Sun May 10 2026

Logo

એક વર્ષ સુધી સોનું નહીં ખરીદો, પેટ્રોલ-ડીઝલની બચત કરોઃ પીએમ મોદીનો જનતાને અનુરોધ

2026-05-10 21:38:09
Author: Kshitij Nayak
Article Image

સિકંદરાબાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદ (તેલંગણા)માં એક જનસભાને સંબોધતા મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે મહત્ત્વની લોકોને અપીલ કરી. પીએમ મોદીએ યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો અને ભારત પણ પણ ગંભીર યુદ્ધની અસર ઊભી થઈ છે, ત્યારે લોકોને ખાસ કરીને સોનું નહીં ખરીદવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને જનતાને અપીલ કરતા કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરો. હાલના તબક્કે આયાતિત પેટ્રોલિયમ ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત જરુરિયાત અનુસાર કરવો જોઈએ, કારણ કે એનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે, જ્યારે યુદ્ધની અસરોને પણ ઓછી કરી શકાશે, એમ તેમણે જણાવ્યું હતું.

વર્ક ફ્રોમ હોમ સહિત ઓનલાઈન મીટિંગ્સ અપનાવો



પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે આગામી એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં. કોરોના મહામારી વખતે આપણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન મીટિંગ્સ, વીડિયો કોન્ફરન્સ વગેરે વ્યવસ્થા અપનાવી હતી. ધીમે ધીમે એની પણ આદત પડી ગઈ હતી, પરંતુ અત્યારના સમયે એની માગ છે અને આપણે પણ એ બધી વ્યવસ્થાની પ્રાથમિકતા આપીએ.

હવે પેટ્રોલ-ડીઝલ બચાવવાની છે તમારી જવાબદારી



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી ઈરાન-અમેરિકા/ઈઝરાયલની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેની અસર ભારત સહિત સમગ્ર દુનિયા પર પડી છે. વર્તમાન હાલતમાં વિદેશી નાણાભંડોળ બચાવવાની હિમાયત કરી હતી. દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ ગયા છે, તેથી ઇંધણની બચત કરવાની તમારી હવે જવાબદારી છે.

રશિયા-યુક્રેન યુદ્ધે સંકટ વધાર્યું પણ ખાતર સસ્તું મળે છે

દુનિયા અત્યારે સૌથી મોટી સપ્લાય ચેઈનના સંકટમાંથી પસાર થઈ રહી છે. યુક્રેન યુદ્ધે દુનિયામાં સંકટ વધાર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ-છ વર્ષથી અમારી સરકાર આ સંકટમાંથી ઉગરવાની કોશિશ કરી રહ્યું છે. દુનિયાભરમાં ખાતરની એક ગુણી લગભગ 3,000 રુપિયામાં વેચાય છે, જ્યારે ભારતના ખેડૂતો 300 રુપિયામાં ઉપલબ્ધ કરવામાં આવે છે.

હવે જનતા વંશીય રાજકારણ સ્વીકારવા તૈયાર નથી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણી અંગે કહ્યું કે દેશમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું હતું. બંધારણીય સંસ્થાઓનું ગળું ટૂંપવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ટીએમસીએ પણ કોંગ્રેસ પાસેના દુર્ગુણો શીખ્યા હતા. એટલું જ નહીં, ડાબેરીઓની ખરાબ ટેવો પણ ટીએમસી અપનાવી લીધી હતી, પરંતુ એના પર પણ ભાજપએ વિજય મેળવ્યો છે, તેથી સમગ્ર દેશમાં ઉત્સવ છે. આસામ અને બંગાળથી પુડુચેરી સુધી ચૂંટણી સંબંધિત વિસ્તાર કર્યો નથી, પરંતુ ભારતના રાજકીય માનસમાં બદલાયેલા પરિવર્તનના સંકેત છે, જ્યાં હવે જનતા વંશીય રાજકારણ સ્વીકારવા તૈયાર નથી.