નવી દિલ્હી : એર ઇન્ડિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં નિયમોના ભંગ બદલ 1000 થી વધુ કર્મચારીઓ પર કાર્યવાહી કરીને છૂટા કર્યા છે. આ અંગે કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને મીટિંગમાં જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દર વર્ષે સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવામાં આવે છે. તેમણે કર્મચારીઓને યોગ્ય આચરણ જાળવવાની પણ અપીલ કરી હતી. કંપનીના સીઈઓએ મીટિંગમાં જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કરેલા કર્મચારીઓમાં ફ્લાઇટમાં સામાનની દાણચોરી કરી હતી. તેમજ ચાર્જ લીધા વિના મર્યાદાથી વધુ સામાન લઇ જવાની મંજૂરી આપી હતી.
એર ઇન્ડિયામાં હાલમાં લગભગ 24,000 કર્મચારીઓ
કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે એર ઇન્ડિયાને તેની હવાઈ મુસાફરી નીતિના ઉપયોગમાં મોટા પાયે ગેરરીતિઓ મળી આવી હતી. જેમાં 4,000 થી વધુ કર્મચારીઓ સામેલ હતા. કંપનીએ દોષિત કર્મચારીઓ પર દંડ લાદવા સહિત અનેક સુધારાત્મક પગલાં લીધાં છે. એર ઇન્ડિયામાં હાલમાં લગભગ 24,000 કર્મચારીઓ છે. એર ઈન્ડિયા નાણાકીય દબાણ વચ્ચે ખર્ચ ઘટાડવાના પગલાં પણ લઈ રહી છે. આ અંતર્ગત વાર્ષિક પગાર વધારો અટકાવવામાં આવ્યો છે. તેમજ કર્મચારીઓને બિન-આવશ્યક ખર્ચમાં ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું છે.
વર્ષ 2025-26માં 22,000 કરોડ રૂપિયાથી વધુ નુકસાનની સંભાવના
આ ઉપરાંત એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને જણાવ્યું છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ ચાલુ રહેશે તો આ વર્ષ કંપની માટે ખૂબ જ મુશ્કેલ રહેશે. તેમજ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસને નાણાકીય વર્ષ 2025-26માં 22,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. હાલમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે, ATF ખૂબ મોંઘું થઈ ગયું છે. તેમજ કંપનીઓના સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.