જોયા કરે છે, પણ પ્રતિબંધ નથી મૂકતી એ ડબલ સ્ટાન્ડર્ડ-બેવડું વલણ ના કહેવાય તો બીજું શું કહેવાય?
યુવાઓ ડ્રગ્સ તરફ વળી રહ્યા છે એ માટે સામાજિક તણાવ, પાકિસ્તાન દ્વારા ભારતમાં યુવાઓને બરબાદ કરવા માટે ડ્રગ્સ ઘુસાડવાની વ્યૂહરચના અને સારવાર માટેના માળખાગત સુવિધાઓનો ગંભીર અભાવ જેવાં કારણો જવાબદાર છે.મોદી સરકારે નશામુક્ત અભિયાન શરૂ કર્યું છે ત્યારે આવી બધી બાબત તરફ પણ ગંભીરતાથી ધ્યાન અપાય ને તેમાં સુધારો કરાય એ જરૂરી છે. લોકો વેબસાઇટ પર જઈને નશાને રોકવા માટેની પ્રતિજ્ઞા લઈ લે તેના કારણે ડ્રગ્સનું દૂષણ રોકાવાનું નથી.
સરકારે પણ પ્રયત્ન કરવા પડે ને તેમાં સૌથી મહત્ત્વની બાબત ડ્રગ્સના નેટવર્કનો ખાતમો છે. પાકિસ્તાન ઘુસાડતું હોય કે બાંગ્લાદેશ ઘુસાડે, પણ ભારતમાં ડ્રગ્સના વેચાણનું નેટવર્ક જ ના હોય તો યુવાઓ સુધી ડ્રગ્સ પહોંચશે જ નહીં. તેથી ડ્રગ્સ નેટવર્કને સાવ રફેદફે કરી દેવાય તો જ ભારત નશામુક્ત બને, ખાલી સૂત્રો પોકારવાથી કહેવાતાં સરકારી અભિયાનો ચલાવવાથી કંઈ ના થાય.