દોહા: અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાવવા માટે પાકિસ્તાન પછી હવે કતર સામે આવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને વ્હાઇટ હાઉસના દૂત સ્ટીવ વિટકોફ શનિવારે મિયામીમાં કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીને મળ્યા હતા. આ મુલાકાત ઈરાન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા માટે એક સમજૂતી પર વાતચીતને આગળ વધારવાના પ્રયાસોના ભાગરૂપે થઈ હતી. અમેરિકી વિદેશ વિભાગે આ મુલાકાતની પુષ્ટિ કરી છે.
અમેરિકી અખબાર એક્સિયોસે (Axios) બે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં પાકિસ્તાન વાતચીતમાં મુખ્ય મધ્યસ્થી રહ્યું છે, પરંતુ કતર પણ બંને પક્ષો વચ્ચેના સંપર્કમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જોકે, કતાર આ કામ મોટાભાગે પડદા પાછળ રહીને કરી રહ્યું છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ ઈરાન સાથેની વાતચીતમાં કતરની ભૂમિકાને પ્રભાવશાળી માને છે.
કતર પીએમ સમજૂતી માટે એક્ટિવ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અલ થાનીની અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથેની મુલાકાત બાદ દોહા પરત ફરે તેવી અપેક્ષા હતી, પરંતુ તેમણે પોતાની યોજના બદલી નાખી અને મિયામી ગયા. મિયામીમાં રોકાણ દરમિયાન તેમણે મધ્યસ્થીના પ્રયાસો અંગે સાઉદી વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી. આ બાબત દર્શાવે છે કે કતર ખૂબ જ ગંભીરતાથી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.
Al Thani's US Vice President JD Vance (Pajhwok Afghan News)
કતરના વડાપ્રધાન, વિટકોફ અને રુબિયો વચ્ચે થયેલી બેઠકનો હેતુ એક એવા સમજૂતી કરાર (MOU) તરફ આગળ વધવાનો હતો, જેનાથી યુદ્ધનો અંત આવી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કતર, પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયા એક સમજૂતીને આગળ ધપાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. મધ્યસ્થીઓ સતત બંને પક્ષોને તણાવ ઓછો કરવા અને કોઈ ચોક્કસ સમજૂતી પર પહોંચવા માટે આગ્રહ કરી રહ્યા છે.
ઇરાન-અમેરિકામાં વધ્યો તણાવ
મધ્યસ્થીઓની ચિંતા છેલ્લા કેટલાક દિવસોમાં વધી છે કારણ કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ઈરાન અને અમેરિકી દળો વચ્ચે ગોળીબાર થયો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું કે, જો ઈરાની તેલ ટેન્કરો અથવા વ્યાપારી જહાજો પર અમેરિકા દ્વારા કોઈ પણ હુમલો કરવામાં આવશે, તો તેનો જવાબ તે વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરીને આપવામાં આવશે. આનાથી બંને પક્ષો વચ્ચે થયેલા કામચલાઉ યુદ્ધવિરામ (સીઝફાયર) તૂટવાનું જોખમ વધી રહ્યું છે.
ઈરાનમાં યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે હુમલા કર્યા હતા. ત્યારબાદ ઈરાને પણ આ હુમલાઓનો જવાબ આપ્યો હતો. આમ, બંને પક્ષો 39 દિવસ સુધી યુદ્ધમાં રહ્યા અને 8 એપ્રિલે એક કામચલાઉ યુદ્ધવિરામ પર સહમત થયા. ત્યારથી પાકિસ્તાન બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી.