સોમનાથ મંદિરના ૭૫ વર્ષ પૂર્ણ: ૧૧ તીર્થોના જળથી અભિષેક અને વાયુસેનાનો રોમાંચક એર શો યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ પ્રભાસ પાટણ ખાતે 'અમૃત પર્વ'ની ઉજવણી કરવામાં આવશે. આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગર પહોંચ્યા હતા અને હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજીને જનતાનું અભિવાદન ઝીલશે. આજે સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" ઉત્સવના પગલે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.
કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરાશે
આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી "સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬"ના વિશેષ અવસરે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. ૧૧ તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે.
આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે ૧૦-૧૨ વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે, પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.
એર શોના શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો સાક્ષી બનશે
આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ'નો એર શો રહેવાનું છે, જેનું સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને લોકો દંગ રહી ગયા હતા.
આવતીકાલે યોજાનારા 'સૂર્યકિરણ એર શો' માં છ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં 'ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ', 'કલર સ્મોક', 'લૂપ્સ એન્ડ રોલ્સ', 'ક્લૉઝ ફોર્મેશન', 'ડાયમંડ ફોર્મેશન' સહિત હવાઈ કરતબો દ્વારા અલગ-અલગ રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવશે. વડા પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર આ એર શોના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓ સાક્ષી બનશે.
સૂર્યકિરણ એર શોમાં છ ફાઈટર જેટ સામેલ થશે
એર શો અંગે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર જનમીત શર્માએ જણાવ્યું હતું કે, એરફોર્સની સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. એરફોર્સના હૉક-એમ.કે - 132 શ્રેણીના કુલ છ ફાઈટર જેટ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવશે. જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ તથા ટીમના કમેન્ટેટર કુ. કંવલ સંધુએ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં પહેલીવાર સોમનાથ મંદિર પર 'સૂર્યકિરણ એર શો' થશે. કુલ છ ફાઇટર જેટ આ કવાયતમાં સામેલ થશે.
ફાઈટર જેટની ઉડાન પ્રતિ કલાકના 800 કિ.મી. હશે
એરફોર્સના પાઇલટની તાલીમ આ ફાઇટર પ્લેન પર જ કરવામાં આવે છે. હવાઈ કરતબો ઉપરાંત જરૂર પડે તો આકસ્મિક સંજોગો, દુર્ગમ પ્રદેશમાં અણધાર્યું સંકટ અને યુદ્ધની સ્થિતિમાં આ ફાઈટર જેટ્સનો ઉપયોગ કરી શકાય છે. સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે ૮૦૦થી ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. આ છ ફાઇટર જેટ જામનગર સ્ટેશનથી ઓપરેટ થશે, એમ તેમણે જણાવ્યું હતું.
વડોદરામાં સરદારધામ-3નું ઉદ્ઘાટન કરવામાં આવશે
આ ઉપરાંત આવતીકાલે વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય 'સરદારધામ-3'નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. સરદાર ધામ-3ના લોકાર્પણ માટે આવી રહેલા વડા પ્રધાનનું પાટીદાર સમાજ વતી વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સન્માન કરવામાં આવશે અને પીએમ મોદીને સરદાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવશે.